કેલિફોર્નિયાના તબીબી વિદ્યાર્થી દેવેશ વશિષ્ઠને બે નેશનલ ફેલોશિપ

ન્યુ યોર્કઃ અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સાન ડિયેગોના મેડિકલ સ્ટુડન્ટ દેવેશ વશિષ્ઠને ફેમિલી મેડિસિન અને એન્વાયર્નમેન્ટ સાયન્સ એમ બન્ને માટે નેશનલ ફેલોશિપ આપવામાં આવી છે. મેડિકલના ચોથા વર્ષમાં અભ્યાસ કરતા આ વિદ્યાર્થી દેવેશ વશિષ્ઠની 2017ની સ્વિટ્ઝર ફેલોશિપ અને અમેરિકન બોર્ડ ઓફ ફેમિલી મેડિસિન ફેલોશિપ માટે પસંદગી કરવામાં આવી છે. બન્ને ફેલોશિપ માટે પસંદગી પામેલા દેવેશે જણાવ્યું હતું કે તે ભવિષ્યમાં દેશના આરોગ્ય ક્ષેત્રે પોલિસીનું નિર્માણ કરવાનું ધ્યેય રાખે છે.

દેવેશ વશિષ્ઠ છ મેડિકલ સ્ટુડન્ટમાંથી એક છે, જેની પસંદગી 2017 પિસાકાનો સ્કોલર્સ લીડરશિપ પ્રોગ્રામ માટે કરવામાં આવી છે જે અમેરિકન બોર્ડ ઓફ ફેમિલી મેડિસિન દ્વારા આપવામાં આવે છે.

વશિષ્ઠને 2017 સ્વિટ્ઝર ફેલોશિપ પણ એનાયત થઈ છે જે રોબર્ટ એન્ડ પેટ્રિસિયા સ્વિટ્ઝર ફાઉન્ડેશન તરફથી આપવામાં આવે છે. આ સ્કોલરશિપ મેળવનાર તે એકમાત્ર મેડિકલ સ્ટુડન્ટ છે.

તેમણે જણાવ્યું હતું કે મારું ધ્યેય આરોગ્ય નીતિને આકાર આપવાનું છે.

વશિષ્ઠ 2015 હિન્દુ ડેકલેરેશન ઓન ક્લાઇમેટ ચેન્જના સ્થાપક સભ્યોમાંના એક છે.

તેઓ યુ. સી. મેડિકલ સ્કોલર અને ભૂતપૂર્વ યુ. સી. રિજન્ટ્સ છે. તેમણે સ્નાતક અને અનુસ્નાતકની પદવી યુસીએસડીમાંથી મેળવી હતી. તેઓ પરંપરાગત ભારતીય સંગીતના ગાયક છે.