કોઈ પણ સરકારના શાસનનું તટસ્થ મૂલ્યાંકન થવું જોઈએ!

0
917

આટલા વિશાળ દેશમાં અને જ્યાં ધર્મ-જાતિના ભેદભાવ કરનારા અણઘડ લોકો મોટી સંખ્યામાં વસતા હોય ત્યાં સમસ્યાઓ તો હોવાની જ… અને તે સમસ્યાઓ રાતોરાત ચમત્કારથી દૂર કરી દેવાનું શક્ય પણ નથી. આવા સંજોગોમાં દેશ માટે નિષ્ઠાવાન અને સમર્થ નેતૃત્વ પસંદ કરવાની જવાબદારી પ્રજાની છે.
ર019ની લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વિવિધ રાજકીય પક્ષો પોતપોતાની વ્યૂહરચનાઓ સાથે મેદાનમાં ઊતરી રહ્યા છે. ‘તેરી કમીઝ સે મેરી કમીઝ જ્યાદા ઊજલી હૈ એ પુરવાર કરવાના દાવપેચ ચાલી રહ્યા છે. તકસાધુ પોલિટિશિયનો પક્ષપલટો કરીને પોતાનું ફ્્યુચર સિક્યોર કરવાની મથામણ કરી રહ્યા છે. જેના હાથમાં સરકાર પસંદ કરવાનું હથિયાર છે એ પ્રજા મૂક તમાશો જોઈ રહી છે. પ્રજા હવે પહેલાંના જેટલી ભોટ કે ભોળી રહી નથી. એ પોતાનું ધાર્યું જ કરવા સક્ષમ છે.
એ વાત સાવ સાચી છે કે છેલ્લાં પાંચ વર્ષથી દેશનું સુકાન સંભાળી રહેલી ભાજપ સરકારને હવે ભૂતકાળની સરકારના દોષ ગણાવવાનો નૈતિક અધિકાર નથી રહ્યો, કારણ કે જો એમાં દોષો કે ઊણપો હતાં તો ભાજપ સરકારે એ દૂર કરવાની જરૂર હતી. અગાઉની સરકારનાં દોષો કે ઊણપો ભાજપ સરકાર દૂર ન કરી શકી હોય તો એ એની મર્યાદા ગણાય જ. ર014માં ચૂંટાયેલી કેન્દ્રની ભાજપ સરકાર કંઈ મિલીજૂલી સરકાર નહોતી, એટલે કેટલાક કડક અને સ્પષ્ટ નિર્ણયો કરવા માટે તે સમર્થ અને સક્ષમ હતી એમ પ્રજા સમજે તો એમાં કંઈ ખોટું નથી.
એ જ રીતે લોકશાહી દેશમાં વિરોધ પક્ષ સરકારની સાચી ટીકા કરે અને તેના કાન પકડે એ આવશ્યક છે, પરંતુ એમાં તટસ્થતા હોવી જરૂરી છે. કોંગ્રેસ જ્યારે ભાજપ સરકારનાં પાંચ વર્ષના શાસનનો હિસાબ માગતી હોય, ત્યારે એણે પોતાનાં 65 વર્ષના વહીવટનો હિસાબ સ્મરણમાં રાખવો જ જોઈએ! પ્રજાને ગુમરાહ કરનારા આક્ષેપો કરીને કોંગ્રેસ પોતાની પ્રતિષ્ઠા દાવ ઉપર મૂકે તો તેનું પરિણામ ભોગવવા એણે તૈયાર રહેવું જ પડે.
વિરોધ પક્ષોએ અને ખાસ કરીને કોંગ્રેસે એવી કાગારોળ મચાવી મૂકી છે કે જાણે પાંચ વર્ષના ભાજપ સરકારના શાસનમાં દેશ બરબાદ થઈ ગયો છે અને લોકશાહી ખતરામાં આવી ગઈ છે. આવા આક્ષેપો કરતાં પહેલાં એક વખત આયનામાં જોવાની કોંગ્રેસની ત્રેવડ છે ખરી? ચાલો, આપણે કોંગ્રેસને તેનો આયનો બતાવવાની કોશિશ કરીએ!
