કોંગ્રેસે રાહુલ ગાંધીને ગઠબંધનને લગતા નિર્ણયો લેવાની સત્તા આપી


કોંગ્રેસની નવી રાષ્ટ્રીય કારોબારીની નવી દિલ્હીમાં યોજાયેલી સૌપ્રથમ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યુપીએનાં ચેરપર્સન સોનિયા ગાંધી, પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહ ઉપસ્થિત રહ્યાં હતાં.  બેઠકમાં સંબોધન કરતાં સોનિયા ગાંધી. (ફોટોસૌજન્યઃ ફર્સ્ટપોસ્ટ) 

બેઠકને સંબોધતા રાહુલ ગાંધી. (ફોટોસૌજન્યઃ એનડીટીવીડોટકોમ)

નવી દિલ્હીઃ કોંગ્રેસની નવી રાષ્ટ્રીય કારોબારીની રવિવારે નવી દિલ્હીમાં યોજાયેલી સૌપ્રથમ બેઠકમાં લોકસભાની ચૂં્ટણી અગાઉ અને પછી ગઠબંધનને લગતા નિર્ણયો લેવાની સત્તા રાહુલ ગાંધીને સોંપી છે. રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબ્લ્યુસી)ની મહત્ત્વની બેઠકમાં પક્ષે 2019ની ચૂંટણીના વ્યૂહની ચર્ચા કરી હતી. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યુપીએનાં ચેરપર્સન સોનિયા ગાંધી, પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહ ઉપરાંત વિવિધ વિસ્તારોમાંથી આવેલા 35 અગ્રણીઓએ પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા.
કોંગ્રેસે લોકસભામાં 300 બેઠકો પર જીતવાની વ્યૂહરચના ઘડી છે. બેઠકમાં ગઠબંધનની ચર્ચા થઇ હતી અને તેની આગેવાની રાહુલ ગાંધીને સોંપવાનો નિર્ણય કરાયો હતો. ગઠબંધન અંગે તમામ નિર્ણય લેવાની સત્તા પણ રાહુલ ગાંધીને જ આપવામાં આવી છે.
કોંગ્રેસ નેતા સચીન પાઇલોટ, શક્તિસિંહ ગોહિલ, રમેશ ચેન્નીથલાએ આ બેઠકમાં જણાવ્યું હતું કે આ ગઠબંધનના સેન્ટરમાં કોંગ્રેસ જોઈએ અને રાહુલ ગાંધીને જ ગઠબંધનનો ચહેરો બનાવવા જોઈએ.
આ બેઠકમાં સોનિયા ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે મોદી સરકારની પડતીની શરૂઆત થઈ ગઈ છે. મોદીની ભાષણની છટા પરથી તેમની ઉદાસી દેખાય છે.
સોનિયા ગાંધીએ પ્રથમ વાર મહાગઠબંધન પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે સમાન વિચારધારા ધરાવતા તમામ રાજકીય પક્ષોએ અંગત મહત્ત્વાકાંક્ષા છોડીને સાથે આવવું જોઇએ.
આ બેઠકમાં ભૂતપૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે 2019ની ચૂંટણી રણનીતિ અંગે એક દરખાસ્ત કરી હતી. તેમણે કહ્યું કે 12 રાજ્યોમાં કોંગ્રેસ મજબૂત છે. લોકસભા 2019ની ચૂંટણીમાં કોંગ્રેસ 150 બેઠક પર જીત મેળવી શકે છે, જ્યારે જ્યાં કોંગ્રેસને ઓછા મત મળશે ત્યાં વિપક્ષોની સહાયથી સત્તામાં ભાગીદારી કરી શકે છે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાં ગઠબંધન સાથે કોંગ્રેસ 150 બેઠકો મેળવી શકે છે. આમ ચિદમ્બરમે 300 બેઠકો જીતવાની ફોર્મ્યુલા રજૂ કરી હતી.
રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકારી સમિતિની રચના કરી છે, જેમાં 23 સભ્યો, 18 સ્થાયી આમંત્રિત સભ્યો, દસ આમંત્રિત સભ્યોને સામેલ કરાયા છે.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે હું મોટી લડાઈ લડી રહ્યો છું. પાર્ટી ફોરમમાં બોલવાનો તમામને અધિકાર છે, પરંતુ જો કોઈ કોંગ્રેસી નેતા બેજવાબદાર નિવેદનો આપશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.