કોઈ દુશ્મન ભારતની ઍક ઈંચ ભૂમિ પણ લઈ નહીં શકેઃ રાજનાથ

 

નવી દિલ્હીઃ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સંસદમાં જણાવ્યું હતું કે કોઈ પણ દુશ્મન ભારતની ઍક ઈંચ જમીન પણ આંચકી નહિ શકે. ભારતીય લશ્કરના બહાદુર જવાનો શત્રુઓના કોઈ પણ પ્રકારના હુમલા કે આક્રમણનો જડબાતોડ જવાબ આપવા સક્ષમ છે. અરૂણાચલ પ્રદેશના સરહદી વિસ્તારમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણમાં કોઈ ભારતીય સૈનિક શહીદ નથી થયો. માત્ર થોડા સૈનિક ઘાયલ થયા હતા. અરૂણાચલ પ્રદેશના સરહદી વિસ્તારમાંની આ અથડામણમાં ચીનના અનેક સૈનિક ઘાયલ થયા હોવાનું કહેવાય છે. સરહદી વિસ્તારમાં લાઈન ઓફ ઍક્ચ્યુઅલ કંટ્રોલ પાસે પીપલ્સ લિબરેશન આર્મીના જવાનોઍ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતા બંને દેશના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હોવાનું સેનાઍ જણાવ્યા બાદ રાજનાથસિંહે ઉપરોક્ત નિવેદન કર્યું હતું. આ અથડામણમાં બંને દેશના જવાનોને ઈજા થઈ હતી. લોકસભામાં નિવેદન આપતાં રાજનાથસિંહે કહ્નાં હતું કે ભારતીય સેનાઍ ખૂબ શાંતિ અને મક્કમતાપૂર્વક ચીનના સૈનિકોનો સામનો કર્યો હતો. ભારતીય સેનાની સમયસરની દખલગીરીને કારણે ચીની સૈનિકો આગળ વધતા અટકી ગયા હતા અને તેમની સરહદમાં પાછા ફર્યા હતા. ઘટનાને પગલે ભારતીય સેનાના કમાન્ડરે ૧૧ ડિસેમ્બરે ચીનની સેનાના કમાન્ડર સાથે બેઠક યોજી હતી અને ઘટનાને મામલે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી