કેલિફોર્નિયાના બે એરિયામાં બે સમાજસેવકોનું બહુમાન કરાયું

0
976

ફ્રીમોન્ટઃ કેલિફોર્નિયાના સિલિકોનવેલી વિસ્તારમાં ગુજરાતી મિત્રો વસેલા છે, જેમના લોહીમાં જ આધ્યાત્મિકતા અને સમાજસેવાના ગુણો જન્મેલા હોય છે. આ વિસ્તારમાં જ 45 જેટલી ગુજરાતી – સામાજિક અને આધ્યાત્મિક સંસ્થાઓ કાર્યરત છે, જેમાં ફ્રીમોન્ટ સિટીમાં હિન્દુ ટેમ્પલ અને કલ્ચરલ સેન્ટરમાં સિનિયર મિત્રમંડળ ચાલે છે, જેમાં અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.


આ સેન્ટરના મુખ્ય કન્વીનર સહાનીના માર્ગદર્શન હેઠળ રમેશભાઈ બી. પટેલ (ફ્રીમોન્ટવાળા) કાર્યક્રમોનું સફળ આયોજન અને સંચાલન કરી રહ્યા છે. આ સિલિકોન વેલી વિસ્તારમાં તાજેતરમાં સામાજિક અને આધ્યાત્મિક સેવાઓ માટે બે વ્યક્તિઓનું પ્રશંસાપત્ર અર્પણ કરી બહુમાન કરાયું હતું, જેમાં સાહિત્ય ક્ષેત્રે પ્રદાન બદલ સાહિત્યકાર પી. કે. દાવડાનું એટર્ની ડિસ્ટ્રિક્ટ 26.27ના એટર્ની મેમ્બર એસ. કાલરા તરફથી અને સામાજિક અને આધ્યાત્મિક ક્ષેત્રે ઉત્તમ સેવાઓ પ્રદાન કરવા બદલ રિટાયર્ડ પ્રોફેસર લાલજીભાઈ રાઠોડનું ડી-15 સેનેટ ડિસ્ટ્રિક્ટના સેનેટર જિમબેલ તરફથી શાંતા ક્લેરા કાઉન્ટીના કમિશનર નરેન્દ્ર પાઠક દ્વારા તેમના વરદ્ હસ્તે આ બન્ને મહાનુભાવોને પ્રશંસાપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સેન્ટરમાં ઉપસ્થિત સૌ સિનિયર મિત્રોએ અભિનંદન આપ્યા હતા. (માહિતી અને ફોટોસૌજન્યઃ સી. બી. પટેલ, ફ્રીમોન્ટ, કેલિફોર્નિયા)