કેન્સરના નામે હાઉ ઉભો ન કરો, કેન્સર મટી શકે છેઃ ડો. કૌસ્તુભ પટેલ

અમદાવાદઃ ચોથી ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવી. અમદવાદના એસજી હાઈવે સ્થિત એચસીજી કેન્સર સેન્ટરમાં બીમારી સામેનો જંગ જીતનારા ૧૦ દર્દી અને મુશ્કેલ સમયે પડખે રહેનારા તેમના સ્વજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તબક્કે ડો. કૌસ્તુભ પટેલે જણાવ્યું હતું કે, કેન્સર પીડિત વ્યક્તિ અને તેમના પરિવારને સહાનુભૂતિની નહીં, બલ્કે સાથની જરૂર હોય છે અને સમાજ સહિત આપણે સૌએ આ સાથેનું સન્માન કરવાનું છે. કેન્સર સામે જંગ જીતનારા આ પરિવારોમાં કેટલાક એવા પણ છે કે પતિને કેન્સર ક્રિકેટ થયો હોય અને તેની સારવાર માટે છાનેમાને ઘરેણાં વેચી દીધા હોય પણ પરિવારમાં કોઈને આ વાતની ગંધ સુદ્ધાં આવવા દીધી નહોતી.
અમિષાબહેને જણાવ્યું હતું કે, હર્ષદને જૂન ૨૦૧૫ના અરસામાં કેન્સર ડિકેક્ટ થયો હતો. શરૂઆતમાં અમે અપસેટ થયા હતા. ત્રણ સર્જરી પછી હવે તબિયત સારી છે. બચવાની આશા નહોતી એ દર્દી હવે ડોક્ટરોની મહેનતને કારણે સારી રીતે જીવન જીવી શકે તેમ છે. દર્શન સોલંકીએ જણાવ્યું હતું કે, કવિતાને કેન્સર ડિટેક્ટ થયો હતો, હવે તબિયત સ્થિર છે. સમાજને સંદેશો આપતાં આ પરિવારે જણાવ્યું હતું કે, કેન્સરના નામે ખોટો હાઉ ઊભાં કરાય છે પણ ડરવાની કોઈ જરૂર નથી. તમારી આસપાસના નકારાત્મક વિચાર વાળા લોકોને અળગા કરવાની જરૂર છે. મહત્ત્વની વાત એ છે કે, દર્દીને ખબર હતી કે, તેમને કેન્સર છે. એ જ્યારે સારવાર માટે ગયા ત્યારે પણ રીલ બનાવી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વાત મૂકી હતી. અઘરું છે પણ કેન્સર મટી શકે છે. ચાલશે, મટી જશે તેવા પ્રકારનું વર્તન દાખવવું ન જોઈએ. પરિવારમાં પણ માહોલ એ પ્રકારનો રહ્યો હતો કે, કશું જ થયું નથી.