કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશે વચ્ચે કાર્ય- પ્રણાલી અને અધિકારના મુદે્ સંઘર્ષ અને ટકરાવ

0
831

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો અને કેન્દ્ર સરકાર વચ્ચે કાર્ય- પધ્ધતિ અને અધિકાર બાબત હંમેશા વિરોધ અને વિવાદ સર્જાતા રહે છે. સુપ્રીમ કોર્ટના  ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના નિર્ણયો અંગેની સંવૈધાનિક યોગ્યતા બાબત હાલમાં ન્યાયાધીશ ચેલમેશ્વરે ઊભા કરેલા સવાલોએ અદાલતના કાર્યક્ષેત્રને ચર્ચાના  ચકડોળે ચઢાવ્યું છે. આ અગાઉ સુપ્રીમ કોર્ટના ચાર ન્યાયાધીશોએ પત્રકાર પરિષદ યોજીને ચીફ જસ્ટિસની કામગીરી અને અધિકારો અંગે સવાલો ઊભા કરીને ન્યાયતંત્રની ગરિમાને હચમચાવી દીધી હતી. હવે જસ્ટિસ જેસેફ કુરિયને સરકારની ન્યાયતંત્રમાં દખલગિરી બાબતનો મુદો્ ઊઠાવ્યો છે. તેમણે ચીફ જસ્ટિસ દીપક મિશ્રાને એક પત્ર લખ્યો છે. ન્યાયાધીશોની નિમણુક બાબત સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને કરવામાં આવેલી ભલામણો માટે ઉદાસીનતા દાખવવાનો અને એની ઉપેક્ષાનું વલણ અખત્યાર કરવાનો આક્ષેપ મૂક્યો છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોના કોલિજિયમ દ્વારા નવા ન્યાયાધીશોની નિમણુક બાબત કરાયેલી ભલામણોને સરકાર દબાવીને બેઠી છે અને તે અંગે કોઈ નિર્ણય લેતી નથી . સરકારના આવા વલણ સામે જસ્ટિસ કુરિયને વાંધો ઊઠાવ્યો હતો. તેમણે વડા ન્યાયાધીશ દીપક મિશ્રાને આ બાબત ખુદ નિર્ણય લઈને સાત  વરિષ્ઠ ન્યાયાધીશોની ખંડપીઠ સમક્ષ સુનાવણી કરવાનું સૂચન કર્યું હતું.