કોરોનાના કારણે ડિપ્રેશનના દર્દીઓ વધ્યા ઃ ૫૦ દર્દીઓનું કાઉન્સેલિંગ

 

અમદાવાદઃ કોરોનાની બીજી લહેરનો પ્રકોપ તો ઓછો થયો છે પરંતુ બીજી લહેરે સર્જેલી અરાજકતાની અસર હજુ પણ સંખ્યાબંધ લોકોના માનસપટ પર છે. કોરોનાના કારણે અત્યારે માનસિક તણાવ અને વિવિધ માનસિક સમસ્યા ધરાવતા દર્દીઓની સંખ્યા વધી રહી છે. અમદાવાદ શહેરની અસારવા સિવિલ હોસ્પિટલમાં અત્યારે રોજના ૫૦થી પણ વધુ દર્દીઓ કાઉન્સેલિંગ માટે આવી રહ્યા છે. મે મહિનામાં સિવિલમાં ૧૪૫૩ દર્દીઓ સારવાર માટે આવ્યા હતા અને જૂન મહિનાના એક અઠવાડિયામાં ૪૩૮ દર્દીઓ માનસિક પરિસ્થિતિની સારવાર માટે આવી ચૂક્યા છે.

કોરોનામાં સ્વજનો ગુમાવનારા ઘણા લોકો માનસિક યાતના અને દુઃખ ભોગવી રહ્યા છે તો પ્રતિબંધોના કારણે રોજીરોટી ગુમાવનારા અને આર્થિક નુકસાની હેઠળ દબાયેલા લોકો પણ માનસિક સારવાર માટે અહીં આવી રહ્યાં છે. આ ઉપરાંત આ સમય દરમિયાન ઘણાં લોકો ઓ.સી.ડી. (ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર) એટલે કે કોઇ એક પ્રવૃત્તિ કે ક્રિયા વારંવાર કર્યા કરવાની સમસ્યાનો ભોગ બન્યા છે. કોઇ દર્દી વારંવાર હાથ ધોઇ રહ્યા છે, સેનેટાઇઝ કરી રહ્યા છે અને સતત માસ્ક પહેરી એવાં ભય હેઠળ જીવી રહ્યાં છે કે તેઓ સંક્રમિત થઇ જશે. તો ઘણાં દર્દીઓને માસ્ક પહેરવું ગમતું નથી અને માસ્ક પહેર્યા બાદ અલગ ગૂંગળામણ અને અજંપો થતો હોવાની ફરિયાદ પણ કરી રહ્યાં છે. કોરોના સમયે સિવિલમાં કોવિડ ડયુટી પર રહેલા તબીબો, નર્સો અને અન્ય સ્ટાફનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાંથી ૨૫ ટકા તબીબો અને ૨૪ ટકા નર્સોમાં માનસિક તણાવ જોવા મળ્યો હતો