કેન્દ્રીયમંત્રી નારાયણ રાણેને મોડી રાત્રે જામીન મળી ગયાઃ જેલમાંથી છૂટકારો થયોઃ-

 

 મહારાષ્ટ્રની પોલીસે ગત મંગળવારે બપોરે લગભગ 2.25 વાગે રાણેની ઘરપકડ કરી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે વિરુધ્ધ અભદ્ર નિવેદન આપવાને કારણે તેમની ધરપકડ કરવામાં આવી હતી. નારાયણ રાણેને મહાડ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અહીં તેમના વકીલે તેમના સ્વાસ્થ્યની સ્થિતિ અંગે રજૂઆત કરીને જામીન માટે અપીલ કરી હતી. અદાલતે તેમની જામીન અરજી સ્વીકારી હતી. નારાયણ રાણે સૂક્ષ્મ, લધુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો બાબતના કેન્દ્રીય મંત્રી છે. જુલાઈમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટ માં જોડાયા હતા.

  નારાયણ રાણેએ દાવો કર્યો હતો કે, સ્વાતંત્ર્ય દિનના અવસર પર પોતાના સંબોધનમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે ભૂલી ગયા હતા કે, દેશની આઝાદીને કેટલા વરસ થયા છે. રત્નાગિરિ જિલ્લામાં જન- આશીર્વાદ યાત્રા દરમિયાન નારાયણ રાણેએ કહ્યું હતું કે, આ શરમજનક વાત છે કે, મુખ્યમંત્રીને એ વાતની ખબર જ નથી કે દેશની આઝાદીને કેટલા વરસ થયા છે. હું જો એ વખતે ત્યાં હાજર હોત તો તેમને એક જોરદાર તમાચો મારી દીધો હોત…

  મહારાષ્ટ્ર સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે, અમારો વિચાર લોકોને સંદેશ આપવાનો હતો કે કાયદાથી કોઈ ઉપર નથી. રાણેને જામીન મળ્યા તેનાથી મહારાષ્ટ્ર સરકારનો કોઈ સમસ્યા નથી. કેન્દ્રીય મંત્રી વિરુધ્ધ કેસને આગળ વધારવાનો અમારો કોઈ ઈરાદો નથી. મુખ્યપ્રધાન પદની ગરિમાને જાળવવી જરૂરી છે.