કોંગ્રેસમાં ફરી આંતરિક મતભેદ! ખુર્શીદે સિબ્બલને લીધા નિશાને

 

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં થયેલા શરમજનક પરાજય બાદ કોંગ્રેસમાં ફરી એકવાર સત્તા પરિવર્તનની માગ ઉઠવા લાગી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ એક ઈન્ટરવ્યૂ દરમિયાન આ વાત ખુલીને કહી ચુક્યા છે. કપિલ સિબ્બલની ટિપ્પણી બાદ કોંગ્રેસમાં જૂથવાદ જોવા મળી રહ્યો છે. એક-એક કરી તમામ નેતા હવે સિબ્બલના નિવેદન પર પલટવાર કરી રહ્યા છે. સોમવારે જ્યાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું કે, પાર્ટીના મુદ્દાને મીડિયામાં ન લાવવા જોઈએ, તો હવે પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદે પણ ફેસબુક પોસ્ટ દ્વારા કપિલ સિબ્બલના નિવેદન પર નિશાન સાધ્યું છે. 

કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે પોતાના ફેસબુક પોસ્ટની શરૂઆત છેલ્લી મુગલ શાસક બહાદુર શાહ જફરની લાઇનો સાથે કરી છે. ખુર્શીદે લખ્યુ છે- ‘ન થી હાલ કી જબ હમેં ખબર રહે દેખતે ઔરોં કે એબો હુનર, પડી અપની બુરાઈયોં પર જો નજર તો નિગાર મેં કોઈ બુરા ન રહા.’ એક રીતે જુઓ તો બહાદુર શાહ જફરની આ લાઇનો દ્વારા ખુર્શીદે કોંગ્રેસ નેતૃત્વની ટીકા કરનારા નેતાઓને પોતાની અંદર જોવાની સલાહ આપી છે. સલમાન ખુર્શીદ પોતાની પોસ્ટમાં આગળ લખે છે કે બહાદુર શાહ જફર અને ઉપર આપવામાં આવેલા તેમના શબ્દો અમારી પાર્ટીના ઘણા સહયોગીઓ માટે એક ઉપયોગી સાથી હોઈ શકે છે, જે સમય-સમય પર ચિંતાનું દુઃખ સહન કરે છે. જ્યારે અમે કંઈ સારૂ કરીએ તો તે ચોક્કસપણે કેટલીક હદ સુધી તેને સરળતાથી કબુલ કરી લે છે. પરંતુ જ્યારે અમે નબળા હોઈએ તો તે પોતાના નખ ખોતરવાની ઉતાવળમાં હોય છે. એવું લાગે છે કે હવે ભવિષ્યની નિરાશા માટે તેની પાસે ઓછા નખ બચ્યા હશે. 

ખુર્શીદે કહ્યુ કે, જો વોટર તે ઉદારવાદી મૂલ્યોને મહત્ત્વ આપી રહ્યાં નથી જેનું અમે સંરક્ષણ કરી રહ્યાં છીએ તો અમારે સત્તામાં આવવા માટે શોર્ટકટ શોધવાને બદલે લાંબા સંઘર્ષ માટે તૈયાર રહેવું જોઈએ. પોતાની પોસ્ટમાં ખુર્શીદે આગળ તે પણ લખ્યુ કે, સત્તાથી બહાર કરવા જાહેર જીવનમાં સરળતાથી સ્વીકારી શકાય નહીં પરંતુ જો આ મૂલ્યોની રાજનીતિનું પરિણામ છે તો તેને સન્માનની સાથે સ્વીકારવું જોઈએ. જો અમે સત્તા હાંસિલ કરવા માટે પોતાના સિદ્ધાંતોની સાથે સમજુતી કરીએ તો તેનાથી સારૂ છે કે અમે આ બધુ છોડી દઈએ.