કેલિફોર્નિયાના બે એરિયામાં ગુજરાત ગૌરવ દિનની શાનદાર ઉજવણી કરાઈ


ફ્રીમોન્ટઃ કેલિફોર્નિયાના સિલિકોન વેલી બે એરિયામાં અનેક ગુજરાતી સંસ્થાઓ આવેલી છે. જેમાં અગ્રેસર ગણાતી સંસ્થાઓમાંની કેટલીક ગુજરાતી સંસ્થાઓના સહકારથી બે એરિયા ગુજરાતી સંસ્થા દર વર્ષે ગુજરાત સ્થાપના દિનની ઉજવણી કરે છે.
આ વર્ષે પણ 13મી મેએ રવિવારે મિલપિટાસ શહેરમાં ઇન્ડિયા કોમ્યુનિટી સેન્ટરમાં ગુજરાત સ્થાપના દિન ઊજવાયો હતો.
લેખિકા કલ્પનાબહેને પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરી હતી. ઇન્ડિયા કોમ્યુનિટી સેન્ટરના ચીફ એક્ઝિીક્યુટિવ ઓફિસર રાજ દેસાઈએ સૌનું સ્વાગત પ્રવચન કર્યું હતું. આયોજનનાં મુખ્ય સૂત્રધાર પ્રજ્ઞાબહેન દાદભાવાલાએ આવકાર પ્રવચનમાં મધર્સ ડે નિમિત્તે માતાઓને વંદન કરી જનનીની જોડ સખી નહી જડે રે લોલ રજૂ કર્યું હતું.
બે એરિયાના સામાજિક કાર્યકર સુરેશભાઈ કરસનભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. સમાજોપયોગી અને વિશિષ્ટ યોગ્યતા ધરાવતી વ્યક્તિઓને સુરેશભાઈ કે. પટેલના હસ્તે પુરસ્કાર એનાયત થયો હતો. લેખિકા-કવયિત્રી મીરાબહેન મરચન્ટને સાહિત્યક્ષેત્રે, મહેશ પટેલને સેવાકીય ક્ષેત્રે, ચંદ્રકાન્ત પટેલને ટેક્નિકલ ક્ષેત્રે, નરેન્દ્ર પાઠકને સામાજિક-રાજકીય ક્ષેત્રે ઉત્તમ યોગદાન આપવા બદલ સન્માનિત કરાયા હતા.
પુસ્તક પરબના પ્રણેતા પ્રતાપભાઈ પંડ્યા, સામાજિક કાર્યકર સુરેશ પટેલ, કોન્સ્યુલેટ ઓફ ઇન્ડિયા (કલ્ચરલ એન્ડ સોશિયલ) વેંકટરામન, મિલપિટાસ સિટીના મેયર રીન ટ્રેન, નરેન્દ્ર પાઠક વગેરેએ હાજરી આપી હતી.
બે એરિયાના સંગીતજગતનાં વિખ્યાત ગાયકો માધવી અસીમ મહેતા, આનલ અંજારિયા, અચલ અંજારિયા, હેતલ બ્રહ્મભટ્ટ, મિતિ પટેલ, પારુલ દામાણી, પ્રજ્ઞાબહેને અભિનય સાથે ગીતો રજૂ કર્યાં હતાં.
ગરવી ગુજરાતની જૂની રંગભૂમિને ઉજાગર કરતાં નાટકો અને ભવાઈની રજૂઆત થઈ હતી. પ્રજ્ઞા દાદભાવાલા, નરેન્દ્ર શાહ, માધવી-અસીમ મહેતા, શરદ દાદભાવાલા, વિકાસ સાલવી, દર્શના ભૂતા, મૌલિક ધારિયા, પરિમલ ઝવેરીએ ગીતો રજૂ કર્યાં હતાં. ‘વીરપસલી’ નાટકની શરૂઆત વડોદરાથી થઇ હતી.
કાર્યક્રમની માસ્ટર ઓફ સેરેમની સાહિત્યકાર કલ્પના રઘુએ કરી હતી. વિડિયોગ્રાફી રઘુ શાહે કરી હતી. કાર્યક્રમની સફળતા બે એરિયા ગુજરાતી સમાજનામ એમ્બેસેડર પ્રજ્ઞાબહેન અને રાજેશ શાહને આભારી છે. કાર્યક્રમના અંતે સૌએ લંચબોક્સનો સ્વાદ માણ્યો હતો.