કેમ છો, માસ્તરસાહેબ?

ઠળિયા ગામ પણ સ્વચ્છતા માટેનું શ્રેષ્ઠ ગામ. દરેક વર્ગની વસ્તી, એમાં પાછી ગામના પાદરમાં સ્કૂલ. રળિયામણું ફળિયું. આગળ જુદા-જુદા પ્રકારના ફુલ છોડો તો ઘટાઘૂમ લીમડાઓ. લીમડાની ડાળીએ બાળકોને ઝૂલવા માટે હીચકાઓ. વહેલી સવારે ખાખી ઝભ્ભો, પેન્ટમાં અને આગળ આઇકાર્ડ લટકાવેલો રમેશ પટ્ટાવાળો વટ સાથે સ્કૂલમાં પ્રવેશે. સૌથી પહેલાં વૃક્ષોને પાણી પાય. આખા ફળિયામાં સાફસૂફી કરે. પછી સ્કૂલનો દરવાજો ખોલે. સૌથી પહેલાં બ્લેકબોર્ડ સાફ કરે, ડસ્ટર અને ચોકસ્ટિક પણ મૂકે. બસ આ રમેશની ફરજ અન્ય માટે ઉદારહણીય. પછી તો સમય થતાં બાળકો આવવા માંડે. સર્વે-સર્વેના વર્ગખંડમાં ગોઠવાતાં જાય. પ્રાર્થના થાય, ત્યાં તો હેડમાસ્તર ગુણવંતભાઈ પાઠક ઉર્ફે ગુરુજી આવે. દરેક ક્લાસરૂમમાં આંટો મારે. પછી પોતાની સાદગીવાળી ચેમ્બરમાં ખુરશી પર ગોઠવાઈ જાય. ચેમ્બરમાં માત્ર સરસ્વતી માતાનો ફોટો. બધા જ શિક્ષકો જે તે વિષયના નિષ્ણાત, પણ સમય પહેલાં હાજર થઈ જાય અને પોતાના વર્ગખંડમાં પહોંચી જાય.
શિક્ષક રશ્મિકાંત કોઈ વખત મૂડમાં હોય તો શિક્ષણ સાથે સુંદર અવાજમાં શિવાજીને નીંદરું ન આવે, માતા જીજાભાઈ પારણું ઝુલાવે. બાળકો ચકિત થઈ જાય. પછી શિવાજીનો ઇતિહાસ સમજાવે. વળી પાછું લહેકામાં ગાય જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ઘેનમાં કોણ જાશે… વાહ રશ્મિકાંતભાઈ બાળકોને ભણાવવા આવતાં પહેલાં પોતે ભણીને આવે. શિક્ષણજગત કેટલું વિશાળ છે? કોઈ-કોઈ વખત આચાર્ય પાઠકસાહેબ પિરિયડ લેવા આવે. દરેક દીકરી પર વારાફરતી નજર ફેરવે. કોણ જાણે, શું શોધતા હશે. પિરિયડ પૂરો થતાં પાછા ચેમ્બરમાં જાય અને ધ્રુસકે ધ્રુસકે રડી પડે. આવો શિક્ષિત માણસ કેમ રડતો હશે? એ પણ રહસ્ય.
વર્ષો પહેલાની વાત છે. પતિ-પત્ની અને વહાલી પુત્રી રુચિને દિલ્હી પાટનગરનાં વિવિધ સ્થળોએ ફેરવવા ટ્રેનમાંથી ઊતર્યા. પતિ-પત્ની સામાન ટ્રેનમાંથી ઉતારતાં પ્લેટફોર્મ પર ઊતરે ત્યાં રુચિ ન દેખાઈ. ઘણી શોધખોળ કરી, પણ રુચિ ન મળી. પોલીસમાં ફરિયાદ કરી, પણ પત્તો ન લાગ્યો. એક અઠવાડિયું હોટેલમાં રહ્યાં. વિવિધ રીતે રુચિની શોધખોળ કરી, પણ પત્તો ન લાગ્યો. પતિ-પત્ની વીલા મોઢે ઠળિયા ગામ પરત ફર્યાં. પણ દરદને દિલમાં છુપાવ્યું.
આ બાજુ કસ્તુરચંદ શેઠ અને કંચનબહેને છોકરીને જોઈ. અકળાયેલી હોય એવી છોકરીને પૂછ્યું, ક્યાં જવું છે. કંઈ જવાબ આપી ન શકી. પછી દીકરી, તારું નામ શું? તો કહે રુચિ. બસ આગળ ગામનું નામ કે કંઈ આપી ન શકે. કસ્તુરચંદ શેઠ અને કંચનબહેને છોકરીને પોતાની સાથે રાખી. ખાવા-પીવાનું ઊંચા પ્રકારનું આપે. દિવસો અને વર્ષો વીતતાં જાય છે. ભણવામાં રુચિ નાનપણથી હોશિયાર. જોતજોતાંમાં એમએ, એમફિલ થઈ ગઈ. એટલી દેખાવડી કે ન પૂછો વાત. જાણે સ્વર્ગલોકની રૂપસુંદરી. એની સુંદરતા એટલી આકર્ષે કે યુવા વર્ગ તીરછી નજરે જોવાનું કદી ચૂકે નહિ. વિશાળ કપાળ, સુંદર નયન, નાકની નરમાશ, ભરાવદાર ગાલ તો ફૂલની પાંખડી જેવા હોઠ. રુચિ સ્કૂટર-મોટર ડ્રાઇવિંગમાં પણ એક્સપર્ટ. શેઠ-શેઠાણીએ અનેક વખત રુચિને કહેલું તું દિલ્હી પ્લટફોર્મ પરથી મળી છે. રુચિની આંખો ભીની થઈ જાય.
