કોમી સહિષ્ણુતાને કાંટાળો તાજ માત્ર હિન્દુઓએ જ પહેરવાનો છે?

0
662

 

મેં એક વાત હંમેશાં માર્ક કરી છે કે જ્યારે પણ કોમી એકતાની વાત સમજાવવાનો પ્રયોગ કરવામાં આવે છે, ત્યારે એવી દરેક કથામાં, નાટકમાં કે ફિલ્મમાં આખરે હિન્દુ વ્યક્તિએ જ ઝૂકવાનું હોય છે અથવા હિન્દુ વ્યક્તિએ જ પોતે ખોટા હોવાની સ્વીકૃતિ કરવી પડતી હોય છે.
‘પીકે’ ફિલ્મમાં તમે જોયું હશે કે હિન્દુ ગુરુએ આખરે ઝૂકવું પડે છે અને પાકિસ્તાની મુસલમાન પ્રેમીએ દગો નહોતો કર્યો એવું પુરવાર કરવામાં આવે છે. ઈશ્વરના અસ્તિત્વની વાત કરતાં કરતાં ‘મુસલમાન ધોખા નહિ દેતા’ આ વાત એસ્ટાબ્લિશ કરવાનો એમાં ભરપૂર પ્રયત્ન થયો છે એ વાત તરફ પણ આપણું ધ્યાન જવું જોઈએ.
તાજેતરમાં મેં એક નાટક જોયું, ‘ગોલમાલ ફેમિલી.’ તેમાં પારસી અને હિન્દુ વચ્ચેના સંઘર્ષની કથા આલેખાઈ છે. હિન્દુઓ અને પારસીઓ વચ્ચે ક્યારેય વ્યાપક સ્તરે કોમી તંગદિલી થઈ જ નથી, છતાં આ નાટકમાં હિન્દુ અને પારસી પરિવાર વચ્ચેના તનાવની કથા છે અને આખરે પારસી પરિવાર સારો હતો તથા હિન્દુ પરિવાર ખોટો હતો એવું પુરવાર કરવાનો પ્રયોગ થયો છે.
કેટલીક કથાઓમાં હિન્દુને ભલે ખરાબ કે ખોટો બતાવવામાં નથી આવતો, પરંતુ આખરે તેણે જ મોટું મન રાખીને લેટ-ગો કરવું પડતું બતાવાય છે.
ત્યારે બે સવાલ ખડા થાય છે ઃ
1. કોમી તંગદિલી શું માત્ર હિન્દુઓ જ સર્જે છે?
2. કોમી તંગદિલી દૂર કરવાની જવાબદારી શું માત્ર હિન્દુઓની જ છે? અન્ય ધર્મના લોકોએ રાષ્ટ્રહિત માટે અને કોમી એકતા માટે શું શું જતું કર્યું છે એનો સ્ટડી કોઈક ન્યુટ્રલ વ્યક્તિએ કરવાની જરૂર છે.
મારો અનુભવ એવો છે કે હિન્દુઓ ક્યારેય પહેલાં કોમી તનાવ પેદા કરતા નથી. હિન્દુઓ તો મેક્સિમમ સહિષ્ણુતા બતાવતા હોય છે, પરંતુ જ્યારે માથા પરથી પાણી વહી જતું હોય ત્યારે તે પ્રતિકાર કરે છે અને એના પ્રતિકારની એકતરફી ટીકા કરી કરીને હિન્દુઓને બદનામ કરવામાં આવે છે. ગોધરાકાંડની ઘટના પણ આ હકીકતનું સૌથી મોટું ઐતિહાસિક ઉદાહરણ છે. રેલવેના ડબ્બામાં હિન્દુ કારસેવકોને જીવતા સળગાવી મૂકનાર સામે ક્યારેય કોઈ ગંભીર આક્ષેપ થયા નથી, પરંતુ એની પ્રતિક્રિયા કરનાર હિન્દુઓ સામે હંમેશાં કડવા અને અસહ્ય આક્ષેપો લગાવવાના પ્રયત્નો મિડિયા દ્વારા પણ થયા છે!
