કેન્દ્રીય ગૃહ પ્રધાન અજય મિશ્રાની હકાલપટ્ટીની માંગ સાથે સંસદમાં ધમાલ

 

નવી દિલ્હીઃ ખેડૂતોનો મુદ્દો હજુ સરકારનો પીછો છોડી રહ્યો નથી. કૃષિ કાયદાઓને રદ્દ કર્યા બાદ એક નવો મુદ્દો ઉપસ્થિત થયો છે. યુપીની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)એ કોર્ટ સમક્ષ રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યું છે કે લખીમપુર ખીરીમાં ચાર ખેડૂતો અને એક પત્રકારની હત્યાના મામલે અજય મિશ્રાના દીકરા આશિષ સહિત તેર આરોપીઓએ પૂર્વ નિયોજિત કાવતરું હતું. આને પગલે મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસને સરકાર પર હુમલો કરવા નવું હથિયાર મળ્યું છે. 

આરોપી આશિષના પિતા, કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન અજય મિશ્રાને પડતા મુકવાની માગણી કરતા લોકસભામાં ધાંધલ મચ્યા બાદ પૂરા દિવસનું કામકાજ સ્થગિત કરવામાં આવ્યું હતું. વિરોધ પક્ષોએ માગણી કરી હતી કે મિશ્રાને પડતા મુકવામાં આવે અને આ મુદ્દે ગૃહમાં ચર્ચા હાથ ધરાય. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, લખીમપુર ખીરી હિંસાના પીડિતોને ન્યાય મળે એ માટે પ્રધાનને પડતા મુકવા જોઇએ. રાજ્યસભાના ગૃહના નેતા કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે પત્રકારોને જણાવ્યું કે, કેસ કોર્ટમાં ચાલી રહ્યો હોવાથી ગૃહમાં ચર્ચા કરવાનો સવાલ જ ઉપસ્થિત થતો નથી. 

સુપ્રીમ કોર્ટના આદેશને પગલે કેસની તપાસ થઈ રહી છે. એટલે સંસદીય નિયમો અંતર્ગત કોર્ટમાં ચાલી રહેલા કેસોની ચર્ચા ગૃહમાં થઈ શકે નહીં. ગૃહ રાજ્ય પ્રધાન અજય મિશ્રા ટેનીના રાજીનામાની માગણી અંગેના પ્રશ્નના જવાબમાં ગોયલે કહ્યું, જ્યારે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તપાસ થઈ રહી હોય તો આવી માગણી યોગ્ય ન ગણાય. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ લોકસભામાંની કાર્યવાહી મોકુફ રાખવાની માગણી કરવાની સાથે લખીમપુર ખીરી ઘટના અંગેના એસઆઇટીના અહેવાલ મામલે ચર્ચા કરવાની માગણી કરી હતી. 

કોંગ્રેસના નેતાએ લોકસભાના સેક્રેટરી જનરલને મોકલાવેલી તેમની નોટિસમાં જણાવ્યું હતું કે, યુપી પોલીસની એસઆઇટીના અહેવાલમાં જણાવ્યું છે કે લખીમપુર ખીરીમાં ખેડૂતોનો નરસંહાર એ પૂર્વ નિયોજિત કાવતરું હતું, નહીં કે બેદરકારીનો કિસ્સો. એસઆઇટીએ તમામ આરોપીઓ વિરુદ્ધના આરોપોમાં સુધારો કરવાની ભલામણ કરવામાં આવી છે. રાહુલ ગાંધીએ તેમની નોટિસમાં જણાવ્યું હતું કે, સરકારે ગૃહ રાજ્ય પ્રધાનને તુરંત પડતા મુકવા જોઇએ અને પીડિતોના પરિવારોને ન્યાય મળે એ સુનિશ્ચિત કરવું જોઇએ. પત્રકારો સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે લખીમપુર ખીરી હિંચાના પીડિતોને ન્યાય મળી શકે એ માટે સરકારે પ્રધાનને પડતા મુકવા જોઇએ. સંસદના બંને ગૃહોમા કોંગ્રેસના સભ્યોએ લખીમપુર ખીરી ઘટનાની ચર્ચા કરવા અને કાર્યવાહી જબરજસ્તી સ્થગિત કરવાની માગણી સાથે ધાંધલ કરી હતી. રાજ્યસભામાં સંસદના શિયાળુ અધિવેશનમાં બાર સભ્યોના સસ્પેન્શન મુદ્દે વિરોધ પક્ષના સભ્યોની ધમાલ બાદ ગૃહને પહેલાં બપોરના બાર વાગ્યા સુધી સ્થગિત કરાયું હતું. બપોરે બાર વાગ્યા કાર્યવાહી ફરી શરૂ કરવામાં આવી ત્યારે નાયબ અધ્યક્ષ હરિવંશે પ્રશ્નોત્તરીના સમયની શરૂઆત કરી કે તુરંત વિરોધ પક્ષોએ સસ્પેન્શન રદ કરવાની માગણી શરૂ કરી હતી.