કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા જયરાજસિંહ પરમાર ભાજપમાં જોડાયા

 

ગાંધીનગર: કોંગ્રેસ સાથે છેડો ફાડનારા જયરાજસિંહ પરમાર ગાંધીનગરમાં કમલમમાં વિધિવત રીતે ભાજપના પ્રદેશના નેતાઓની હાજરીમાં ભગવો ધારણ કરી લીધો છે. કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા અને નેતાએ ભાજપમાં જોડાતા પહેલા જયરાજસિંહ પરમારે શક્તિપ્રદર્શન કર્યું હતું. તેઓ અડધો કિલોમીટર લાંબા કારના કાફલા તથા સમર્થકો સાથે કમલમ પહોંચ્યા હતા અને વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા. 

ભાજપના પ્રમુખ સી. આર. પાટીલે ખેસ પહેરાવીને તેમનું ભાજપમાં સ્વાગત કર્યું હતું. ભાજપમાં જોડાયા બાદ જયરાજસિંહે કહ્યું હતું કે, પહેલા જમાનો હતો કે રાજાનો દીકરો રાજા થતો, આ સમયમાં થતી લડાઈમાં રાજ સત્તાઓ બદલાતી હતી. અત્યારે રક્તનું ટીપું ના પડયું હોય અને આખી સત્તા બદલાય એનું નામ લોકશાહી છે. રાજનીતિ એ સેવાનો વિષય છે, આઝાદીની લડાઈ ચાલતી ત્યારે હેતુ એક હતો નેશન ફર્સ્ટ. મારો અનેક કાર્યકર્તાઓએ ખૂબ લોહી રેડયું છે. એવા કાર્યકર્તાઓને લઈને આપની સમક્ષ આવ્યો છું. જે ત્રુટીઓ છે એ પુરવા આવ્યો છું. એની ખાતરી આપું છું. સી. આર. પાટીલે કહ્યું હતું કે, ભાજપ પર વિશ્ર્વાસ મૂકીને ૩૭ વર્ષની કારકિર્દી છોડીને ભાજપમાં જોડાયા છે. કોઈ એક પાર્ટીનો કાર્યકર્તા પ્રવક્તા હોય તેને એવું લાગે કે તે રેતીમાં વહાણ ચલાવી રહ્યો છે તેનાથી નિરાશા જન્મે છે. નક્કી કર્યું હતું કે કોંગ્રેસમાંથી કોઈને લાવવા નહિ. હું લેવા નથી ગયો, મને જયરાજ મળ્યાં.