કોરોનાના કેસ વધતા સરકાર એક્શન મોડમાં: પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક

 

નવી દિલ્હી: દેશમાં કોવિડ-૧૯ સંક્રમણના કેસ વધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્તમાન સ્થિતિ અને જાહેર આરોગ્યની તૈયારીઓની સમીક્ષા કરવા ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ વધતા કોરોના કેસોને લઈને અનેક સૂચનો પણ આપ્યા હતા. આ દરમિયાન, વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસને લઈને સાવચેતી અને તકેદારી રાખવાની સલાહ આપી હતી. કોવિડ સામે સજ્જતા સુનિશ્ચિત કરવા, હોસ્પિટલોમાં ફરીથી મોકડ્રીલનું આયોજન કરવાનો નિર્દેશ આપ્યો અને લોકોને કોવિડનું યોગ્ય વર્તન અનુસરવાની સલાહ આપી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા અનુસાર, ભારતમાં કોરોના વાયરસના ૧,૧૩૪ નવા કેસ નોંધાયા છે, જ્યારે સક્રિય દર્દીઓની સંખ્યા વધીને ૭,૦૨૬ થઈ ગઈ છે. સવારે આઠ વાગ્યે જારી કરાયેલા આંકડા મુજબ, સંક્રમણને કારણે પાંચ લોકોના મોત સાથે, મૃત્યુઆંક વધીને ૫,૩૦,૮૧૩ થઈ ગયો છે. ગુજરાતમાં કોરોના વાયરસના નવા ૨૪૭ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ ૧૨૪ કેસ નોંધાયા છે. જ્યારે ૯૮ દર્દીઓને રજા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મહેસાણામાં એક દર્દીનું મોત નીપજ્યું છે. ગઈકાલે ભરૂચના એક દર્દીનું કોરોનાને કારણે મોત નીપજ્યું હતું.