કોઈ પણ રાષ્ટ્ર કે સમાજના વિકાસ માટે કોમી એખલાસ પાયાની બાબત છે એમાં બેમત ન જ હોઈ શકે, પરંતુ કોમી એખલાસ જાળવવાની જવાબદારી કોઈ એક જ કોમના શિરે કે કોઈ એક જ ધર્મના લોકોને માથે મૂકી દેવામાં આવે એ સરાસર અન્યાય છે.
ભારતના રાજકારણમાં તો અત્યારે એવું સ્પષ્ટ દેખાય છે કે જો તમે હિન્દુ ધર્મની કે હિન્દુઓની ખોટી ટીકા કરો તો પણ તમે સેક્યુલર છો અને જો તમે બીજા કોઈ પણ ધર્મની સાચી ટીકા કરો તો પણ તમે સાંપ્રદાયિક બની જાવ છો! શું આપણે આ સત્ય સમજતા નથી?
મોહમ્મદ અલી ઝીણાએ ભારતના બે ટુકડા કરાવ્યા એ સત્ય આપણે જાણીએ છીએ છતાં વર્ષોથી ભારત-પાકિસ્તાન વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો રાખવાની માળા આપણે જપતા રહ્યા અને એનાં ભરપૂર નુકસાન વેઠતા રહ્યા! આપણી ઉદારતા કાં તો કાયરતામાં ખપી કાં મૂર્ખતામાં ખપી અને આર્થિક તેમ જ બીજાં પારાવાર નુકસાન વેઠ્યાં એ તો નફામાં!
કાશ્મીરની સમસ્યા શું હિન્દુઓના કારણે ઉકેલી શકાતી નથી એવું કોઈ કહી શકે ખરું અને છતાં કાશ્મીરમાંથી હિન્દુ પંડિતોને કાઢી મૂકવામાં આવ્યા! એટલું જ નહિ, આજે પણ કાશ્મીરમાં રહેતી મોટા ભાગની પ્રજા ભારતની હોવા છતાં ભારતને વફાદાર નથી. પાકિસ્તાનના આતંકીઓને સમર્થન આપનાર, તેમને આતંક ફેલાવવામાં ભરપૂર સહાય કરનાર કાશ્મીરમાં રહેનારી પ્રજા કઈ કોમની છે એની કોને ખબર નથી?
તમે એ પણ માર્ક કર્યું હશે કે ક્યારેય પણ આ દેશમાં કોમી તંગદિલી પેદા થઈ છે ત્યારે હિન્દુ તહેવાર પ્રસંગે જ અન્ય કોમ કે ધર્મના લોકોએ પેદા કરી છે. ઈદ-મોહરમ-તાજિયા જેવા પ્રસંગે કોઈ હિન્દુએ કોમી તંગદિલી ફેલાવવાનું કામ કર્યું હોય એવું એક પણ ઉદાહરણ ભારતના ઇતિહાસમાં જોવા નહિ મળે અને કદાચ કોઈ અપવાદરૂપે એવી ઘટના જોવા મળી હશે તો એ હિન્દુઓની માત્ર પ્રતિક્રિયા જ હશે એનો અભ્યાસ કરજો!
હિન્દુ પ્રજાએ માત્ર અન્યાય વેઠવાનો? માત્ર માર ખાવાનો? અને પોતે ઉદાર કે મોટા મનના છે એવું પોલિટિકલી સાબિત કરતા રહેવાનું?
