કેન્દ્રના ગૃહ મંત્રાલયે રાહુલ ગાંધીને નોટિસ મોકલીને જવાબ માગ્યોઃ તમારી નાગરિકતા અંગે 15 દિવસમાં સ્પષ્ટતા કરો.

0
915
REUTERS

 

REUTERS

ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી વારંવાર નિવેદન કરતા રહ્યા છે કે, રાહુલ ગાંધી ભારતની નાગરિકતા ધરાવતા નથી. તેઓ પાસે બ્રિટિશ નાગરિકતા છે. સ્વામી રાહુલની નાગરિકતા બાબત અનેકવાર આક્ષેપ કરી ચૂકી છે. એ અંગે જરૂરી તપાસ કરવાની પણ તેમણે કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી. હવે હાલમાં જયારે સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ ગાજી રહ્યો છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની નાગરિકતાનો મામલો વિવાદાસ્પદ બન્યો છે. હવે આ અંગે કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્વારા રાહુલ ગાંધીને નોટિસ મોકલવામાં આવી હોવાનું સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું. રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું છે કે, તમારી બ્રિટિશ નાગરિકતાને લઈને ફરિયાદ કરવામાં આવી છે, તો એ અંગે આપનું વલણ સ્પષ્ટ કરોઅને તથ્ય રજૂ કરો. રાહુલ ગાંધીને જવાબ આપવા માટે 15 દિવસની મહેતલ આપવામાં આવી છે.

  રાહુલ ગાંધી પર કરવામાં આવેલા આ આક્ષેપને કારણે ભાજપ અને કોંગ્રેસ એકમેકની સામસામે આવી ગયા છે. આ નોટિસ અંગે વાત કરતાં કોંગ્રેસે એવી સ્પષ્ટતા કરી છે કે, રાહુલ ગાંધી જન્મજાત ભારતીય છે અને એ હકીકત આખી દુનિયાને ખબર છે. રાહુલ ગાંધીને નોટિસ મોકલીને સ્પષ્ટતા માગવાની કામગીરી એ તો રાબેતા મુજબની પ્રક્રિયા હોવાનું ગૃહપ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું. આ મામલા અંગે ભાજપે રાહુલ ગાંધીને પ્રશ્ન કર્યો હતો કે, કયા રાહુલ સાચા , લંડનવાળા કે લુટિયનવ્સવાળા ??

કેન્દ્રના ગૃહ મંત્રાલયે આ નોટિસ ભાજપના રાજયસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદને આધારે મોકલી છે. 29મી એપ્રિલે નાગરિકતા વિભાગના ડિરેકટર બી સી જોશી દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું હતું કે, એક કંપનીના દસ્તાવેજોમાં આપની નાગરિકતા બ્રિટિશ હોવાનું જણાવવામાં આવ્યું છે તે બાબત આપ યોગ્ય તથ્ય પેશ કરો.

      સુબ્રમણ્યમ સ્વામી ગૃહ મંત્રાલયને રાહુલ ગાંધીની નાગરિકતા વિરુધ્ધ બેવાર પત્ર લખી ચુક્યા છે. ગત 21મી સપ્ટેમબર, 2017ના સુબ્રમણ્યમ સ્વામીએ આ વિષે ફરિયાદ કરી હતી. હવે 29 એપ્રિલ, 2019ના દિવસે સુબ્રમણ્યમસ્વામીએ ફરી ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો છે. સ્વામીએ પોતાના પત્રમાં રાહુલ ગાંધી પાસે બ્રિટિશ નાગરિક હોવાનો દાવો કર્યો હતો. આ પત્રની બીના પર જ સરકાર દ્વારા રાહુલ ગાંધીને નોટિસ મોકલવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું.