કેન્યામાં અમેરિકી એરબેઝ પર હુમલો, સાત એરક્રાફ્ટ્સ નષ્ટ

નૈરોબીઃ સોમાલિયાના ઇસ્લામિક આતંકવાદી સંગઠન અલ-શબાબે રવિવારે સવારે કેન્યાના લામુ કાઉન્ટીસ્થિત અમેરિકી એરબેઝ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સાત એરક્રાફટ્સ અને ત્રણ વાહનો નષ્ટ થઈ ગયાં હતાં. જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી. લામુ કાઉન્ટીના કમિશનર ઇરુંગા માચારિયાએ કહ્યું હતું કે હુમલામાં સંડોવાયેલા પાંચ શકમંદોને પકડી પાડવામાં આવ્યા છે. કેન્યાની લામુ કાઉન્ટીમાં મંદાબેમાં અમેરિકા અને કેન્યાનું સંયુક્ત એરબેઝ છે. પેન્ટાગોનના જણાવ્યા પ્રમાણે આ સૈન્ય કેમ્પમાં આશરે ૧૦૦ અમેરિકી જવાનો તહેનાત છે. અલ શબાબના પ્રવક્તાએ મીડિયા સમૂહ અલ ઝઝીરાને કહ્યું હતું કે આ હુમલાને મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા વિવાદ સાથે કોઈ લેવા દેવા નથી. સોમાલિયાથી ઓપરેટ થતા આતંકવાદી સંગઠન અલ-શબાબ અલ કાયદા સાથે જોડાયેલું છે અને તેણે પહેલાં પણ કેન્યા પર અનેક હુમલાઓ કર્યા છે. એક અઠવાડિયા પહેલાં જ તેણે સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં ટ્રક-બોમ્બથી હુમલો કર્યો હતો, જેમાં ૭૯ લોકોનાં મોત થયાં હતાં. આ હુમલાનો વળતો જવાબ આપી અમેરિકાએ એરસ્ટ્રાઇક કરીને સાત આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
અમેરિકી સૈન્ય ઠેકાણાં પર હુમલા બાદ ક્રૂડના ભાવમાં ભડકો