બુધવારે ઇડુક્કી, મુલ્લાપેરિયાર અને ઇડમલયાર સહિત 35 બંધના ગેટ ખોલવાથી ઘણા વિસ્તારો જળબંબાકાર થઇ ગયા હતા. સમગ્ર કેરળમાં ભારે વરસાદના કારણે રાજ્યના 14માંથી 12 જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિ ઉભી થઇ હતી. (ફોટોસૌજન્યઃ રોઇટર્સ)
તિરૂવનંતપુરમઃ સમગ્ર કેરળમાં ભારે વરસાદના કારણે રાજ્યના 14માંથી 12 જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિ ઉભી થઇ હતી. મધ્ય કેરળના ઘણા વિસ્તારોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સંપૂર્ણપણે ઠપ થઇ ગયું હતું. દક્ષિણ રેલવે અને કોચિ મેટ્રોએ પોતાની સેવાઓ સ્થગિત કરી હતી. બુધવારે ઇડુક્કી, મુલ્લાપેરિયાર અને ઇડમલયાર સહિત 35 બંધના ગેટ ખોલવાથી ઘણા વિસ્તારો જળબંબાકાર થઇ ગયા હતા. પેરિયાર નદીનું જળસ્તર વધવાથી કોચિ પર અસર થઇ હતી. અહીંના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. એરપોર્ટને શનિવાર સુધી બંધ કરવામાં આવ્યું હતું. આઠમી ઓગસ્ટથી અત્યાર સુધી રાજ્યમાં વરસાદ, ભૂસ્ખલન અને પૂરના કારણે 77 લોકોનાં મોત થયાં હતાં. ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધી રાજ્યમાં 71 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ પથામિથિટ્ટા, કોઝિકોડ, એર્નાકુલમ, થ્રિસુર અને એલાપુઝામાં અત્યાર સુધીમાં 926 લોકોને સલામત સ્થળે ખસેડી ચૂકી છે. કેરળમાં એનડીઆરએફ અને નૌસેનાની ટીમો રાહત અને બચાવકાર્ય કરી રહી છે. ભારતીય નૌસેનાએ જણાવ્યું કે તેમની 21 ટીમો અલગ-અલગ વિસ્તારોમાં કામ કરી રહી છે. મુખ્યમંત્રી પી. વિજયને બુધવારે મોડી રાતે કહ્યું કે કેરળના ઇતિહાસમાં આવું ક્યારેય નથી થયું. મોટાભાગના બંધના ગેટ ખોલી નાખવામાં આવ્યા છે.
કોચિ એરપોર્ટના ડાયરેક્ટર એસીકે નાયરે જણાવ્યું કે બંધના ગેટ ખૂલવાથી પેરિયાર નદીનું પાણી એરપોર્ટ સુધી પહોંચી ગયું. તેનાથી ફ્લાઇટ ઓપરેશનમાં મુશ્કેલીઓ ઊભી થઇ. સરકારે 768 રાહત શિબિરો લગાવી છે, જ્યાં બુધવારે મોડે સુધી 22,115 પરિવારોના 85,398 લોકો રોકાયા
છે.