કેદારનાથમાં બદલાતા વાતાવરણ વચ્ચે જીવના જોખમે યાત્રા

 

રૂદ્ર પ્રયાગઃ કેદારનાથમાં વારંવાર બદલાતુ વાતાવરણ યાત્રળુઓ માટે મુશ્કેલ બની રહ્યું છે. વરસાદ, અતિવૃષ્ટિ તેમજ ઉંચાઈવાળા પહાડો ઉપરના બરફના કારણે કેદારપુરીમાં ઠંડી વધી રહી છે, જેના કારણે હાઈપોથર્મિયાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. અહીં દિવસ અને રાતના તાપમાનમાં ૧૮થી ૨૧ ડિગ્રીનો તફાવત છે. રામબાડાથી રૂદ્રા પોઈન્ટ સુધીના પદયાત્રાવાળા માર્ગમાં ચાર કિમીનું ચઢાણ લોકોને ભારે પડી રહ્યુ છે. દ્વાર ખુલ્યા પછી અત્યાર સુધીમાં ૭૧ યાત્રળુઓના મોત થઈ ચુક્યાં છે જે પૈકીના અનેકને હાર્ટ એટેક આવ્યો હતો.

કેદારનાથ સમુદ્રથી ૧૧,૭૫૦ ફૂટની ઉંચાઈએ આવેલુ છે અને ત્રણ બાજુથી પહાડોથી ઘેરાયેલું છે. તેમજ ગૌરીકુંડ તરફનો વિસ્તાર સાંકડો અને ખીણવાળો છે જેના કારણે ત્યાં ગમે ત્યારે મોસમ ખરાબ થઈ શકે છે અને કયારે વરસાદ, અતિવૃષ્ટિ કે બરફવર્ષા થાય તે વિશે કંઈ કહી ન શકાય. આ કારણોથી કેદારનાથની યાત્રામાં મોસમ રોજબરોજ ખરાબ થઈ રહ્યું છે. કેદારધામમાં સવારથી સાંજ સુધીનું તાપમાન ૨૦થી ૨૪ ડિગ્રી સુધી રહે છે, પરંતુ બપોર પછી અચાનક જ વાતાવરણમાં આવેલા પરિવર્તનના લીધે તાપમાનનો પારો ૨થી ૩ ડિગ્રી સુધી પહોંચી ગયો છે. 

વરસાદના કારણે દર્શન માટે લાઈનમાં ઉભેલા યાત્રાળુઓ ભીંજાઈ રહ્યાં છે જેના કારણે તેઓ હાઈપોથર્મિયાનો ભોગ બની રહ્યા છે. આ સ્થિતિમાં કેદારનાથમાં ગયા અઠવાડિયામાં હાઈપોથર્મિયાના કેસ ૩૦થી ૩૫ ટકા વધી ગયા છે. તેમજ ચારે બાજુ ધુમ્મસ છવાયેલું હોવાના કારણે ઘણાં યાત્રાળુઓને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુઃખાવો અને ચક્કર આવવાની ફરિયાદો આવી રહી છે. આ તકલીફોના કારણે અત્યાર સુધીમાં ઘણા યાત્રાળુઓના મોત થયા છે.