નવી દિલ્હીઃ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની ૪૪મી બેઠકમાં કોવિડ સંબંધિત દવા અને એમ્બ્યુલન્સ વગેરે જેવી અન્ય આવશ્યક ચીજો પર જીએસટીના દર ઘટાડવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે જરૂરીયાત મુજબ આ તમામ આવશ્યક ચીજો પર જીએસટીના જુદા જુદા દરો ઘટાડ્યા છે. એ જાણવું રહ્યું કે જીએસટી કાઉન્સિલ દ્વારા કોરોના વાઇરસમાં ઉપયોગમાં લેવાતા ઉપકરણો અને દવાઓ પરના જીએસટીના દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે, તેમની માન્યતા ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધી રહેશે.
જીએસટી કાઉન્સિલની બેઠકમાં લીધેલા નિર્ણયો વિશે માહિતી આપતાં નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું કે કાઉન્સિલ રસી ઉપર પાંચ ટકાના ટેક્સ દર જાળવવા સંમત છે. પરંતુ તે જ સમયે એમ્બ્યુલન્સ પરનો જીએસટીનો દર ૨૮ ટકાથી ઘટાડીને ૧૨ ટકા કરવામાં આવ્યો છે. તાપમાન ચકાસણી ઉપકરણો માટે જીએસટીનો દર ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે.
દેશમાં કાળા ફૂગના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કાઉન્સિલે તેની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવા એમ્ફોટેરિસિન બી પરનો જીએસટીનો દર ન વસુલવાનો નિર્ણય કર્યો છે. સરકારે ટોસિલીઝુમાબ અને એમ્ફોટેરિસિન બી પરના કરનો દર શૂન્ય કરી દીધો છે. અગાઉ તેઓ પર પાંચ ટકાનો વેરો વસૂલવામાં આવતો હતો.