

હાલમાં દેશની અગ્રણી સરકારી સંસ્થાઓ અને એજન્સીઓમાં પરિસ્થિતિ ડામાડોળ થઈ રહી છે. સીબીઆઈમાં બે વરિષ્ઠ અધિકારીઓને ફરજિયાત રજા પર ઉતારી દેવાયા છે. મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. સીબીઆઈની પ્રતિષ્ઠા અને નિષ્ઠા કલંકિત બની છે. હવે બીજું પ્રકરણ સપાટી પર આવ્યું છે. દેશની અગ્રણી બેન્ક – રિઝર્વ બેન્ક અને કેન્દ્ર સરકાર વચ્ચે તીવ્ર મતભેદો હોવાનું જાણવા મળ્યું છે. રિઝર્વ બન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલ અને સરકાર વચ્ચે મતભેદો સર્જાયા હોવાની માહિતી જાણવા મળી હતી. 2018ના પ્રારંભના મહિનાઓમાં જ સરકાર અને રિઝર્વ બેન્ક વચ્ચે અંતર વધ્યું હતું. . સરકાર અને રિઝર્વ બન્ક વચ્ચે પરસ્પર સંવાદનો અભાવ વરતાય છે. તાજેતરમાં જ રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર વિરસ આચાર્યએ આરબીઆઈના કામકાજ અને નિણર્યોમાં સરકારનો હસ્તક્ષેપ વધી રહયો હોવા અંગે ચિંતા વ્યકત કરી હતી. તેમણે બેન્કને સ્વાયત્તતા આપવાની પણ માગણી કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે, વર્તમાન મતભેદોની અસર આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના ભવિષ્ય પર પડશે. આગામી 2019ના સપ્ટેમ્બરમાં ઉર્જિત પટેલના હોદા્ની મુદત પૂરી થઈ રહી છે. તેમને એક્ષટેન્શન મળવાની શક્યતા નહીવત છે, હકીકત તો એ છે કે, કદાચ તેમનો બાકી રહેલો કાર્યકાળ તેઓ પૂરો નહિ કરી શકે. 2018ના વરસ દરમિયાન જ અંદાજે છ જેટલા નીતિગત મામલાઓ અંગે સરકાર અને આરબીઆઈ વચ્ચે સહમતી નથી. આરબીઆઈ દ્વારા લેવામાં આવેલા નીતિગત નિર્ણયો બાબત સરકારનું વલણ જુદું હોવાનું જાણવા મળ્યું હતું. વ્યાજદરોમાં ઘટાડો નહિ કરવાના આરબીઆઈના નિર્ણય સાથે સરકાર સંમત નથી. પીએનબી કૌભાંડ- નીરવ મોદીએ કરેલી છેતરપિંડીની વાતનો ઘટસ્ફોટ થયા બાદ આરબીઆઈ અને કેન્દ્ર સરકાર વચ્ચે પરસ્પર મતભેદની પરિસ્થિતિ સર્જાઈ હતી. ઉર્જિત પટેલ એવું ઈચ્છતા હતા કે, સરકારી બેન્કોની કામગીરી પર નજર રાખવા માટે રિઝર્વ બેન્ક પાસે વધુ સત્તા હોવી જોઈએ. સરકારી વહીવટીતંત્રના કેટલાક અધિકારીઓ એવું માની રહયા છે કે, હાલના આરબીઆઈના ગવર્નર ઉજિૅત પટેલ કરતાં અગાઉના ગવર્નર રધુરાજન વધુ સરલ કે સારા હતા. જોકે બેન્કના વ્યાજદરોમાં વધારો કરવો કે ઘટાડો કરવો એ સરકારના નહિ, રિઝર્વ બેન્કના અધિકાર ક્ષેત્રની બાબત હોવાનું ઉર્જિત પટેલ માને છે.