કેનેડિયન નાગરિકો માટે ટૂંક સમયમાં વિઝા સેવા શરૂ કરાશેઃ વિદેશ પ્રધાન એસ. જયશંકર

નવી દિલ્હીઃ વિદેશ પ્રધાન એસ. જયશંકરે રવિવારે કહ્યું હતું કે જો ભારત કેનેડામાં તેના રાજદ્વારીઓની સુરક્ષામાં પ્રગતિ જોશે તો કેનેડિયન નાગરિકો માટે “ખૂબ જ જલ્દી” વિઝા સેવાઓ ફરી શરૂ કરવાનું વિચારી શકે છે. જયશંકરે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે કેનેડા સાથે રાજદ્વારીઓની સંખ્યામાં સમાનતા સુનિશ્ચિત કરવાનો ભારતનો નિર્ણય વિયેના સંમેલન સાથે સુસંગત છે. તેમણે કહ્યું હતું કે થોડા અઠવાડિયા પહેલા ભારતે વિઝા સેવાઓને અસ્થાયી રૂપે અટકાવવા પાછળના મુખ્ય કારણો કેનેડામાં ભારતના રાજદ્વારીઓની સુરક્ષાની ચિંતાઓ અને ભારતીય અધિકારીઓને સુરક્ષિત વાતાવરણ પ્રદાન કરવામાં ઓટ્ટાવાની અસમર્થતા હતી. ભારત અને કેનેડા વચ્ચે તણાવનું કારણ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા છે. કેનેડાએ આ માટે ભારતને જવાબદાર ઠેરવ્યું હતું. આ સાથે કેનેડાએ એક ભારતીય રાજદ્વારીને ઓટાવા છોડવા કહ્યું હતું. ભારતે કેનેડા દ્વારા કરવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા હતા, જે બાદ ભારતે ભારતમાં હાજર કેનેડિયન રાજદ્વારીને ભારત છોડવાનો આદેશ આપીને વળતો જવાબ આપ્યો હતો. આ પછી ભારતે કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવા સ્થગિત કરી દીધી. જયશંકરે કહ્યું હતું કે, ‘જો અમે કેનેડામાં અમારા રાજદ્વારીઓની સુરક્ષામાં સંતોષજનક પ્રગતિ જોઈશું, તો અમે વિઝા સેવા શરૂ કરવાનું વિચારીશું. હું આશા રાખું છું કે આ ખૂબ જ જલ્દી થવું જોઈએ. અમે વિઝા સેવા પ્રક્રિયા બંધ કરી દીધી હતી તેનું કારણ એ હતું કે અમારા રાજદ્વારીઓ માટે કામ પર જવું સલામત ન હતું. તેમની સલામતીને ધ્યાનમાં રાખીને, અમારે અસ્થાયી રૂપે વિઝા સેવા બંધ કરવી પડી હતી.’