કેન્દ્ર સરકારના પગલે ગુજરાત સરકારે ધોરણ ૧૨ની તમામ પરીક્ષાઓ રદ કરી

 

અમદાવાદઃ ગુજરાત સરકારે ગુજરાત ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજાતી ધોરણ-૧૨ની વાર્ષિક પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરી દીધાના એક દિવસ બાદ બુધવારે પરીક્ષા આ વર્ષ માટે રદ કરવાનો નિર્ણય લીધો છે. 

કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓના આરોગ્ય હિતમાં ધોરણ-૧૨ સીબીએસઇ પરીક્ષાઓ આ વર્ષે નહીં યોજવાની બુધવારે જાહેરાત કરી હતી. જેને અનુલક્ષીને બુધવારે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ સંદર્ભમાં વિશદ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને રાજ્ય સરકારે વડા પ્રધાનના આ નિર્ણયના સમર્થનમાં ગુજરાતમાં પણ ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ની આ વર્ષે યોજાનારી પરીક્ષાઓ રદ કરવાનો એટલે કે નહિ યોજવાનો ફેંસલો જાહેર કર્યો છે. 

શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આ બોર્ડની પરીક્ષાઓ અંગેની હવે પછીની આગળની કાર્યવાહી ભારત સરકારની  માર્ગદર્શિકા મુજબ રાજ્ય સરકાર કરશે. કેવી રીતે પરિણામ આપવું તેના અંગેનો નિર્ણય હજુ કરવાનો બાકી છે. શિક્ષણપ્રધાને વધુમાં કહ્યું કે, ગુજરાતમાં જે રેગ્યુલર વિદ્યાર્થીઓ છે તેના માટે આ નિર્ણય લાગુ પડશે. રિપીટર વિદ્યાર્થીઓ માટેનો નિર્ણય આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. આ સાથે આગામી તા. ૭મી જૂનથી શરૂ થઇ  રહેલા નવા શૈક્ષણિક સત્રમાં પણ ઓનલાઇન એજ્યુકેશનની પદ્ધતિ પ્રવર્તમાન કોરોના સ્થિતિને અનુલક્ષીને યથાવત રહેશે. 

અત્રે નોંધવું ઘટે કે, કેન્દ્રની મોદી સરકારે જે રીતે પરીક્ષા રદ્દ કરી છે તે જોતા ગુજરાતમાં પણ ધો.૧૨ સાયન્સ તેમજ સામાન્ય પ્રવાહના ૬,૯૨,૦૦૦ વિદ્યાર્થીની પરીક્ષા રદ્દ થઇ છે. ધો.૧૨ સાયન્સના ૧,૪૦,૦૦૦ અને સામાન્ય પ્રવાહના ૫,૫૨.૦૦૦ મળીને ૬,૯૨,૦૦૦ વિદ્યાર્થી ગુજરાત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓમાં અભ્યાસ કરે છે. 

અગાઉ આ વિદ્યાર્થીઓની તા.૧ જુનથી પરીક્ષા લેવાનો નિર્ણય કરી પરીક્ષા કાર્યક્રમ પણ મંગળવારે જાહેર કર્યો હતો. રાજ્યના દરેક જિલ્લામાં અને પરીક્ષા કેન્દ્રો છે તેવી સ્કૂલોમાં પરીક્ષાની તૈયારી હાથ ધરાઇ હતી, પરીક્ષા કેન્દ્રો પણ નક્કી કરવાનું ચાલુ કરાયું હતું. વડા પ્રધાનના સીબીએસઇની પરીક્ષા રદ થવા અંગેના નિર્ણય બાદ ગુજરાત સરકાર કફોડી સ્થિતિમાં મુકાઇ ગઇ હતી. બુધવારે મોડી રાત સુધી ગુજરાતના મુખ્યપ્રધાન, શિક્ષણપ્રધાન, શિક્ષણ વિભાગના અધિકારીઓ વચ્ચે સતત બેઠકો યોજાઇ હતી અને સીબીએસઇની પરીક્ષા રદ્દ થયા બાદ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.૧૨ની પરીક્ષા અંગેની ફેર વિચારણા કરવી કે કેમ તે મામલે સતત મનોમંથન કરવામાં આવ્યું હતું. 

ગુજરાતના વાલી મંડળે પણ સીબીએસઇ બોર્ડ ધોરણ ૧૨ની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય આવકારવાની સાથે જ ગુજરાત સરકાર ધોરણ ૧૨ની પરીક્ષા રદ કરે તેવી માંગણી કરી હતી. ગુજરાત સરકાર, ધોરણ-૧૨ના બોર્ડની પરીક્ષા આપનાર ૧૮ વર્ષથી વધુ વયના તમામ વિદ્યાર્થીઓને વેક્સિન આપવા અંગે વિચારણા કરી રહી હતી અને આ હેતુસર વેક્સિનેશન ઝુંબેશ હાથ ધરવામાં આવશે તેવી માહિતી પણ સામે આવી હતી. વેક્સિનેશન ઝૂંબેશ હેઠળ ધોરણ-૧૨ અને ધોરણ-૧૦ની પરીક્ષામાં રીપીટ થનાર ૧૦ લાખ વિદ્યાર્થીઓ પૈકી ૬ લાખ વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવશે તેવી વાત હતી. આ સંદર્ભે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રાસિંહ ચુડાસમાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં ૧૮ વર્ષથી વધુ વય જુથના તમામ વિદ્યાર્થીઓનો જિલ્લાવાર ડેટાનું એનાલિસીસ કર્યું છે. વેક્સિનના ઉપલબ્ધ જથ્થાને આધારે આ વિદ્યાર્થીઓને રસી અપાશે. રાજ્ય સરકારે, આ વેક્સિનેશન ઝુંબેશ હાથ ધરવા માટે સહાય કરવા- સમર્થન આપવા કેન્દ્ર સરકારને વિનંતી કરશે