કોઈ પણ સફર ગમે તેટલી લાંબી હોય, પરંતુ એની શરૂઆત એક નાનકડા પગલાથી થતી હોય છે – સ્વામી વિવેકાનંદ

0
967

પોતાના ગુરુના આશીર્વાદે યુવાનોને પ્રેરણા આપી. આ પરંપરાને સ્વામી વિવેકાનંદે આગળ ધપાવી અને આ મહાન આત્માએ ભારતીય યુવાનોને હાકલ કરી હતી કે, જાગો, યુવાનો જાગો. જાગેલાનું નસીબ હંમેશાં જાગતું રહે છે. અને સૂતેલાનું નસીબ પણ સૂતેલું રહી જાય છે. સંસ્કૃત સુભાષિતના આ શબ્દો અને સ્વામીજીની વાણી જાણે એકરૂપ બની ગયા હતા. સ્વામીજીના વ્યક્તિત્વનું મહત્ત્વનું પાસું એ હતું કે તેમનું સમગ્ર ચિંતન ભારતીય સાહિત્ય અને વિચારો પર આધારિત હતું. આમ છતાં, એમાં ક્યાંય પ્રાદેશિક સંકુચિતતા, મિથ્યા રાષ્ટ્રવાદ દેખાતાં નહિ. ભારતીય સંસ્કૃતિ જે મૂલતઃ સહિષ્ણુતા અને ઉદારતાનાં વૈશ્વિક સત્યો પર ઊભેલી છે એનું એમાં મૌલિક દર્શન અને પ્રતિબિંબ જ જોવા મળતું. પોતાના વિચારોમાં એ તદ્દન મૌલિક હતા. એની પાર્શ્વભૂમિમાં ભારતીય ઋષિ-મુનિઓનું ચિંતન અને વ્યક્તિગત સંઘર્ષ ભળ્યાં હતાં, જે હજારો યુવાનો અને દેશવાસીઓની લાગણીઓના પ્રતિબિંબરૂપ હતા. સાચે જ સ્વામી વિવેકાનંદ એક વિશ્વચિંતક હતા, જેના હૃદયમાં ભારતીય મૂલ્યો હતાં.
યુવાનોને જાગૃત કર્યા પછી જો તેમને દિશા આપવામાં ન આવે તો એક નવી જ સમસ્યાનો ભોગ બનવું પડે એ વાત સ્વામી વિવેકાનંદ જેવી વ્યક્તિ ન જાણે એવું કેમ બને? એટલે આ પછીના તબક્કામાં એમણે જે કામ નક્કી કર્યું હતું એ ધ્યેયપ્રાપ્તિનું. વ્યક્તિમાત્રની સામે કોઈ નિશ્ચિત ધ્યેય કે ગોલ હોવો જરૂરી છે. દિશાવિહીન વ્યક્તિઓના ભરોસે મુકાયેલો દેશ પણ દિશાવિહીન થઈ જાય. સ્વામીજીનું ધ્યેય હતું જાજરમાન સુજલામ્ સુફલામ્ ભવ્યાતિભવ્ય ભારતનું નિર્માણ કરવું, જેમાં સમગ્ર દેશવાસીઓનું શાંતિમય સહઅસ્તિત્વ હોય, સમૃદ્ધિ હોય, કલા અને સંસ્કૃતિનું સન્માન હોય. વડીલો, વૃદ્ધો, અસહાયો માટે અનુકંપા હોય, પ્રાણીમાત્ર, પર્યાવરણ અને પ્રકૃતિ માટેની સદ્ભાવના હોય અને આ તમામનું લક્ષ્ય એક મજબૂત ભારતમાતાનું નિર્માણ હોય. એ કોઈ પણ યુવાનને દિશા બતાવવા સારુ પ્રેરણારૂપ કર્તવ્ય હતું એમ કહી શકાય.
નરેન્દ્રના નજાકતભર્યા મૌલિક વિચારોનું આકર્ષણ એમના પુરુષાર્થમાં રહેલું છે. માત્ર ઓગણચાલીસ વર્ષની એમની આયુષ્યમર્યાદામાં એમણે જે કાર્યો કર્યાં છે તે કલ્પનાતીત છે. અસંખ્ય પ્રવચનો, ધાર્મિક સભાઓ અને દેશ-વિદેશમાં પરિભ્રમણો આ બધુંય વિસ્મયકારક છે. અને એટલે જ ઊઠો, જાગોના આદેશ પછી એમણે યુવાનોને ધ્યેયપ્રાપ્તિ અને એના અમલ માટે મંડ્યા રહો એવું કહ્યું છે. આમાં મંડ્યા રહેવું એટલે અવિરત, સતત સાતત્યપૂર્વક પરિશ્રમ કરતા રહેવું એવો અર્થ કરી શકાય. આપણી પાસે ગમે તેટલા ઉત્તમ વિચારો હોય, પરંતુ તેનો વ્યાવહારિક અમલ ન હોય તો? જેમ કે ભારતીય સંસ્કૃતિમાં ઉત્કૃષ્ટ ચિંતન પડેલું હતું, પરંતુ સ્વામીજીએ પુરુષાર્થ થકી એને ચરિતાર્થ કર્યું.
