કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો ચાર્જ સંભાળતા અમિત ચાવડાઃ જૂથવાદ ભૂલી બૂથવાદ અપનાવો

ગુજરાત કોંગ્રેસના નવા નિમાયેલા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ અમદાવાદમાં સરદાર બાગમાં સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા. આ પ્રસંગે અમિત ચાવડાનું સન્માન કરતા વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, અર્જુન મોેઢવડિયા સહિત આગેવાનો-કાર્યકરો. (ફોટોઃ ગુજરાત ટાઇમ્સ સંકલન)

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો ચાર્જ સંભાળતાં અમિત ચાવડાએ નેતાઓ અને કાર્યકરોને આહ્વાન આપ્યું હતું કે જૂથવાદ ભૂલી બૂથવાદ અપનાવો. ગુજરાત અને દેશને નવો માર્ગ ચીંધવાના કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના સપનાને સાકાર કરવા જૂથવાદ ભૂલીને બૂથવાદની નીતિ અપનાવવા અમિત ચાવડાએ જણાવ્યું હતું. તેમણે કોંગ્રેસને સંગઠનને ચેતનવંતું બનાવવા કોંગ્રેસપ્રમુખ તરીકે નહિ, પરંતુ કાર્યકર સાથે ખભેખભા મિલાવી કામ કરવાનું વચન આપ્યું છે. અમિત ચાવડાએ જણાવ્યું કે કોંગ્રેસ લોકપાલ બની ભાજપના ભ્રષ્ટાચાર ખુલ્લો પાડશે.
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સંગઠનમાં આમૂલ પરિવર્તન લાવવાનો અનુરોધ કરતાં તાલુકા-જિલ્લા-પ્રદેશ સ્તરે છાપેલાં કાટલાંને બદલે યુવાનોનો સમાવેશ કરી પુનર્ગઠન કરવા જણાવ્યું હતું.
ગુજરાત પ્રદેશના નવા પ્રભારી રાજીવ સાતવે સંગઠનમાં હોતી હૈ, ચલતી હૈ નહિ, પણ પરફોર્મન્સના આધારે જ જવાબદારી સોંપવા કહ્યું હતું. રાજીવ સાતવે કહ્યું હતું કે હવે નેતાઓ અને કાર્યકરો વચ્ચેની દીવાલ રહેશે નહિ. પાયાના અને વફાદાર કાર્યકરોને તક અપાશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોએ ભાજપના ગુજરાતના મોડેલને નકાર્યું છે.
આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ બુધવારે અમદાવાદમાં સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પ્રદેશ કાર્યાલયમાં પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી પ્રદેશ પ્રમુખનો ચાર્જ સંભાળ્યો હતો. આ પછી તેમણે પ્રભારી રાજીવ સાતવ સહિતના આગેવાનો સાથે કોંગ્રેસ કાર્યાલય સુધી પદયાત્રા કરી હતી.
ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલે અને ગુજરાતના પૂર્વ પ્રભારી અશોક ગેહલોટે અમિત ચાવડાને પક્ષપ્રમુખ થવા બદલ શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો.