કોંગ્રેસ વેન્ટિલેટર પર, હજુ વધુ ધારાસભ્યો આપી શકે છે રાજીનામાઃ નીતિન પટેલ

 

ગાંધીનગરઃ  એક તરફ રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણીનું ૧૯ જૂને મતદાન થવાનું છે, તે પહેલા કોંગ્રેસના વધુ બે ધારાસભ્યોએ આજે રાજીનામાં આપી દીધા છે. આ રાજીનામા પર પ્રતિક્રિયા આપતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે, કોંગ્રેસ પોતે વેન્ટિલેટર પર છે એટલે કોંગ્રેસને વેન્ટિલેટર વધુ યાદ આવે છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસમાં આંતરિક અસંતોષ છે એટલે વધુ બે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. આગામી દિવસમાં અન્ય ધારાસભ્યો પણ રાજીનામા આપી શકે છે.  

કોરોના વાયરસ લોકડાઉન શરૂ થયા પહેલા રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ હતી. ત્યારે પણ કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા હતા. હવે ફરી રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ ફરી રાજીનામાનો દોર શરૂ થયા છે. આજે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ વિધાનસભા અધ્યક્ષને પોતાના રાજીનામા આપી દીધા છે. હવે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સંકેત આપ્યા છે કે, કોંગ્રેસના વધુ ધારાસભ્યો રાજીનામા આપી શકે છે. ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર બંને નેતાઓ કોંગ્રેસની નેતાગીરીથી નારાજ હોવાનું સામે આવ્યું હતું. કોરોનાનો પ્રશ્ન કોરાણે મૂકીને હાલ ભાજપ કોંગ્રેસના નેતાઓ રાજ્યસભાની ચૂંટણીમાં વ્યવસ્ત બન્યા છે. કોંગ્રેસમાં બે ધારાસભ્યોના રાજીનામાંથી ખળભળાટ થયો છે. તો કોંગ્રેસમાંથી વધુ રાજીનામા પડે તેવી અફવાએ જોર પકડ્યું છે. ત્યારે આજે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલ સમક્ષ રજૂઆત કરવા જશે. કોંગ્રેસના બે ધારાસભ્યોના પડેલા રાજીનામા સંદર્ભે લોકશાહી પદ્ધિતિથી લેવામાં આવી રહ્યા હોવાની રજૂઆત કરે તેવી સંભાવના છે. બિનલોકશાહી પદ્ધતિથી રાજીનામા લેવાનો પ્રયત્ન થઈ રહ્યો હોવાની રજૂઆત કરવામાં આવશે. તો બીજી તરફ, કોંગ્રેસના ધારાસભ્યોએ કહ્યું હતું કે, તેઓ કોંગ્રેસમાં જ રહેશે.

રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના બે ધારાસભ્યોના રાજીનામા 

રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકરણમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના બે ધારાસભ્યોનાં રાજીનામાં પડયા હોવાનો સ્વીકાર વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કર્યો  છે. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસના બંને ધારાસભ્યના રાજીનામા મંજૂર કરવામાં આવ્યા છે. આ બંને ધારાસભ્ય હવેથી ધારાસભ્ય રહેતા નથી. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીના રાજીનામા પડ્યા છે.