કોરોનાના કારણે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ લોન રિસ્ટ્રક્ચરિંગ સ્કીમ જાહેર કરી

 

મુંબઇઃ કોવિડ-૧૯ના રોગચાળાને લીધે થયેલા નુકસાનમાંથી લોકો બહાર આવી શકે એ આશયથી બુધવારે રિઝર્વ બેન્કે રિસોલ્યુશન ફ્રેમવર્ક ૨.૦ની જાહેરાત કરી હતી અને એ હેઠળ જે વ્યક્તિગત વેપાર અને નાના તથા મધ્યમ ઉદ્યોગો પચીસ કરોડ રૂપિયા સુધીના હોય એમને માટે લોન રિસ્ટ્રક્ચરિંગ સ્કીમ જાહેર કરી હતી. આ સાથે જેમણે અગાઉ જાહેર કરાયેલી રિસ્ટ્રક્ચરિંગ સ્કીમ ૧.૦ હેઠળ ઋણ લીધું હશે એમને માટે બેન્કો હવે બે વર્ષ સુધી લોન મોરેટોરિયમનો ગાળો લંબાવી શકશે. જોકે, એ માટે ૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ અથવા એ અગાઉ લોન લીધી હોવી જરૂરી છે.

આરબીઆઇના ગવર્નર શશિકાંત દાસે બુધવારે જણાવ્યું હતું કે દેશમાં કોરોના વાઇરસની બીજી લહેરનો કહેર વ્યાપી રહ્યો છે અને અનેક રાજ્યોમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે. આ સ્થિતિ ભારતીય અર્થતંત્ર માટે નુકસાનકારક છે અને રિઝર્વ બેન્ક સંપૂર્ણ સ્થિતિ પર ધ્યાન રાખી રહી છે.

એમણે વધુમાં જણાવ્યું હતું કે કોવિડ-૧૯ સાથે સંકળાયેલા વેક્સિન ઉત્પાદકો, વેક્સિનના આયાતકારો, હોસ્પિટલો, પેથોલોજિકલ લેબ્સ, ઑક્સિજનના ઉત્પાદકો અને સપ્લાયર્સ વગેરે માટે લિક્વિડિટી સુધારવા રૂ. ૫૦,૦૦૦ કરોડના સસ્તા ઋણની વિન્ડો શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત વેક્સિન ઉત્પાદકો, વેક્સિનના આયાતકારો, હોસ્પિટલો, પેથોલોજિકલ લેબ્સ, ઑક્સિજનના ઉત્પાદકો અને સપ્લાયર્સ વગેરેને સસ્તી લોન આપવામાં આવશે. આ સુવિધા ૩૧ માર્ચ ૨૦૨૨ સુધી અમલમાં રહેશે. આ લોન રિપો રેટ પર આધારિત હોવાથી ખૂબ સસ્તી એટલે કે ફક્ત ચાર ટકાના વ્યાજદરે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આરબીઆઇ રૂ. ૩૫,૦૦૦ કરોડથી વધુના સરકારી સિક્યોરિટીઝ ખરીદશે. આ ખરીદીનો તબક્કો ૨૦ મેથી શરૂ કરવામાં આવશે. સ્વાસ્થ્ય સિવાયના અન્ય ક્ષેત્રો માટે પણ ટૂંક સમયમાં ઋણ અને પ્રોત્સાહનોની જોગવાઇની જાહેરાત કરવામાં આવશે. આ સિવાય, બેન્કો કોવિડ બેન્કની લોન પણ બનાવશે. 

બેન્કોના કેવાયસી નિયમમાં રાહત

કોરોના વાઇરસની બીજી લહેરને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેન્ક (આરબીઆઇ)એ બુધવારે બધી જ બેન્કો અને નાણાકીય સંસ્થાઓને ૩૧મી ડિસેમ્બર ૨૦૨૧ સુધી જે ગ્રાહકોએ કેવાયસી અપડેટ ન કર્યું હોય એમના ખાતા માટે પ્રતિબંધાત્મક અને દંડાત્મક પગલાં ન લેવાનો નિર્દેશ આપ્યો હતો.

આ સાથે આરબીઆઇએ ખાનગી માલિકીની સંસ્થાઓ, સત્તાવાર સહી કરનાર અને કાયદાકીય સંસ્થાઓના લાભકર્તા માલિકો જેવા નવા ગ્રાહકો માટે વીડિયો મારફત કેવાયસી (નો યોર કસ્ટમર) અથવા વી-સીઆઇપી(વીડિયો આધારિત ગ્રાહકની ઓળખ પ્રક્રિયા) કરવાનો નિર્ણય લીધો છે. આરબીઆઇના આદેશ પ્રમાણે હવેથી ૩૧મી ડિસેમ્બર ૨૦૨૧ સુધી બેન્કો અને નાણાકીય સંસ્થાઓ ચોક્કસ કારણસર અથવા તો કોર્ટના આદેશ જેવા કારણો સિવાય કેવાયસી અપડેટ ન કર્યું હોય એવા ગ્રાહકો સામે કોઇપણ જાતની દંડાત્મક કાર્યવાહી નહીં કરે.

આરબીઆઇની નીતિના મુખ્ય મુદ્દા

 વેક્સિન ઉત્પાદકો, હોસ્પિટલો, લેબ્સ, ઑક્સિજનના ઉત્પાદકો અને સપ્લાયર્સ વગેરે માટે લિક્વિડિટી સુધારવા રૂ. ૫૦,૦૦૦ કરોડના ઋણની વિન્ડો શરૂ કરી.

 વ્યક્તિગત અને એમએસએમઇ ઋણધારકો માટે વ્યક્તિગત લોન રિસ્ટ્રક્ચરિંગ સ્કિમ ફરી શરૂ કરાશે, જે ફક્ત એક વખત માટે હશે અને બેંકો પચીસ કરોડ રૂપિયા સુધીનું ઋણ રિસ્ટ્રક્ચર કરી શકશે.

 અગાઉ જાહેર કરાયેલી રિસ્ટ્રક્ચરિંગ સ્કિમ ૧.૦ હેઠળ બેન્કો લોન મોરેટોરિયમ બે વર્ષ સુધી લંબાવી શકશે. જોકે, એ માટે ૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ એ લોન સ્ટાન્ડર્ડ લોન હોવી જરૂરી છે.

 બેન્કોને કોવિડ લોન બુક બનાવવા આદેશ.

 રાજ્ય સરકારો માટે આરબીઆઇએ ઑવરડ્રાફ્ટ સુવિધાની મર્યાદા ૩૦ સપ્ટેમ્બર સુધી વધારી.

 બે સપ્તાહમાં આરબીઆઇ રૂ. ૩૫૦૦૦ કરોડથી વધુના સરકારી સિક્યોરિટીઝ ખરીદશે