વર્ષ ર014 પહેલાં, એટલે કે મોદી-સરકાર આવી તે પહેલાં ભારતદેશમાં કેવી સ્વર્ગની સાહ્યબી હતી!
1. કોઈ જગ્યાએ બળાત્કાર થતો નહોતો.
ર. દેશમાં ભ્રષ્ટાચારનું નામોનિશાન નહોતું.
3. કોઈ દલિત ઉપર અત્યાચાર થતો નહોતો.
4. કોઈ મુસ્લિમને આ દેશમાં કદીયે અસુરક્ષાનો અનુભવ થતો નહોતો.
5. મોંઘવારીનું નામ કોઈએ સાંભળ્યું નહોતું!
6. એ દિવસોમાં આ દેશમાં ગરીબી તો હતી જ ક્યાં?
7. દરેક સરકારી કાર્યાલયમાં તમામ અધિકારીઓ નિષ્ઠાપૂર્વક કેવી સરસ ફરજ બજાવતા હતા!
8. કોઈ પોલીસ ક્યારેય લાંચ લેતો નહોતો.
9. ગેસના બાટલા નિયમિત અને પૂરેપૂરા વજન સહિત સમયસર મળી જતા હતા.
10. વિદ્યાર્થીઓને શાળા-કોલેજોમાં એડમિશનની કોઈ જ તકલીફ નહોતી.
11. પાઠ્યપુસ્તકો સમયસર પ્રગટ થઈ જતાં હતાં.
1ર. દરેક ખેડૂતને તરત લોન મળી જતી અને થોડા વખતમાં તેનું દેવું માફ પણ થઈ જતું હતું!
15. રથયાત્રા જેવા ધાર્મિક તહેવારો કશા કોમવાદ વગર લોકો ધામધૂમથી ઊજવતા હતા અને કોમી રમખાણ તો ક્યારેય થતું નહોતું!
16. રોડ-રસ્તા પર ક્યાંય ખાડા નહોતા. વરસાદમાં ક્યારેય રસ્તા પર ભૂવા પડતા નહોતા!
17. દેશમાં આતંકવાદનો કોઈ હુમલો થઈ શકતો નહોતો, નક્સલવાદીઓ પણ સરકારથી ખૂબ ડરતા હતા!
18. પેટ્રોલ-ડીઝલ તો જોઈએ એટલું મફતના ભાવમાં મળતું હતું!
19. રેશનિંગની વસ્તુઓ પણ પૂરતા પ્રમાણમાં ઓછી કિંમતે ઘેરઘેર પહોંચી જતી હતી!
ર0. વોટ મેળવવા માટે કોઈ પોલિટિકલ પાર્ટી ક્યારય કશા દાવ-પેચ કે ગંદી રાજરમત કરતી નહોતી!
ર1. સમગ્ર દુનિયાના તમામ દેશોમાં ભારત વિકાસની બાબતે નંબર વન હતો!
રર. ખાનગી શાળાઓ અને કોલેજો કરતાં સરકારી શાળા-કોલેજોમાં ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ મળતું હતું .
ર3. દેશની ત્રણ મહાન વિભૂતિઓઃ જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના નામ પર એરપોર્ટ, વિવિધ સંસ્થાઓ, સ્કૂલો, સરકારી બિલ્ડિંગો અને અનેક સ્મારકો ઠેર ઠેર ખડાં કરી શકાતાં હતાં.
ર4. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને ભૂકંપ જેવી કુદરતી દુર્ઘટનાઓ વખતે પીડિત વ્યક્તિને તરત જ સહાય અને અનેક લાભ મળી જતા હતા.
ર5. દેશના નાનકડા ગામેગામ વીજળીનાં જોડાણ તરત મળી જતાં હતાં.
ર6. કાળાં બજાર અને કાળાં નાણાંનું નામ પણ કોઈએ સાંભળ્યું નહોતું!
