કેન્દ્ર સરકાર લતા મંગેશકરજીના 90મા જન્મદિને તેમને ડોટર ઓફ ધ નેશનનો ખિતાબ આપીને તેમનું સન્માન કરશે

0
659

સાત દાયકાથી ભારતીય ફિલ્મ સંગીતના ક્ષેત્રે વિશિષ્ટ અને અભૂતપૂર્વ યોગદાન કરનારાં સ્વર સામ્રાજ્ઞી આદરણીય લતા મંગેશકર આગામી 28મી સપ્ટેમ્બરે તેમનો 90મો જન્મદિન ઉજવશે. આ પ્રસંગે કેન્દ્રની મોદી સરકાર દ્વારા તેમને ડોટર ઓફ ધ નેશનનો ખિતાબ એનાયત કરીને તેમનું સન્માન કરવામાં આવશે. 

      મધ્યપ્રદેશના ઈન્દોરમાં જન્મેલાં લતાજીએ 1940ના દાયકામાં ગાયકીની શરૂઆત કરી હતી. ત્યારે તેઓ માત્ર 13 વરસનાં હતાં. કમાલ અમરોહીની ફિલ્મ મહલમાં તેમણે ગાયેલું ગીત આયેગા આયેગા આયેગા આનેવાલા … ખૂબજ લોકપ્રિય બન્યું હતુંઅને હિન્દી ફિલ્મની ગાયકીના ક્ષેત્રમાં તેમનો શાનદાર પ્રવેશ થયો હતો. લતાજીને તેમની શ્રેષ્ઠ ગાયકી માટે અનક નેશનલ એવોર્ડ, ફિલ્મ ફેયર એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં છે. ભારત સરકારે પદમવિભૂષણ, ભારત- રત્ન તેમજ દાદાસાહેબ ફાળકે એવોર્ડથી તેમને સન્માનિત કર્યાં છે.   ભારતની પ્રત્યેક ભાષામાં અનેક ગીતો ગાનારાં લતાજી -ભારતીય સંગીતને માતા સરસ્વતીએ આપેલું વરદાન છે. લતાજીની ગાયકી, એમના અમૃત ઝરતા સ્વરને માટે કોઈ ઉપમા કે કશા વિશેષણોની આવશ્યકતા જ નથી. લતામંગેશકર – એ ભારતીય કલા અને સંસ્કૃતિનું ગૌરવ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લતાજીના મોટા પ્રશંસક છે. પોતાના સ્વના માધુર્યથી સમગ્ર વિશ્વના લોકોના હૃદયમાં સ્થાન મેળવનારાં લતાજીને પરમેશ્વર નિરામય દીર્ધાયુષ્ય આપે એવી શુભકામના વ્યક્ત કરીએ છીએ.