કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વિકાસ કાર્યોમાં ઢીલ બદલ પોતાની જ સરકારને ઘેરી

 

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના નવા સંસદીય બોર્ડ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્યોના નામની જાહેરાત કરવામાં આવી હતી. નીતિન ગડકરીને પાર્લામેન્ટરી બોર્ડમાંથી આઉટ અને દેવેન્દ્ર ફડણવીસને સેન્ટ્રલ ઇલેક્શન કમિટીમાં ઇન કરવામાં આવ્યા. બંને નાગપુરથી આવે છે અને સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરતા મિનિસ્ટરને ભાજપના અતિ મહત્વના બોર્ડમાંથી હટાવાતા આશ્ર્ચર્ય થયું હતું. નીતિન ગડકરીની નારાજગી પણ સામે આવી રહી છે. એસોસિયેશન ઓફ કન્સલ્ટિગ સિવિલ એન્જિનિયર્સ દ્વારા આયોજિત એક કાર્યક્રમ, એનએટીસીઓએન ૨૦૨૨માં મુખ્ય અતિથિ તરીકેના તેમના સંબોધનમાં તેમની નારાજગી સ્પષ્ટપણે ઝળકી રહી હતી. નીતિન ગડકરીએ વિકાસ કાર્યોમાં ઢીલ બદલ પોતાની જ પાર્ટીની સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું, પ્રોજેક્ટ તૈયાર છે. પરંતુ તે સમયસર કેવી રીતે પૂર્ણ થાય તેના પર ધ્યાન આપવાની જ‚ર છે. સરકારની સૌથી મોટી સમસ્યા એ છે કે તે સમયસર નિર્ણયો લેતી નથી. આમ કહીને નીતિન ગડકરીએ એક રીતે પોતાની જ સરકાર પર આડકતરી રીતે નિશાન સાધ્યુ હતુ. ગડકરી વિશે એક વાત બધા જાણે છે કે તેઓ પોતાનો અભિપ્રાય મુક્તપણે કોઇ ખચકાટ વિના આપે છે. તેઓ એક નીડર અને એક એવા મંત્રી છે જેમણે મોદી સરકારનું શ્રેષ્ઠ કામ બતાવ્યું છે. તેમણે ભૂતકાળમાં આવા ઘણા કામ કર્યા છે જેણે રેકોર્ડ બનાવ્યા છે. તેઓ દાવો કરે છે કે બે વર્ષમાં તેઓ દેશમાં અમેરિકા કરતાં વધુ સારો રસ્તા બનાવીને બતાવશે. વિપક્ષો પણ તેમની વિકાસની દ્રષ્ટિ અને કાર્ય શક્તિ પર સવાલો ઉઠાવતા નથી, પરંતુ જ્યારે તેમને તેમના જ પક્ષમાંથી સૌથી મહત્વપૂર્ણ બોર્ડમાંથી બહાર ફેંકી દેવામાં આવે છે ત્યારે પ્રશ્ર્નો ઉભા થાય છે. નીતિન ગડકરી ભાજપના પ્રથમ શ્રેણીના નેતા છે. સમગ્ર વિશ્ર્વમાં તેમના કામનું સન્માન કરવામાં આવે છે, પરંતુ તેમના કાર્યને તેમના જ પક્ષમાં સન્માન આપવામાં આવતું નથી