જો આવું ના થયું હોત તો આ વિચારો કે ચિંતન માનવકલ્યાણ કે પ્રજાકલ્યાણ માટે ઉપયોગી ન થઈ શક્યા હોત. કોઈ પણ વિચાર કે જ્ઞાનની ફલશ્રુતિ તેના અમલ કે પુરુષાર્થમાં રહેલી હોય છે. પુરુષાર્થ વગરનું જ્ઞાન શુષ્ક કે નિરસ થઈ જતું હોય છે. સ્વામીજીના વાઇબ્રન્ટ વ્યક્તિત્વનું મહત્ત્વનું પાસું એ તેમનો પ્રચંડ પુરુષાર્થ અને સતત પરિભ્રમણ છે. એટલે જ એમણે યુવાનોને સતત, કાર્યરત કે ગતિશીલ રહેવાની હાકલ કરી છે.
ખૂબ જ અલ્પ આયુષ્ય મર્યાદામાં પણ નરેન્દ્રમાંથી સ્વામી વિવેકાનંદ થયાની આ અદ્ભુત સફર પ્રત્યેક ભારતવાસી માટે ગૌરવશાળી ઘટના બની જાય છે.
આ સ્વીકૃતિ પછી 1894થી સતત, વૈશ્વિક પરિભ્રમણો, પ્રવાસો, અસંખ્ય પ્રવચનો થકી ભારતીય વારસાનું દાર્શનિક ચિંતન સળંગ છ-સાત વર્ષ સુધી સ્વામીજી કરતા રહ્યા. એમાં એમનો પ્રબળ પુરુષાર્થ અને ગજબ જિજીવિષા ભળ્યાં હતાં. એમણે હતાશ ભારતીય જનસમાજને દિશા આપી હતી. ત્યાર પછી ભારતની ધરતી ઉપર સ્થાયી થઈ અનેક ધાર્મિક સાંસ્કૃતિક સંસ્થાઓ – પરંપરાઓનું સ્થાપન અને પુનઃ સ્થાપન એ વળી ઉજ્જવળ પ્રકરણ હતું. યુવા જાગૃતિ અને પ્રચંડ રાષ્ટ્રભાવના એ એમન ચિંતનની પરિપાકરૂપ ઘટના હતી. તેમની સંઘર્ષગાથા એક મિશાલ હતી. એમનો અમર સંદેશો ફક્ત યુવાનો માટે હતો.
ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સતત મંડ્યા રહો.
યુવાનોને સંબોધીને કહેવાયેલા આ ઉદ્ગારો તમામ દેશવાસીઓ માટે પણ અત્યંત મહત્ત્વના હતા. તેમના આ પ્રેરણારૂપ શબ્દોમાં ઊઠવું શબ્દ એ સૌથી મહત્ત્વનું કદમ છે. કોઈ પણ સફર ગમે તેટલી લાંબી હોય, પરંતુ એની શરૂઆત એક નાનકડા પગલાથી થતી હોય છે. અને ત્યાર બાદ ઐતિહાસિક કે અવિસ્મરણીય સફરનો દરજ્જો પ્રાપ્ત કરતી હોય છે. સદીઓથી ગુલામીની ગર્તામાં ઊંઘી રહેલો સમાજ પોતાની ભવ્ય વિરાસતને કઈ રીતે જાળવી શકે? આ માટે એનું જાગવું એ અત્યંત આવશ્યક અને પાયાની શરત હતી. અને આ કામ માત્ર યુવાનો જ કરી શકે એવું સ્વામીજી માનતા હતા. પોતે સ્વયં એક યુવા પ્રતિભા હતા અને સિદ્ધપુરુષ એવા રામકૃષ્ણજીના આશીર્વાદથી પુરસ્કૃત હતા. એક શિક્ષિત ગ્રેજ્યુએટ થનગનતા યુવાનને રાષ્ટ્રઘડતરનો રાહબર એમણે બનાવ્યો હતો, એ માટે પ્રેરણા આપી હતી.

લેખક વરિષ્ઠ સરકારી અધિકારી છે.