કોરોનાના કેસો વધશે તો ફરીથી નિયંત્રણો લાદવા પડશેઃ વિજય રૂપાણી

 

વડોદરાઃ મુખ્યંત્રી વિજય રૂપાણીએ વડોદરામાં એવી ચીમકી ઉચ્ચારી હતી કો જો રાજયમાં ફરીથી કોરોનાના કેસો વધશે તો સરકારને નિયંત્રણો લાદવા પડશે. તેમણે કહ્યું હતું કે, જયારે કોરોનાના કેસો વધે એટલે પાછા નિયંત્રણો લાદવા સિવાય સરકાર પાસે બીજો કોઈ વિકલ્પ નથી. હાલમાં કોરોના કેસો ઓછા છે એટલે નિયંત્રણો હળવા કર્યા છે, જો કોરોનાના કેસો વધશે તો ફરીથી નિયંત્રણો લાદવા પડશે.

રાજ્યમાં છેલ્લાં ૨૪ કલાકમાં ચાર મહાનગર અને પાંચ જિલ્લાઓમાં કોરોનાના માત્ર ૧૫ નવા કેસ નોંધાયા છે. તો બીજી બાજુ ૨૮ જિલ્લાઓ અને ૪ શહેરમાં એકપણ નવો કેસ નોંધાયો નથી. આજે કોરોનાના સૌથી વધુ કેસ વડોદરા શહેરમાં ૪, અમદાવાદ શહેરમાં ૩, સુરત શહેરમાં ૨, ગીર સોમનાથ, જામનગર ગ્રામ્ય, જૂનાગઢ ગ્રામ્ય-શહેર, કચ્છ, અને તાપીમાં ૧-૧ નવો કેસ નોંધાયો છે.

રાજ્યમાં છેલ્લાં ૨૪ કલાકમાં રાજકોટ, ગાંધીનગર, જામનગર અને ભાવનગર શહેર તથા ૨૮ જિલ્લાઓમાં એકપણ નવો કેસ નોંધાયો નથી. આજે ૨૮ દર્દીઓ સાજા થતાં થયા છે. સાજા થવાનો રીકવરી રેટ ૯૮.૭૫ ટકા રહ્યો છે. અત્યાર સુધી ૮,૧૪,૬૬૫ દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૨૧૩ થઈ છે. જેમાંથી ૦૫ દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે ૨૦૮ દર્દીઓ સ્ટેબલ છે.