ર7. દલિત વ્યક્તિઓને સમાજમાં ભરપૂર આદર સન્માન મળતું હતું અને અસ્પૃશ્યતા જેવી કોઈ બાબત આ દેશમાં હતી જ નહિ!
ર8. ભારત-પાકિસ્તાનની ક્રિકેટમેચ વખતે કોઈ પણ ટીમ જીતે તો પણ સૌ આનંદથી ફટાકડા ફોડીને, ઉત્સવની જેમ એન્જોય કરતા હતા!
ર9. તમામ મંત્રીઓ ખૂબ સાદગીથી જીવન જીવતા હતા અને શિસ્ત-સંયમથી બોલતા હતા.
30. દરેક હોસ્પિટલમાં કોઈ પણ દર્દીને તાત્કાલિક વિનામૂલ્યે ઉત્કૃષ્ટ સારવાર મળી જતી હતી!
કોઈ પણ સરકારના વહીવટની તટસ્થ સમીક્ષા ન થાય એમાં જ લોકશાહીનું જોખમ છે અને દેશની બરબાદી છે. પેટ્રોલના ભાવવધારાની સમીક્ષા કરતી વખતે જીવનજરૂરિયાતની જે જે ચીજોના ભાવ ઘટ્યા હોય તેને બિરદાવવાની સજ્જતા પણ વિરોધ પક્ષે બતાવવી જોઈએ. માત્ર વિરોધ ખાતર વિરોધ કરવાથી ખુદની પ્રતિષ્ઠા કાદવમાં રગદોળાઈ જશે એટલી સમજ કોંગ્રેસ પાસે તેમ જ અન્ય વિરોધ પક્ષો પાસે પણ હોવી જોઈએ! સારી અને પોઝિટિવ બાબતની કદર નહિ કરવાની અને માત્ર નેગેટિવ બાબતોને હાઇલાઇટ કરવાની વાત કોઈ પણ પક્ષ માટે શોભાસ્પદ નથી.
આટલા વિશાળ દેશમાં અને આટલી બધી ભરચક વસતિ હોય ત્યારે દેશમાં રાતોરાત બધા સુધારા થઈ જાય અથવા કોઈ સમસ્યા જ ન રહે એવું બનવું શક્ય જ નથી. એમાંય મોટા ભાગની પ્રજા અણઘડ હોય, જાતિ અને ધર્મના ભેદભાવ વચ્ચે ઘેરાયેલી રહેતી હોય ત્યારે તો સ્વયં ઈશ્વર આવે તો પણ એનું શાસન એકાએક સુધરી જાય એ પોસિબલ નથી! ર014ના ઇલેક્શન વખતે નરેન્દ્ર મોદીએ આપેલાં બધાં વચનો પૂરેપૂરાં સાકાર નથી જ થયાં એ જાણવા છતાં એમની નીયત અને નિષ્ઠાનો પણ ન્યુટ્રલ અભ્યાસ કરવો જોઈએ. દેશ માટે હજાર કામ કરવાનાં હોય ત્યારે એ હજાર હજાર કામ એક જ દિવસમાં તો ન થઈ જઈને પ્રાયોરિટી પ્રમાણે એક પછી એક કામ હાથમાં લઈને ભવિષ્યના સંદર્ભો વિચારીને આગળ વધવાની સજ્જતા લીડરમાં હોવી જરૂરી છે. અને હું સ્પષ્ટપણે મારી વાત કહેવા માગું છું કે વિરોધ પક્ષો ગમે તેટલી કાગારોળ કરે તો પણ ભારતની પ્રજા અત્યારે તો નરેન્દ્ર મોદીના નિષ્ઠાપૂર્ણ નેતૃત્વની સાથે છે. ર019ના ઇલેક્શનમાં ર014 કરતાં પણ વધારે વિશ્વાસથી નરેન્દ્ર મોદીને સત્તા સોંપશે, પરંતુ આ કદાચ તેમની આખરી કસોટી હશે!

લેખક ચિંતક અને સાહિત્યકાર છે.