કોરોનાઃ ચીને મોટું સત્ય લોકોથી છૂપાવ્યું? વુહાનના લોકોએ ફોડ્યો ભાંડો

 

નવી દિલ્હીઃ ચીનના વુહાન શહેરમાં કોરોના વાઇરસથી કેટલા લોકોના મોત થયા તેને લઈને રહસ્ય વધી રહ્યું છે. વુહાનના સ્થાનિક લોકોનું માનવું છે કે ચીની અધિકારીઓના દાવા કરતા બિલકુલ ઊલટુ અહીં ઓછામાં ઓછા ૪૨,૦૦૦ લોકોના મોત કોરોના વાઇરસથી થયા છે. આ અગાઉ ચીનના અધિકારીઓએ દાવો કર્યો હતો કે વુહાનમાં માત્ર ૩૨૦૦ લોકોનાં મોત થયા છે. 

ચીની અધિકારીઓના જણાવ્યાં મુજબ ચીનના હુબેઈ પ્રાંતના વુહાન શહેરના માર્કેટથી પેદા થયેલા કોરોના વાઇરસથી સમગ્ર દેશમાં ૩૩૦૦ લોકોના મોત થા છે જ્યારે ૮૧,૦૦૦ લોકો સંક્રમિત થયા છે. જેમાંથી ૩૧૮૨ લોકોના મોત તો ફક્ત હુબેઈ પ્રાંતમાં થયા છે. આ બધા વચ્ચે વુહાનના સ્થાનિક નાગરિકોએ દાવો કર્યો કે ૫૦૦ અસ્થિ કળશ દરરોજ મૃતકોના પરિવારજનોને અપાય છે. 

અસ્થિ કળશ આપવાનો આ સિલસિલો સાત અલગ અલગ અંતિમ સંસ્કાર સ્થળોથી ચાલુ છે. આ આંકડાના અનુમાન લગાવીએ તો દરેક ૨૪ કલાકે ૩૫૦૦ અસ્થિ કળશ અપાયા. હાંકૂ, વુંચાંગ, અને હનયાંગમાં લોકોને કહેવાયું કે તેમને ૩/૩૦/૨૦૨૦ના રોજ અસ્થિ કળશ મળશે. આ જ દિવસે કિંગ મિંગ મહોત્સવ શરૂ થઈ રહ્યો છે. જેમાં લોકો પોતાના પૂર્વજોની કબર પર જાય છે. આ રીતે અનુમાન લગાવીએ તો આગામી ૧૨ દિવસમાં ૪૨,૦૦૦ અસ્થિ કળશ વિતરણ કરાશે. આ અગાઉ રિપોર્ટમાં કહેવાયું હતું કે હાંકુમાં જ ફક્ત બે વારામાં ૫૦૦૦ અસ્થિ કળશ અપાયા છે. અત્રે જણાવવાનું કે આ અહેવાલ એવા સમયે આવ્યાં છે કે જ્યારે લગભગ બે મહિનાના લોકડાઉન બાદ જનતાને છૂટ અપાઈ છે. જે લોકો પાસે ગ્રીન હેલ્થ સર્ટિફિકેટ છે તેમને જવાની મંજૂરી અપાઈ છે.