ભારતમાં અગણિત ધર્મની પ્રજા વસે છે અને એમની સાથે હિન્દુઓ ક્યારેય સંઘર્ષમાં ઊતર્યા નથી. તમે ક્યારેય એવું સાંભળ્યું કે હિન્દુઓ અને જૈનો ઝઘડ્યા? તમે ક્યારેય એવું જોયું કે હિન્દુઓ અને બૌદ્ધો વચ્ચે સંઘર્ષ થયો? માત્ર મુસલમાનો સાથે જ હિન્દુઓને વારંવાર અને ઠેરઠેર સંઘર્ષમાં ઊતરવું પડ્યું છે એનું કારણ સમજવાની જરૂર છે. તમે એવું અનેક જગ્યાએ જોયું હશે કે મુસ્લિમ તહેવારની ઉજવણીમાં હિન્દુ પડોશીઓએ પ્રેમપૂર્વક સહકાર આપ્યો હશે, પરંતુ કશાય પોલિટિકલ એજન્ડા વગર કોઈ મુસલમાને હિન્દુ ધર્મના હોળી-દિવાળી જેવા તહેવારમાં કે રક્ષાબંધન જેવા પર્વપ્રસંગે સાથ આપ્યો હોય એવું જોયું છે ખરું? અરે, ભારતમાં તો એવાં ઉદાહરણો પણ વારંવાર જોવા મળ્યાં છે કે ભારત-પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચમાં ભારત હારે તો આપણા દેશમાં ગદ્દારો ફટાકડા ફોડીને તેની ઉજવણી કરી હોય અને ભારતીય ક્રિકેટ ટીમ જીતી હોય ત્યારે પથ્થરમારો કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હોય! આવા સમયે હિન્દુઓ જો પ્રતિક્રિયા બતાવે તો તરત જ એમના કપાળ પર સાંપ્રદાયિક હોવાનું સ્ટિકર ચીપકાવી દેવામાં આવે છે!
તટસ્થ રૂપે કહીએ તો જેમ બધા જ હિન્દુઓ સજ્જન નથી હોતા, તેમ બધા જ મુસલમાનો દુર્જન પણ નથી હોતા. છતાં ભારતમાં મુસલમાનોની સંખ્યા કેટલા ટકા છે અને એમાં ભારતમાં જેટલા ક્રિમિનલ કેસ થાય છે એમાં મુસલમાન ક્રિમિનલ્સની સંખ્યા કેટલા ટકા છે એનો ન્યુટ્રલ અભ્યાસ કરવામાં આવે તો ઘણાં રહસ્યો સહેલાઈથી સમજી શકાશે.
દુનિયાના તમામ મુસ્લિમ દેશોમાં વસતા મુસલમાનો કરતાં ભારતમાં વસતા મુસલમાનોને અનેક વિશેષ અધિકારો અને પારાવાર વિશેષ સુવિધાઓ મળે છે, છતાં તેઓ પોતાના દેશને વફાદાર રહેવામાં ઔચિત્ય સમજતા નથી. ‘વંદે માતરમ્’ કહેવાનું હોય કે રાષ્ટ્રગીતને સન્માન આપવાનું હોય, મુસલમાનોનો વિરોધ હંમેશાં પ્રબળ અને પ્રખર સ્વરૂપે વ્યક્ત થતો રહ્યો છે. મુસલમાનોને હિન્દુઓ કરતાં કાનૂની રીતે અનેક વિશેષ છૂટછાટ આપવામાં આવી છે. તેમને લઘુમતી તરીકેના એટલા બધા હકો આપવામાં આવ્યા છે કે ક્યારેક તો તેનો ગેરલાભ પણ લેવાતો હોય છે. અલબત્ત, આ માટે માત્ર મુસલમાનોને જવાબદાર નહિ ઠેરવી શકાય. ભારતના સત્તાલાલચુ લુચ્ચા પોલિટિશિયનો પણ આ બાબત માટે વધારે જવાબદાર અને ગુનેગાર પણ છે ભારતની પ્રજાએ હવે આ બધું સમજવું પડશે.

લેખક ચિંતક અને સાહિત્યકાર છે.