કેનેડામાં ખાલિસ્તાની અને ભારતીયો સામસામે

ટોરોન્ટોઃ કેનેડામાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર લગભગ 250 ખાલિસ્તાની વિરોધીઓએ ધ્વજ લહેરાવ્યો અને સૂત્રોચ્ચાર કર્યા. જેના જવાબમાં ભારતીય સમુદાયના લોકો પણ તિરંગો લઈને ત્યાં હાજર હતા. તેઓએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા હતા. આ દરમિયાન તેમના હાથમાં પ્લેકાર્ડ પર ‘ખાલિસ્તાની શીખ નહીં હોતે’ના નારા લખવામાં આવ્યા હતા. ભારતીયોના દેખાવો અને સૂત્રોચ્ચાર સામે ખાલિસ્તાનીઓની રેલી ઉમટી પડી હતી. વિરોધ દરમિયાન બંને પક્ષના સમર્થકો સામસામે જોવા મળ્યા હતા. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ખાલિસ્તાની સમર્થકોએ 8 જુલાઈએ અમેરિકા, બ્રિટન અને કેનેડામાં ‘કીલ ઈન્ડિયા’ રેલી કાઢવાની જાહેરાત કરી હતી.
આ દરમિયાન ખાલિસ્તાનીઓએ કેનેડાના બ્રેમ્પટનમાં બનેલા ભારત માતાના મંદિરની બહાર શરમજનક કૃત્ય કર્યું હતું. ખાલિસ્તાની સમર્થકોએ અહીં પોસ્ટર લગાવ્યા હતા અને તસવીરો સાથે ભારતીય રાજદ્વારીઓને ધમકી આપી હતી. કેનેડામાં ભારતીય સમુદાયના લોકોએ તેનો વિરોધ કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ખાલિસ્તાનીઓના પ્રદર્શનનું નેતૃત્વ આતંકવાદીઓ ગુરુપતવંત સિંહ પન્નુ અને પરમજીત સિંહ પમ્માએ કર્યું હતું. તેના પર પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI પાસેથી ફંડિંગ લેવાનો આરોપ છે. ખાલિસ્તાની સમર્થકોએ હરદીપ સિંહ નિજ્જરનું પોસ્ટર પકડી રાખ્યું હતું, જેની કોલંબિયામાં 18 જૂને હત્યા કરવામાં આવી હતી.
બીજી તરફ બ્રિટન અને ઓસ્ટ્રેલિયામાં ભારતીય દૂતાવાસોની બહાર ભીડ એકઠી થઈ શકી ન હતી. લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર લગભગ 30-40 ખાલિસ્તાની સમર્થકો ઝંડા લઈને જતા જોવા મળ્યા હતા. આતંકવાદી પરમજીત સિંહ પમ્માએ તેનું નેતૃત્વ કર્યું હતું. આ દરમિયાન પોલીસ ફોર્સ પણ ત્યાં હાજર હતો. જોકે, આતંકવાદી પમ્મા સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ભીડના અભાવે, આ પ્રદર્શન નિર્ધારિત સમય પહેલા સમાપ્ત થઈ ગયું.
ખાલિસ્તાનના નારા લગાવીને ભારતમાં અલગ દેશની માગણી કરી રહેલા ખાલિસ્તાની સમર્થકોને હવે વિદેશમાં ઓછું સમર્થન મળી રહ્યું છે. તેની પાછળનું કારણ ભારત સરકાર દ્વારા બનાવવામાં આવી રહેલું દબાણ અને ખાલિસ્તાની સમર્થકો તરફથી ભારતીય દૂતાવાસ અને રાજદ્વારીઓને નુકસાન પહોંચાડવાની ધમકીઓ છે.
હવે કેનેડા, અમેરિકા, યુકે અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ પણ પીછેહઠ શરૂ કરી દીધી છે. તમામ દેશોના વિદેશ મંત્રાલયોએ સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ તેમની ધરતી પર આતંકવાદી ગતિવિધિઓને મંજૂરી નહીં આપે.