કોરોનાઃ ગુજરાતમાં ૩૯૮ કેસ, ૩૦નાં મોત

 

અમદાવાદઃ ગુરુવારે રાજ્યના ૨૦ જિલ્લાઓમાંથી કોરોનાના નવા ૩૯૮ પોઝિટિવ રિપોર્ટ મળતાં ચેપગ્રસ્તોની સંખ્યા ૧૨,૫૩૯ થઇ છે, જ્યારે આજે પણ કોવિડ-૧૯ને લીધે ૩૦ મોત થયાં હતાં.  કુલ મૃત્યુઆંક ૭૪૯ થયો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ  અચાનક જ સાંજે પાંચ વાગ્યે ફેસબુકના માધ્યમથી લોકડાઉનમાં અપાયેલી છૂટછાટ વચ્ચે તા. ૨૧થી ૨૭ મે સુધી  ફ્રન્ટલાઇન વોરિયર બનવાના આદેશ આપ્યા હતા. દરમ્યાન છેલ્લા ચાર દિવસથી  કોરોના પોઝિટિવ દર્દીના કેસોમાં જાણે નક્કી કરેલા કોરોના દર્દીઓ હોય તેમ ૩૯૦થી ૩૯૮ કોરોના પોઝિટિવ દર્દીઓ જાહેર કરે છે. આજે રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતી રવિ દ્વારા જાહેર કરાયેલા કોવિડ-૧૯ના બુલેટીન મુજબ રાજ્યમાં આજે ૩૯૮ કોરોના પોઝિટિવના કેસો નોંધાવા પામ્યા છે, જેમાં સૌથી વધુ અમદાવાદમાં ૨૭૧, સુરતમાં ૩૭, વડોદરામાં ૨૬, મહિસાગર, પાટણમાં ૧૫-૧૫, કચ્છમાં ૫, અરવલ્લીમાં ૪, ગાંધીનગર, સાબરકાંઠા, નવસારી અને સુરેન્દ્રનગરમાં ત્રણ-ત્રણ, બનાસકાંઠા, આણંદ, ખેડા અને વલસાડમાં બે-બે જ્યારે જામનગર, ભરૂચ, દાહોદ, જૂનાગઢ સહિત અન્ય જિલ્લાના એક-એક કેસનો સમાવેશ થાય છે. આજે નોંધાયેલા ૩૦ કોવિડ-૧૯ના મૃતકોમાં  ૨૪ પુરુષ અને ૬ સ્ત્રીનો સમાવેશ થાય છે. આજે નોંધાયેલા ૩૦ મોતને લઇને રાજ્યમાં કુલ મૃત્યુ આંક ૭૪૯ પર પહોંચ્યો છે. જ્યારે આજે નોંધાયેલા ૩૦ મૃત્યુમાંથી ૯૬ ટકા મૃત્યુ અર્થાત ૨૬ મોત અમદાવાદના છે. જેને લઇને અમદાવાદમાં મોતનો આંકડો કોવિડ-૧૯ના ૬૦૦ને પાર કરીને ૬૦૨ થયો છે.