એ પણ ઝંખે પોતાનાં મા-બાપને મળવા, પણ હવે ઘણું મોડું થઈ ગયું, જે શક્ય નથી. રુચિ બહારથી આવે છે, કસ્તુરચંદ શેઠ રુચિને એક પરબીડિયું આપે છે. ખોલે છે તો ઠળિયા ગામના આચાર્યનો ઓર્ડર હતો. થોડી ક્ષણ રુચિ આનંદિત થઈ તો થોડી લાગણી દુભાઈ. કારણ કસ્તુરચંદ શેઠ અને કંચનબહેનને છોડવાં પડશે. તેઓ ટેકા વગરના થઈ જશે, પણ કસ્તુરચંદ બુદ્ધિશાળી હતાં, તેમણે જ સામે ચાલી કહ્યું, રુચિ, તારે નોકરી કરવાની છે અને શિક્ષણક્ષેત્રે નામના મેળવવાની છે. તારી અંદરની ઇચ્છા પણ છે કે તું ગ્રામ્યકક્ષાનાં બાળકો ભણાવે-ગણાવે, જે દેશનું ભવિષ્ય ઉજ્જવળ કરે છે. શેઠ-શેઠાણી રુચિને દિલ્હી રેલવે સ્ટેશને મૂકવા જાય છે. ટ્રેનમાં બેસાડે છે. ટ્રેન વ્હીસલ મારે છે. રુચિ બારીમાંથી હાથ હલાવતી રહે છે અને શેઠ-શેઠાણી પણ દષ્ટિ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી હાથ હલાવે છે. શેઠ-શેઠાણી ઘરે આવી પોકે-પોકે રડી પડે છે. બન્ને જુદી-જુદી ખુરશીમાં ક્યાંય સુધી બેઠાં રહે છે. જાણે દીકરી રુચિને સાસરે વળાવી.
રુચિ ટ્રેનમાંથી ઊતરે છે. પાઠકસાહેબ આવકારે છે અને કહે છે, દીકરી મારે ત્યાં ચાલ. થોડા દિવસ પછી તને ગમે ત્યાં રહેવા જજે. પાઠકસાહેબ રુચિને પોતાના ઘરે લઈ આવે છે. રુચિ સ્તબ્ધ થઈ ગઈ. ક્યાં શેઠ-શેઠાણીનો આલીશાન બંગલો અને અહીં ત્રણ રૂમ, ત્રણ રૂમમાં કાથીવાળા ખાટલા, ઉપર ઉત્તમ પ્રકારનાં ગાદલાં, રુચિ આરામ કરે છે. એક ટેબલ પર પાઠકસાહેબ, તેમનાં પત્ની અને નાની છોકરીનો ફોટો હતો. રુચિ એકીટસે ફોટા સામે જોઈ રહી. રુચિનો સ્કૂલમાં આચાર્ય તરીકેનો પહેલો દિવસ હતો. દરેક શિક્ષક અને કર્મચારીગણે આવકારી. રુચિનું શિક્ષક રશ્મિકાંત દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. રુચિએ બધાં જ બાળકો સાથે સ્નેહભર્યો સ્પર્શ આપ્યો. શિક્ષકોએ દરેક બાળકોને અને સ્ટાફને પેંડા વહેંચ્યા. પાઠકસાહેબે રુચિના મુખમાં પેંડો મૂકી સ્વાગત કર્યું. રુચિએ પાઠકસાહેબને પાયલાગણ કર્યું. પાઠકસાહેબે એટલું જ કહ્યું, ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત થાય. તારા દરેક ધ્યેયને સિદ્ધિ મળે. આટલું બોલતાં પાઠકસાહેબની આંખમાં ઝળઝળિયાં આવી જાય છે.
