કેન્દ્ર સરકારે રાજ્યોને આપ્યો આદેશઃ લોકો નહીં માને તો ફરીથી લોકડાઉન લગાડો

 

નવી દિલ્હીઃ કોરોના પ્રતિબંધોને હળવો કર્યા પછી લોકોની બેદરકારી ફરીથી પ્રકાશમાં આવવા લાગી છે. લોકો માસ્ક અને સામાજિક અંતર વિના બજારો અને હરવા ફરવાના સ્થળોએ તેમજ ગાર્ડનમાં મુક્તપણે ફરી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયે ફરીથી લોકડાઉન લાદવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્ય સચિવોને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે દેશના ઘણા ભાગોમાં કોરોના નિયમોનું ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે. ખાસ કરીને જાહેર પરિવહન અને પર્વતીય વિસ્તારોમાં. બજારોમાં પણ ભીડ જોવા મળી રહી છે અને સામાજિક અંતર જેવા નિયમોની અવગણના કરવામાં આવી રહી છે.

કેન્દ્ર સરકારે ઘણા રાજ્યોમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના અને કોરોના નિયમોના ઉલ્લંઘનને લઈને રાજ્યોને સલાહ આપી છે. રાજ્યોને લખેલા પત્રમાં કેન્દ્રીય ગૃહ સચિવે રાજ્યોને કોરોના નિયમોના ભંગ અંગે કડક પગલા ભરવા જણાવ્યું છે. કેન્દ્ર સરકારે હિલ સ્ટેશનો પર લોકોની વધતી ભીડ અને કોરોના માર્ગદર્શિકાના ભંગ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

ગૃહ સચિવ અજય ભલ્લાએ રાજ્ય સરકારોને પત્ર પાઠવીને તેમને પ્રતિબંધ લાદવા કહ્યું છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે તે સ્થળો પર જ્યાં કોરોના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું નથી, ત્યાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવે. પત્રમાં પર્વતો પર પ્રવાસીઓના ધસારાનો પણ ઉલ્લેખ છે. જૂન ૧૯ના રોજ ગૃહ મંત્રાલયે સક્રિય કેસોમાં ઘટાડો થતાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ધીમે ધીમે પ્રવૃત્તિઓ શરૂ કરવાની મંજૂરી આપી છે. જો કે પ્રતિબંધોમાં છૂટછાટ સાવધાનીપૂર્વક આપવામાં આવે તેવું જણાવાયું હતું.

અજય ભલ્લાએ રાજ્યોને કોવીડની ન્યાયી સારવારથી સંબંધિત નિયમોના અમલીકરણમાં કોઈ પણ ઢીલાઈ માટે અધિકારીઓને અંગત રીતે જવાબદાર ગણવામાં આવે તેવું જણાવ્યું છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ પણ પ્રતિષ્ઠાન, જાહેર જગ્યા કે બજારમાં કોવિડ-૧૯નાં યોગ્ય ધારાધોરણો જાળવવામાં ન આવે તો આ પ્રતિબંધોને ફરીથી લાગુ કરવા માટે જવાબદાર રહેશે. આવી સ્થિતિમાં સંબંધિત કાયદાઓ હેઠળ નિયમોનું પાલન ન કરનારાઓ સામે કાર્યવાહી થવી જોઈએ