કોંગ્રેસે રાજસ્થાનને ભ્રષ્ટાચાર અને હિંસામાં નંબર વન રાજ્ય બનાવ્યું: વડાપ્રધાન મોદી

જયપુર: ચૂંટણી- રાજ્ય રાજસ્થાનનાં ભરતપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રચાર રેલીને સંબોધી હતી. જે દરમિયાન તેમણે રાજ્યની કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસે ભ્રષ્ટાચાર અને હિંસામાં રાજસ્થાનને ટોચના સ્થાને પહોંચાડી દીધુ છે. તુષ્ટીકરણની નીતિ અપનાવી અસામાજિક તત્વોને ખુલ્લી છૂટ આપી રાજ્યને ક્રાઇમ અને હિંસાની બાબતમાં ટોચના સ્થાને પહોંચાડી દીધુ હોવાનો આરોપ કોંગ્રેસ પર લગાવ્યો હતો.
મુખ્યમંત્રી અશોક ગેહલોત પર વ્યંગ કરતાં મોદીએ કહ્યું હતું કે રાજસ્થાનની જનતાએ નક્કી કર્યું છે કે જાદુગર (ગેહલાત)ને મત નહીં આપીને કોંગ્રેસને રાજ્યમાંથી છૂમંતર કરી દેવામાં આવશે. અશોક ગેહલોતના પિતા જાદૂગર હતા, તેમની સાથે ગેહલોત પણ દેશમાં જાદૂગર તરીકે કામ કરતા હતા. ગેહલોતના ભૂતકાળને ટાંકીને મોદીએ આ ટોણો માર્યો હતો. રાજસ્થાનમાં ૨૫મી તારીખે મતદાન થવાનું છે જ્યારે ત્રણ ડિસેમ્બરના રોજ પરિણામો જાહેર કરાશે. એવામાં ચૂંટણી પ્રચાર ઉગ્ર બની રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના પ્રચારની કમાન સંભાળી છે. તેમણે રેલીને સંબોધતા વધુમાં કહ્યું હતું કે એક તરફ ભારત વિશ્વમાં અગ્રેસર બની રહ્યું છે., જ્યારે બીજી તરફ કોંગ્રેસના પાંચ વર્ષના શાસનમાં રાજસ્થાનની શું સ્થિતિ થઇ છે તે સૌ કોઇ જાણે છે. કોંગ્રેસે રાજસ્થાનને હિંસા, ક્રાઇમ અને ભ્રષ્ટાચારમાં નંબર વન રાજ્ય બનાવી દીધું છે અને તેથી જ રાજસ્થાન કહી રહ્યું છે કે જાદૂગરજી (ગેહલોત) તમે હવે કોઇ જ મત નહીં મેળવી શકો.
મોદીએ આરોપ લગાવ્યો હતોકે -જ્યારે પણ કોંગ્રેસ સત્તામાં આવે છે ત્યારે આતંકીઓ, ક્રિમિનલ, હિંસાખોરોને ખુલ્લી છૂટ આપવામાં આવે છે. તુષ્ટીકરણ માટે કોંગ્રેસ કોઇ પણ હદે જઇ શકે છે.
રાજસ્થાનમાં હોળી, રામ નવમી, હનુમાન જયંતી વગેરેની લોકો શાંતિથી ઉજવણી ના કરી શક્યા, હિંસા, પથ્થરમારો, કરફ્યૂ યથાવત રહ્યા. મહિલાઓ રેપના જુઠા કેસ કરે છે તેવુ કહેનારી વ્યક્તિ મુખ્યમંત્રી પદને લાયક છે? નરેન્દ્ર મોદીએ રાજસ્થાનમાં અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચેના વિવાદનો પણ ઉલ્લેખ કર્યો હતો, અને દાવો કર્યો હતો કે આ બન્ને નેતાઓ માત્ર ચૂંટણી પુરતા જ એક થયા છે.