કેન્દ્ર સરકાર આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્રમાંથી ખરીદી અન્ય રાજયોમાં ઓછા ભાવે ટામેટા વેચાશે

નવી િદલ્હીઃ કેન્દ્ર સરકારે દેશભરમાં ટામેટાંના વધતા ભાવથી રાહત આપવા માટે એક યોજના તૈયાર કરી છે. ગ્રાહક બાબતોના વિભાગે નેશનલ એગ્રીકલ્ચરલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન(નાફેડ) અને નેશનલ કો-ઓપરેટિવ કન્ઝયુમર ફેડરેશનને આંધપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાંથી ટામેટાં ખરીદવા અને ટામેટાના ભાવ ઊંચા હોય તેવા વિસ્તારોમાં તેનું વિતરણ કરવા જણાવ્યું છે.
દેશમાં મોટાભાગના સ્થળોએ ટામેટાના ભાવ ૧૦૦ રૂપિયાને પાર પહોંચી ગયા છે. સરકારે કહ્યું કે ટામેટાનો આ તાજો સ્ટોક જે કેન્દ્રો પર છોડવામાં આવશે તેની ઓળખ છેલ્લા એક મહિનામાં છૂટક કિંમતમાં થયેલા વધારાના આધારે કરવામાં આવી છે. આ પ્રક્રિયામાં વપરાશને પણ ધ્યાનમાં લેવામાં આવ્યો છે. એટલે કે જયાં વપરાશ વધુ હશે ત્યાં તેનો પુરવઠો પણ વધુ હશે.
સરકારે કહ્યું કે શુક્રવાર એટલે કે ૧૪ જુલાઇથી દિલ્હી-એનસીઆરમાં ગ્રાહકોને નવો સ્ટોક ઉપલબ્ધ કરાવવામાં આવશે. એટલે કે શુક્રવારથી તેઓ ઓછા ભાવે ટામેટા ખરીદી શકશે.
ભારતના લગભગ દરેક રાજયમાં ટામેટાનું ઉત્પાદન થાય છે. જયારે દક્ષિણ અને પશ્ચિમી પ્રદેશો દેશના કુલ ઉત્પાદનમાં લગભગ ૬૦ ટકા યોગદાન આપે છે. આ પ્રદેશોમાંથી વધારાના ઉત્પાદનનો ઉપયોગ ભારતના અન્ય ભાગોમાં ટામેટાનો સતત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે થાય છે. વિવિધ પ્રદેશોમાં મોસમના આધારે ઉત્પાદનનું પ્રમાણ ઓછું કે વધુ રહે છે.
દેશના મોટાભાગના વિસ્તારોમાં ડિસેમ્બર અને ફેબ્રુઆરી વચ્ચે ટામેટાનું મહત્તમ ઉત્પાદન થાય છે. જુલાઇ-ઓગસ્ટ અને ઓકટોબર-નવેમ્બરમાં ટામેટાનું ઉત્પાદન ઓછું થાય છે. જુલાઇમાં ચોમાસું શરૂ થતાં ટામેટાનું ઉત્પાદન ઘટે છે અને ભાવ વધે છે.
સરકારે કહ્યું કે દિલ્હી અને આસપાસ ના શહેરો હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાંથી સ્ટોક મેળવી રહ્યાં છે. સાથે જ ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાંથી ઘણા રાજયોમાં ટામેટાની સપ્લાય થઇ રહી છે. જો કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી ટૂંક સમયમાં તાજો પાક આવવાની ધારણા છે. જેના કારણે આવનાર સમયમાં ભાવ નીચે આવી શકે છે.