કો’કે ઢોળી દીધો છે આ તડકો!

કાકાસાહેબ કાલેલકરનો એક સરસ નિબંધ છે – ‘મધ્યાહ્નનું કાવ્ય’. આ નિબંધમાં કાકાસાહેબે પોતાને બપોરનો તડકો કેવો ગમે છે, માત્ર પોતાને જ નહિ; રવીન્દ્રનાથ ટાગોર જેવા મહાન કવિને પણ તડકો કેવો ગમતો હતો એનું એવું સરસ વર્ણન કર્યું છે કે, એ વર્ણન વાંચીને જ આપણને તડકામાં રખડવા નીકળી પડવાનું મન થાય! હું હાઈ સ્કૂલમાં ભણતો ત્યારે અમારા નવમા ધોરણના પાઠ્યપુસ્તકમાં પાઠ તરીકે આ નિબંધ મુકાયેલો. અમારા શિક્ષકે આ પાઠ શીખવ્યો ત્યારે એ જ વખતે મને તડકામાં નીકળી પડવાનું મન થયું. મેં મારી બાજુમાં બેઠેલા સહાધ્યાયી સમક્ષ મારી અભિલાષા પ્રગટ કરી. આ સાંભળી મારો સહાધ્યાયી, મેં કોઈ જોક કરી હોય એમ ફૂ..ઉ..ઉ.. કરતો હસી પડ્યો. સાહેબે અમને બન્નેને ઊભા કર્યા. પેલાએ કહ્યું, ‘સાહેબ! આને અત્યારે ને અત્યારે તડકામાં જવાનું મન થયું છે!’ અમારા સાહેબ પાઠ્યપુસ્તકના પાઠ ભણાવવામાં બહુ કુશળ નહોતા, પણ તોફાની વિદ્યાર્થીઓને પાઠ ભણાવવામાં સિદ્ધહસ્ત હતા. સાહેબે પહેલાં મને ઊભો કર્યો અને કહ્યું, ‘જા, અત્યારે જ જઈને તડકામાં ઊભો રહે અને મધ્યાહ્નનું કાવ્ય માણ.’ પછી સાહેબે મારા સહાધ્યાયીને કહ્યું, ‘જા, તું પણ એને કંપની આપ.’ અને છેલ્લે એણે વર્ગ મોનિટરને કહ્યું, ‘તું છાંયામાં બેસીને આ બન્ને તડકામાં જ ઊભા રહે એનું ધ્યાન રાખ.’
તે દિવસે તડકામાં હું અને મારો સહાધ્યાયી જે તપ્યા છીએ (મારો સહાધ્યાયી તો પછી ઘણા વખત સુધી મારા પર પણ તપેલો રહ્યો હતો!) એનું વર્ણન કોઈ કરુણરસનો નિષ્ણાત કવિ કે લેખક જ કરી શકે. સાહિત્યકૃતિઓ એના ભાવકોને – વાચકોને ગેરમાર્ગે દોરે છે એ સત્ય હું તે દિવસે પહેલવહેલી વાર સમજ્યો. જોકે તોય સાહિત્ય વાંચીને ગેરમાર્ગે દોરાવાનું ચાલુ રહ્યું. અલબત્ત, હવે સાહિત્યકૃતિઓ લખીને વાચકોને ગેરમાર્ગે દોરું પણ છું એટલો વિકાસ થયો છે
આ વખતના ઉનાળામાં હું કંઈ કેટલા ગેલન પાણી પી ગયો છું. સામાન્ય રીતે માણસે દરરોજના આઠ-દસ ગ્લાસ પાણી પીવું જોઈએ એવું આરોગ્યની ચોપડીઓમાં મેં અનેક વાર વાંચ્યું છે, પણ આખા દિવસમાં શરબતના દસ શું વીસ ગ્લાસ પીવાનું સહેલું છે, પણ પાણીના આઠ-દસ ગ્લાસ પીવાનું અઘરું છે એ હું સ્વાનુભવે જાણું છું. ગમે તે ઋતુમાં પાણીના આઠ-દસ ગ્લાસ પીવાનો પ્રયત્ન મેં કર્યો છે, પણ એમાં જોઈએ એવી સફળતા નથી મળી. પાણી પીવાનું યાદ આવે ત્યારે કોઈ ભરી આપનાર સુલભ ન હોય એટલે હવે તરસ લાગે ત્યારે વાત કહી પાણી પીવાનું માંડી વાળું. પછી તરસ લાગે ત્યારે વળી થોડીવાર તો કોઈ ભરી આપનાર સુલભ બને એની રાહ જોઉં. કોઈ ન જ આવે ને તરસ તીવ્ર બને એટલે પાણી પીવા ઊભો તો થાઉં, પણ આ કેટલામો ગ્લાસ છે તે નક્કી કરવામાં ઘણી ગડમથલ થાય. જોકે પછી મારા એક ડોક્ટરમિત્રે કહ્યું કે આવી રીતે ગ્લાસ ગણવાની કશી જરૂર નથી. તરસ લાગે ત્યારે પાણી પીવું. તરસ લાગે ત્યારે પાણી પીવામાં આળસ ન કરવી. પછી આ રીતે નોર્મલ કોર્સમાં મારો જળપાનનો કાર્યક્રમ ચાલતો હતો, પણ આ ઉનાળામાં? આ ઉનાળામાં તો તરસ છીપતી જ નથી એનું શું? હું જાણે ઊંટ હોઉં એ રીતે પેટમાં પાણી ઠાલવ્યા કરું છું. જીવનમાં પાણી પીવા સિવાય જાણે કશું કામ ન હોય એ રીતે પાણી પીવાનું ચાલી રહ્યું છે.
