કોઇ પણ પ્રકારની અવગણના દેશને ભારે પડી શકે છેઃ રાહુલ ગાંધી

 

નવી દિલ્હીઃ ચીન તેની સરહદ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરી રહ્યું હોવાના મીડિયા અહેવાલને ટાંકીને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે જણાવ્યું હતું કે ભારત તેની સીમા પર નવા પ્રકારના યુદ્ધનો સામનો કરી રહ્યું છે અને તેની અવગણના ભારે પડી શકે છે. ચીનને લડાખ, ઉત્તરાખંડ અને અરુણાચલપ્રદેશમાં વાસ્તવિક અંકુશરેખા પર ૧૦ એર બેઝનું નિર્માણ કર્યું હોવાના મીડિયા અહેવાલ બાદ રાહુલ ગાંધીએ આ નિવેદન આપ્યું હતું. મીડિયા રિપોર્ટનો સિ્ક્રનશોટ ટ્વીટ કરીને તેમણે જણાવ્યું હતું કે આપણે સરહદ પર નવા પ્રકારના યુદ્ધનો સામનો કરી રહ્યાં છે. રાહુલ ગાંધીએ ગયા વર્ષે પાંચમી મેએ ભારત અને ચીનના સૈનિકો વચ્ચેના સંધર્ષ અંગે સરકારની ટીકા કરી હતી. આ સંઘર્ષ બાદ બંને પક્ષોએ સરહદ પર સેંકડો સૈનિકો મોકલ્યા હતા અને ભારે શસ્ત્રોનો ખડકલો કર્યો હતો.