કેન્સરના અભ્યાસ માટે ગ્રાન્ટ મેળવતા ભારતીય-અમેરિકી સંશોધક

 

ન્યુ યોર્કઃ કાન્સાસ સ્ટેટ યુનિવર્સિટીમાં ભારતીય-અમેરિકનને કેન્સરના અભ્યાસ માટે મોટા પાયે ગ્રાન્ટ મળી છે. કેન્સર સંબંધિત સંશોધન અભ્યાસ માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થ તરફથી મિલિયન ડોલરની ગ્રાન્ટ ઇલેક્ટ્રિકલ-કોમ્પ્યુટર એન્જિનિયરિંગના આસિસ્ટન્ટ પ્રોફેસર પુનિત પ્રકાશને પ્રાપ્ત થઈ છે. પુનિત પ્રકાશ પાંચ વર્ષના અભ્યાસના મુખ્ય સંશોધક છે, જેને એનઆઇએચ તરફથી 1.3 મિલિયન ડોલરથી વધુ રકમની ગ્રાન્ટ મળી છે.

કાન્સાસ સ્ટેટ દ્વારા જારી થયેલી અખબારી યાદીમાં આ માહિતી અપાઈ હતી. આ અભ્યાસ કાન્સાસ સ્ટેટ યુનિવર્સિટી કોલેજ ઓફ એન્જિનિયરિંગ અને વેટરનરી મેડિસીન દ્વારા સંયુક્તપણે હાથ ધરવામાં આવ્યો છે, જેમાં ઇન્ડસ્ટ્રી પાર્ટનર બ્રોન્કસ મેડિકલ (સાન જોઝ, કેલિફોર્નિયા)નો સહકાર મળ્યો છે. આ અભ્યાસ ‘બ્રોન્કોસ્કોપ-ગાઇડેડ માઇક્રોવેવ એબલેશન ઓફ અર્લી-સ્ટેજ લન્ગ ટ્યુમર્સ’ નામના શીર્ષક હેઠળ કરાયો છે.

અન્ય વિજ્ઞાનીઓ અભ્યાસમાં સંકળાયેલા છે, જેમાં કાન્સાસ સ્ટેટ યુનિવર્સિટીના સહસંશોધકો કોલેજ ઓફ વેટરનરી મેડિસીનના ચનરન ગાન્ટા, ક્લિનિકલ આસિસ્ટન્ટ પ્રોફેસર (ડાયગ્નોસ્ટિક મેડિસીન એન્ડ પેથોલોજી) તેમ જ ક્લિનિકલ સાયન્સીસના પ્રોફેસરો વોરેન બર્ડ અને ડેવિડ બિલરનો સમાવેશ થાય છે.
આ પ્રોજેક્ટ ફેકલ્ટીની ઇન્ટરડિસિપ્લીનરી ટીમ, પોસ્ટ-ડોક્ટરલ સ્કોલર્સ, ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને સહાયરૂપ થશે.