સામાન્ય રીતે ઉનાળામાં હું ધાબા પર જ સૂવાનું રાખું છું. ઠીક ઠીક ગરમી પડવી શરૂ થાય ત્યારે મારું ધાબારોહણ શરૂ થાય; પરંતુ, આ વખતે તો પ્રારંભથી જ ઊંચા સૂરથી ગરમી પડવા માંડી. હાર્મોનિયમની કી દબાયેલી જ રહી જાય અને જે રીતે એકધારો સૂર નીકળ્યા કરે એમ એકધારી ગરમી પડી રહી છે એટલે આ વખતે પ્રારંભથી જ રાત્રે ધાબાનો આશરો લેવા માંડ્યો. રાત્રે અગિયાર વાગ્યે ધાબા પર પહોંચું છું ને શીતળ હવાની લહેરખીઓ શરીરને અડે છે ત્યારે એમ થાય છે કે, પ્રભુનો સ્પર્શ આનાથી જુદો નહિ હોય! રાત્રે શીતળ હવામાં તારાઓ જોતાં જોતાં ઊંઘી જાઉં છું. આ વખતની અસહ્ય ગરમી રૂઢિપ્રયોગના અર્થમાં ધોળે દિવસે તારા દેખાડે છે ને કાળી રાત્રે ખરેખરા તારા દેખાડે છે, પણ સુખનો માર્ગ ક્યારેય સાવ સુંવાળો નથી હોતો. મોડી રાત્રે ઠંડક વધે એટલે કાનનું ઠંડીથી રક્ષણ કરવા, કાન પૂરેપૂરા ઢંકાઈ જાય એ રીતે કપડું વીંટાળીને સૂઉં છું, પણ આને કારણે એક વાર મુશ્કેલી ઊભી થઈ – અલબત્ત, મારે માટે નહિ, પણ ધાબા પર સૂતેલા અન્ય પડોશીઓ માટે! મારી ઘડિયાળમાં એલાર્મ ધીમે વાગેે, પણ હું ભલે તરત નહિ તો થોડી વાર પછી પણ સાંભળું છું ખરો. હું ઊઠું નહિ ત્યાં સુધી વાગ્યા કરવાની એલાર્મમાં સગવડ છે, પણ મારા માટેની આ સગવડ પડોશીઓ માટે અગવડરૂપ પુરવાર થઈ. બુકાની બાંધીને સૂવાને કારણે એલાર્મનો અવાજ પહેલે જ દિવસે મને સંભળાયો નહિ. એકાએક મારા એક પડોશીએ હાંફળા-ફાંફળા થઈને મને જગાડ્યો ઃ ‘રતિભાઈ, એલાર્મ ક્યારનું વાગે છે, તમારે ક્યાંય બહારગામ જવાનું છે? ઊઠો, નહિ તો બસ ચૂકી જશો.’ પડોશીની ઊંઘમાં મારે કારણે ખલેલ પડી એથી મને ઘણું દુઃખ થયું. સવારે એમની પાસે જઈને મેં કહ્યું, ‘મારે કારણે તમારી ઊંઘ બગડી તેથી મને ઘણું દુઃખ થયું. હું સવારે ચાલવા જાઉં છું તેથી વહેલો ઊઠું. વહેલા ઊઠવા માટે એલાર્મ મૂકવાની જરૂર પડે છે, પણ હવે આજે રાત્રે એલાર્મ નહિ મૂકું.’
‘ના, ના, એવું ન કરશો.’ પડોશીએ કહ્યું, ‘ધાબા પર સૂનારા અમે સૌએ સર્વાનુમતે નક્કી કર્યું છે કે, અમારામાંથી રોજ કોઈ ને કોઈ તમને ઉઠાડશે. એલાર્મ સાંભળીને અમે જાગી તો બધાં જઈશું, પણ એક જણ ઊભા થઈને તમને ઉઠાડશે. કયા દિવસે કોણ તમને ઉઠાડશે એનું ટાઇમટેબલ પણ અમે બનાવી દીધું છે.’ જગત કેટલું ભલું છે! મારા જેવાનું જે નભી ગયું એ જગતની આવી ભલમનસાઈને કારણે જ! દર ઉનાળે આ રીતે એલાર્મ વાગે છે, મારા સિવાયના સૌ સાંભળે ને એમાંથી કોઈ ને કોઈ મને જગાડે છે!
થોડા વર્ષ પહેલાં એક કવિતા વાંચેલી. કવિનું નામ તો ભૂલી ગયો છું – પણ કવિતાની પહેલી પંક્તિ યાદ રહી ગઈ છેઃ ‘આભના ઠામ (વાસણ)ને છેબું (લાત) મારીને કોકે ઢોળી દીધો છે આ તડકો!’
આ ઉનાળામાં તો ઢોળાઈ ગયેલો અઢળક તડકો આપણને સખત દઝાડી રહ્યો છે. હવે એ ‘કો’ક’ આભના ઠામને ફરી છેબું મારે અને અઢળક વરસાદ ઢોળી દે એની રાહ છે. જેણે તડકો ઢોળ્યો છે એ વરસાદ પણ અવશ્ય ઢોળશે…

ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા પ્રકાશિત લેખકના પુસ્તક ‘મોજમાં રે’વું રે!’માંથી સાભાર.