
કેન્દ્રના જળ- શક્તિ મંત્રી ગજેન્દ્રસિંહે તાજેતરમાં જણાવ્યું હતું કે, જો લોકોને પાણીનો બચાવ કરવાની જવાબદારીનું ભાન નહિ થાય તો ભવિષ્યમાં ભારતના મોટાભાગના લોકોને એના માઠા પરિણામ ભોગવવા પડશે. જો જળ- સંરક્ષણ નહિ કરવામાં આવે તો ચેન્નઈ અને બેંગલુરુની હાલત પણ દક્ષિણ આફ્રિકાના કેપટાઉન જેવી થશે.
2017-18માં દક્ષિણ આફ્રિકામાં પાણીની ભીષણ તંગી ઊભી થઈ હતી. ત્યાં પાણી લગભગ ખતમ થઈ ગયું હતું. ત્યારે ત્યાં ડે જીરો યોજના શરૂ કરવામાં આવી હતી. જેની અંતગર્ત, સપ્તાહમાં એકવાર શહેરના બધા પાણી પૂરું પાડતા નળ બંધ કરી દેવામાં આવ્યા હતા. એક દિવસ માટે આખા શહેરનો પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. લોકો પાણીનું મહત્વ સમજે, એનો બચાવ કરતાં શીખે તે માટે આ પગલું લેવામાં આવ્યું હતું. ભારતમાં વધી રહેલું શહેરીકરણ, જનસંખ્યાનો વિસ્ફોટ અને કમજોર જળ- વ્યવસ્થાને કારણે પાણી ઘટી રહ્યું છે.
બેંગલુરુમાં ભૂમિગત જળસ્તરમાં ઘટાડો થઈ રહ્યો છે. તળાવોનું પાણી ફીણવાળું ઝેરીલું થઈ રહ્યું છે. મોટા શહેરોમાં પાઇપ લાઈનો દ્વારા પાણીનો પુરવઠો પૂરતી માત્રામાં પહોંચતો નથી. લોકોને ટેન્કરોના પાણી પર આધાર રાખવો પડે છે. ભારતના મોટાભાગના શહેરોમાં આવી હાલત છે. ભારતમાં લોકો નદીઓની પૂજા કરે છે, પરંતુ જળસ્ત્રોત સૌથી વધુ પ્રદૂષણોયુક્ત હોય છે.