કોરોનાથી નહીં પણ તેની દહેશતથી સુરતમાં ૨૦ જ દિવસમાં ૨૦૦થી વધુનાં મોત

 

સુરતઃ શહેરમાં કોરોનાની મહામારી રોજના ૧૦૦થી વધારે લોકોનો ભોગ લઈ રહી છે. ત્યારે છેલ્લાં ૨૦ દિવસમાં શહેરમાં માત્ર કોરોનાની દહેશતથી જ ૨૦૦થી વધારે લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. કોરોનાની દહેશતથી શ્વાસમાં તકલીફ થવી, બેભાન થઈ જવું અને એટેક આવવાથી મોતના કિસ્સામાં વધારો થયો છે. કોવીડ-૧૯ના ભયને કારણે લોકામાં દહેશત અને માનસિક ત્રાસ વચ્ચે આ મૃત્યુઆંક વધ્યો હોવાની વિગત જાણવા મળી છે.

કોરોનાની મહામારીની સાથે સાથે તેનો ભય લોકોમાં વધુ ફરી વળ્યો છે. જ્યાં જોઈએ ત્યાં માત્ર કોરોનાની વાતો જ સાંભળવા મળી રહી છે. દરેકના પરિવારમાં, સોસાયટીમાં કોરોનાના દર્દી સંક્રમિત થઈ રહ્યા છે. શહેરના કેટલાક વિસ્તારોમાં તો મોટા સમૂહમાં પ્રતિબંધ ફરમાવાયો છે. બીજી તરફ હોસ્પિટલોમાંથી નીકળતી લાશોની અંતિમક્રિયા માટે સ્મશાનોમાં લાંબી લાઈનો લાગી રહી છે. આવા સંજોગોમાં હવે કોરોનાના દર્દીઓ સિવાય નોનકોવિડ મૃતદેહોની સંખ્યામાં પણ વધારો થયો છે. આશ્ચર્યજનક રીતે થયેલો આ વધારો સમજવા પ્રયાસ કરીએ તો છેલ્લા ૨૦ દિવસમાં એટલે કે ૧ એપ્રિલથી ૨૦ એપ્રિલ સુધીમાં પોલીસના ચોપડે નોંધાયા હોય તેવા ૭૨ કેસ છે.

આ તમામના મોત અચાનક બેભાન થવાથી, શ્વાસમાં તકલીફ થવાથી થયા છે. આ સિવાય એટેક આવીને મોતને ભેટ્યા હોય તેવા આંકડા તો આમા સામેલ જ નથી. આ મૃત્યુઆંક વધવાનું કારણ લોકોમાં કોરોનાનો ભય છે. મોટા ભાગના લોકો સતત કોરોનાને સાંભળી, વાંચીને તણાવ અનુભવી રહ્યા છે. ઘણા દર્દીઓમાં કોરોનાના લક્ષણો નહીં હોવા છતાં પોઝિટિવ હોવાનું પણ સામે આવી રહ્યું છે. ત્યારે આમાંથી ઘણા કોરોના પોઝિટિવ હોવાની વાતને નકારી શકાય નહીં. ઘણા ડરથી બેભાન થતા અને એટેક આવવાથી મરી રહ્યા છે.

નોનકોવિડ ફેસિલિટીની ઉણપને લીધે પણ મોતની સંખ્યા વધી

હોમ આઈસોલેશન હોય તેવા દર્દીઓને પણ હાર્ટમાં સોજો થઈ શકે છે. ત્યાં બીજી તરફ નોનકોવિડ દર્દીઓ જેમને ડાયાબિટિસ, પ્રેશર કે અન્ય બીમારી હોય અને તેમને સમયાંતરે રૂટિન ચેકઅપ કરવાનું હોય છે. તેવા દર્દીઓને ફોલોઅપ કરવા રેગ્યુલર જઈ ન શકતા પણ મોતનો આંકડો વધી રહ્યો છે.