કેન્દ્રીય મંત્રી નીિતન ગડકરીએ ગુજરાતને બે હજાર કરોડનાં વિકાસ કામોની ભેટ

અમદાવાદ: ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ઇન્ડિયન રોડ કોંગ્રેસના 82મા દ્વિપક્ષીય અધિવેશનના પ્રારંભે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સેન્ટ્રલ રોડ ફંડ-સીઆરએફમાં રૂ. 1,000 કરોડ તેમજ સેતુ ભારત હેઠળ રૂ. 1,000 કરોડ એમ કુલ રૂ. 2,000 કરોડના વિકાસકામોની ગુજરાતને ભેટ આપી હતી. માર્ગ પરિવહન – રાજમાર્ગ મંત્રી ગડકરીએ જણાવ્યું હતું કે, સિવિલ ઇજનેરો આધુનિક ભારતના નિર્માતા-વિશ્વકર્મા છે. તેમના દ્વારા નિર્મિત રોડ સહિતના વિકાસકામો દેશ-આવનાર પેઢીઓ હંમેશા યાદ રાખશે. રોડ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે કોસ્ટ ઈફેક્ટિવ, અલટરનેટિવ મટિરિયલ ઓપ્શન, ઇકોલોજી એન્ડ એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન અને ટાઇમ મેનેજમેન્ટ એમ ચાર બાબતો સૌથી મહત્વપૂર્ણ છે. આ ચાર બાબતોના સંકલનના અભાવે રોડ પ્રોજેક્ટમાં વિલંબ થતા હોય છે જેને કારણે સરકાર અને કંપનીઓને કરોડોનું નુકસાન થાય છે.
કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, ગુજરાત સરકારે અમદાવાદ-ધોલેરા હાઇવે બનાવવા માટે લાખો ટન પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને એક ઇકોલોજીકલ પર્યાવરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પર્યાવરણના ભોગે વિકાસ કરવો યોગ્ય નથી. નવીન રોડ બનાવવા માટે વૃક્ષો કાપવા કરતા તે વૃક્ષોનું યોગ્ય જગ્યાએ ટ્રાન્સપ્લાન્ટ કરવું વધુ ઉત્તમ રહેશે. દેશમાં થતી રોડ દુર્ઘટનાઓને ટાળવા માટે તેમણે રોડ કન્સ્ટ્રક્શન એન્જિનિયારિંગ પર વધારે ધ્યાન આપવા અનુરોધ કર્યો હતો. સાથે જ તેમણે દેશના વિકાસદરને વેગ આપવા માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ ધોરણનો ઉપયોગ કરવા પર પણ ભાર મૂક્યો હતો. વધુમાં તેમણે મહારાષ્ટ્રનું ઉદાહરણ આપતા કહ્યું કે, મહારાષ્ટ્રના ગામડાઓને રોડ કનેક્ટિવટી પૂરી પાડવા તેમણે વધુમાં વધુ બજેટ ખર્ચ કર્યું હતું, અને તેની ભરપાઈ માટે મુંબઈના રોડ-રસ્તા કામ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપથી પૂર્ણ કર્યા હતા. રોડ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે પણ ઇનોવેટિવ મોડલથી રેવન્યુ જનરેટ કરી શકાય તેમ છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાષ્ટ્ર અને રાજ્યના વિકાસને ગતિ આપવામાં સુદ્રઢ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મહત્વનું પરિબળ ગણાવ્યું હતું. તેમણે વિકસિત ભારત 2047ને સાકાર કરવા રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સડક તથા બ્રિજ નિર્માણમાં ગ્લોબલ ટેકનોલોજીના ઉપયોગ સાથે ક્વોલિટી વર્ક એપ્રોચ પણ અપનાવવા અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું કે,ગ્લોબલ વોર્મિંગની સમસ્યા બદલાતા વાતાવરણ સાથે સડક નિર્માણ, બ્રિજ ડિઝાઇન્સમાં સમયાનુકુલ બદલાવ જરૂરી છે. નિર્માણ કાર્યમાં ગ્લોબલ ટેક્નોલોજી અને અપડેટેડ મશીનરીની જાણકારી આપવા સરકાર દ્વારા આયોજિત પ્રદર્શનો લાભ લેવા પણ તેમણે અપીલ કરી હતી.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યમાં નાના મોટા પુલોનો સરવે કરી દેવાયો છે અને જરૂરિયાત મુજબ સ્ટ્રેન્ધનીંગ કામોને પ્રાયોરિટી પણ આપી છે. તથા રાજ્યના પાંચ હાઇસ્પીડ કોરીડોર નિર્માણ પ્રગતિમાં છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ કોફી ટેબલ બુક અને સુવિનેયરના વિમોચ પણ આ અધિવેશનના પ્રારંભ અવસરે કર્યા હતા તેમજ રોડ ક્ષેત્રે શ્રેષ્ઠ રીસર્ચ પેપર રજૂ કરનાર વિવિધ રાજ્યોના ઈજનેરોનું મહાનુભાવોના હસ્તે એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીએ મહાત્મા મંદિર ખાતે ઇન્ડિયન રોડ કોંગ્રેસ- આઈઆરસી દ્વારા આયોજિત 121 સ્ટોલ્સનું વિશાળ પ્રદર્શન નિહાળીને તલસ્પર્શી માહિતી મેળવી હતી.