કેન્દ્ર સરકારે મંગળવારે , 20મી જુલાઈના દિવસે દેશના ઉપલા ગૃહ- રાજ્યસભામાં જાણકારી આપી…કે, કોરોનાની બીજી લહેરના સંક્રમણ દરિમયાન આખા દેશમાં કોઈ પણ વ્યક્તિનું ઓક્સિજનની અછતને કારણે મૃત્યુ થયું નથી….

 

    તાજેતરમાં કેન્દ્રના સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, દેશના રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા પ્રાપ્ત અહેવાલો અનુસાર, દેશમાં  કોરોનાની બીજી લહેર દરમિયાન કોઈ પણ વ્યક્તિનું ઓકસિજનની અછતને કારણે મૃત્યુ થયુ નથી. સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના અંગેના કેસની સંખ્યા અને ગતિવિધિ અંગે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા માહિતી આપવામાં આવે છે. અમે ( કેન્દ્ર સરકાર) કોઈ પણ રાજ્યની સરકારને કોરોનાના આંકડા અંગે છેડછાડ  કરવાનું દબાણ કરતા નથી. કેન્દ્ર સરકારનું કામ રાજ્યો દ્વારા કોરોના અંગેના ડેટા મેળવીને તેને પ્રકાશિત કરવાનું હોય છે. મુખ્યમંત્રીઓ સાથે યોજાયેલી બેઠકમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જ વાત કરી હતી. કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે ગૃહમાં સરકારને સવાલ પૂછ્યો હતો કે, સડકો પર તેમજ હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં કોરોનાગ્રસ્ત લોકોના મૃત્યુ થયા હતા. કોરોનાની બીજી લહેરના સમયગાળા દરમિયાન ઓક્સિજન (સિલેન્ડર ) ની કમી – અછતને કારણે આવી પરિસ્થિતિ સર્જાવા પામી હતી. 

     ઉપરોક્ત સવાલનો જવાબ આપતાં ભારતના સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ઉપરોક્ત વિધાન કર્યું હતું.