શાળાનો સમય પૂરો થાય છે. પાઠકસાહેબ કહે, રુચિ, તમારા માટે નવા મકાનનો પ્રબંધ કરું. રુચિ કહે, નહિ સાહેબ. આપને વાંધો ન હોય તો, હું તમારી સાથે રહીશ. દિકરી, મને શું વાંધો હોય, રુચિ સવારના વહેલી ઊઠે, ત્રણે જણનાં કપડાં ધુએ, ઘર સાફ કરે, રસોઈ કરે અને પછી સ્કૂલે જાય અને કહેતી જાય સર, તમે કંઈ કામ ન કરતા. તમે પતિ-પત્ની રિટાયર્ડ લાઇફને મોજથી માણો, રુચિ મનોમન વિચારે કે, આ પતિ-પત્ની ઉપર મને અંદરથી કેમ લાગણી થાય છે? મારે તેમની સાથે જ રહેવું છે. પાઠકસાહેબનાં પત્ની સવિતાબહેન સ્કૂલનો સમય પૂરો થાય ત્યાં રુચિ માટે ચા બનાવી રાખે. રુચિ નિયત સમયે ઘરે આવી જાય અને ગરમા-ગરમ ચા પીવે. આજે રુચિના મુખે શબ્દ સરી પડ્યા, બા, તમારે મારી કંઈ ચિંતા ના કરવી. હું સાંજની રસોઈ બનાવી નાખીશ. સવિતાબહેન, રુચિના મુખે બા શબ્દ સાંભળતાં પોતાની વહાલી પુત્રી રુચિ યાદ આવી ગઈ, જે વર્ષો પહેલાં દિલ્હીના પ્લેટફોર્મ પરથી છૂટી પડી ગઈ હતી.
એક સવારના પાઠકસાહેબ રુચિ સામે એકીટસે જોઈ રહ્યા. રુચિ કહે, શું વિચારી રહ્યા છે? પાઠકસાહેબ કહેઃ મેં પણ રુચિ નામે મારી પ્રિય પુત્રીને દિલ્હી સ્ટેશનમાં પ્લેટફોર્મ પરથી ગુમાવી હતી, જે આજદિન સુધી એનો કંઈ પત્તો નથી. ઘણી વખત એક ખૂણામાં બેસી ધ્રુસકે-ધ્રુસકે રોઈ પડું છું. ક્યાં હશે, શું કરતી હશે. કુદરતને ખબર. રુચિ કહે, પપ્પા શાંત થાઓ. ઈશ્વર બધું જ સારૂં કરશે. રુચિને હવે ખાતરી થઈ કે પાઠકસાહેબ અને સવિતાબહેન બન્ને મારાં માતા-પિતા છે. મારા શરીરમાં એક શિક્ષકનું લોહી છે, જેણે શિક્ષણક્ષેત્ર આગળ વધાર્યું છે. આજે રુચિ ખાદીની સાડી, બ્લાઉઝમાં સજ્જ હતી. આજે રુચિ જાજરમાન લાગતી હતી. આજે પંદરમી ઓગસ્ટ હતી, સ્કૂલના પટાંગણમાં મોટા પાયે તૈયારી થયેલી. બાળકો અને વાલીઓ, શિક્ષકગણ, કર્મચારીગણ વગેરે ઉપસ્થિત થયા. સૌપ્રથમ પૂર્વ પ્રિન્સિપાલ પાઠકસાહેબના વરદ હસ્તે ધ્વજવંદના કરવામાં આવી. પવનના સુસવાટા સાથે તિરંગો ઝંડો ફરકવા માંડ્યો. હાજર રહેલા સર્વે કોઈએ એટેન્શન સાથે સેલ્યુટ કરી અને રાષ્ટ્રગાન શરૂ થયું…જનગન મન…
રાષ્ટ્રગાન પૂરું થતાં આચાર્યા રુચિએ પોતાનું ઉદ્બોધન શરૂ કર્યું. પ્રિય બાળકો, ઉપસ્થિત સર્વે કોઈ. આજના પવિત્ર દિવસે ભારતમાતા કી જય હું બોલાવું છું, તમે સર્વે બોલશો. સર્વે ઉપસ્થિતે ઊંચા અવાજે ભારતમાતા કી જય બોલવાનું શરૂ કર્યું, જે ગામના સીમાડા સુધી સંભળાયું.
હવે, રુચિ આગળ જતાં બોલે છે, દિલ્હી પ્લેટફોર્મ ઉપરથી ગુમ થયેલી નાની છોકરી રુચિ તે હું જ છું અને પૂર્વ પ્રિન્સિપાલ પાઠકસાહેબ અને માતા સવિતાબહેન એ જ મારાં માતા-પિતા છે એમાં કોઈ બે મત નથી. ગ્રામવાસીઓ, હું તમારા ગામની જ દીકરી છું અને બાળકોને ભણાવવાની મારી ફરજ નહિ, પણ મારું નિષ્ઠાપૂર્વકનું કર્તવ્ય છે અને તે કરીશ જ. હું ખાતરીપૂર્વક કહ્યું છે કે, આ બાળકોમાંથી કોઈ વૈજ્ઞાનિક થશે, કોઈ ડોક્ટર થશે, કોઈ સત્યપ્રિય વકીલ, તો કોઈ સાહિત્યકાર થશે. વધુમાં કહું તો, દેશના ભવિષ્ય ઘડતરમાં બાળકો જ મોટો ભાગ ભજવે છે. અસ્તુ.
વાચકમિત્રો, રુચિ એક આદર્શ શિક્ષિકા છે તો માતા-પિતાની લાડકી દીકરી પણ છે. રુચિનું જીવન અન્ય દીકરીઓ માટે દીવાદાંડી સમાન છે.