કેન્દ્ર સરકારના કૃષિ – કાનૂનોનો સામે સમગ્ર દેશના ખેડૂતોનો ઉગ્ર વિરોધ : કિસાન સંગઠનો સાથે વાતચીત નિષ્ફળ 

 

     કેન્દ્ર સરકાર ત્રણ કૃષિ કાનૂન લાગુ કરવા જઈ રહી છે. જે કાનૂન ખેડૂતોના હિત- વિરોધી ગણાવીને દેશના જુદા જુદા રાજ્યોમાં એ કાનૂનના વિરોધમાં ઠેર ઠેર પ્રદશર્ન થઈ રહ્યા છે. પંજાબ, રાજસ્થાન અને દિલ્હીમાં કિસાનોની રેલીઓ યોજાઈ રહી છે. મંગળવારે 1લી ડિસેમ્બરે કેન્દ્ર સરકાર સાથે યોજાયેલી ખેડૂતોના સંગઠનોની મંત્રણા નિષ્ફળ ગઈ હોવાનું સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું. વાતચીત દરમિયાન સરકારે સંગઠનોને જણાવ્યું હતું કે, કૃષિ વિષયક ત્રણે કાનૂનમાં જે જે મુદાંઓ સંબંધિત તેમને વાંધો હોય તેનો સ્પષ્ટ નિર્દેશ કરે. કેન્દ્ર સરકાર સાથે થયેલી મંત્રણામાં પંજાબ કિસાન સંગઠનના પ્રતિનિધિઓ, હરિયાણા તેમજ યુપીના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર સાથે થયેલી ખેડૂતોની મંત્રણાનો કોઈ નિષ્કર્ષ નીકળી શક્યો નથી. કેન્દ્ર સરકારે ખેડૂતોએ રજૂ કરેલા મુદા્ઓ પર વિચાર કરવા માટે એક કમિટી રચવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેનો ખેડૂતોએ સ્વીકાર કર્યો નહોતો.ખેડૂતોએ જણાવ્યું હતું કે, તેઓ આંદોલન ચાલુ રાખશે. આગામી ગુરુવારે  3 ડિસેમ્બરે ફરીથી વાતચીત શરૂ થવાની શક્યતા છે. એ દરમિયાન દિલ્હીને સ્પર્શતી સીમાઓ પર પોલીસનો મજબૂત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દરેક વાહનનું કડકાઈથી ચેકિંગ કરવામાં આવે છે. દિલ્હીની સીમાઓ પર વાહનોની મોટી કતારો લાગી છે.  જો કે કેન્દ્ર સરકારના ત્રણે કૃષિ વિષયક કાનૂન સામે દિલ્હીમાં ખેડૂતો ઉગ્ર આંદોલન કરી રહ્યા છે. આંદોલનના છઠ્ઠા દિવસે પણ પરિસ્થિતિમાં લેશ માત્રફરક પડ્યો નથી. ખેડૂતોની માગણી એવી છે કે , સરકાર સૌ પ્રથમ એના ત્રણે કાનૂન પાછા લઈ લે, ત્યારબાદ જ વાતચીત કરવી સંભવ છે. ખેડૂતોના સંગઠનો સાથે યોજાયેલી મંત્રણામાં કૃષિમંત્રી  નરેન્દ્ર સિંહ તોમર તેમજ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને  વાણિજ્યમંત્રી સોમ પ્રકાશે ભાગ લીધો હતો