કેદારકંઠ શિખર સાથે સાક્ષાત્કાર

0
920

 

 

 

નાનપણથી જ કમ્પિંગ અને ટ્રેકિંગનું મને આકર્ષણ ખરું, પણ એવી તકના બારણે ટકોરા પડતાં સુધીમાં ઘણો જ સમય પસાર ગયેલો. જીવનમાં પરિવર્તનો આવતાં રહ્યાં અને પ્રાથમિકતાઓ પણ બદલાતી રહી. આ બધાંમાં ટ્રેકિંગમાં જવાનો મારો શોખ અને સ્વપ્ન હૈયાના કોઈક ખૂણે ઢબૂરાઈને પડ્યાં હતાં, જેનો મને ખ્યાલ પણ નહોતો આવ્યો. અચાનક જ વર્ષો-જૂનું સપનું સાકાર થવાની તક, હિમાલયના ટ્રેકિંગમાં જોડાવાની તક સામે આવીને જ્યારે ઊભી રહી ત્યારે બે ઘડી માટે તો હું અવાચક બની ગઈ અને મારા શરીરમાં એક અજાણ્યા રોમાંચની કંપારી છૂટી ગઈ.

અને લગભગ એક મહિના પહેલાં અમે ઉત્તરાખંડમાં 12,850 ફૂટની ઊંચાઈએ આવેલા કેદારકંઠ શિખરના ટ્રેકિંગની તૈયારી શરૂ કરી દીધી. ક્યારેય ન અનુભવેલા અનુભવની તૈયારી, હાડ થિજાવી દે એવી માઇનસ 12 ડિગ્રી ઠંડીમાં રહેવાની તૈયારી અને સૌથી મહત્ત્વ એવી શિખરને સર કરી શકાય એવી તાકાત ભેગી કરવાની તૈયારી. બૂટ, સ્વેટર, જેકેટ્સ, હાથમોજાં, પગનાં મોજાં, થર્મલવેર, ગરમ વાંદરાટોપી, મફલર, રેઇનકોટ, વોટર- હાથમોજાં, ટી-શર્ટ, ટ્રેક સૂટ, દવાઓ અને મોઇશ્ચર ક્રીમનું પેકિંગ કરવાનું પણ ચાલુ કરી દીધું. ગુજરાતી હોઈએ અને ક્યારેય ન ભૂલીએ એવો નાસ્તો, જેમ કે ગાંઠિયા, સુખડી, પૂરી, થેપલાં, ચેવડો – સાથે ડ્રાયફ્રૂટ અને ખજૂર જેવો પૌષ્ટિક નાસ્તો પણ ખરો.

અમારે અમદાવાદથી દિલ્હી, દિલ્હીથી દહેરાદૂન ટ્રેનમાં અને દહેરાદૂનથી અમારા બેઝ કેમ્પ સાંકરી બસમાં જવાનું હતું. અમારી બેચમાં અમારું ગ્રુપ સૌથી મોટું હતું, જેમાં 16 ટ્રેકર્સ હતા. દિલ્હી જવા માટે અમે બધાં જ રાત્રે 10 વાગ્યે અમદાવાદ પ્લેટર્ફોમ પર મળ્યાં. દરેકના ચહેરા જ એમની ખુશીની ચાડી ખાતા હતા, જાણે અત્યારથી જ શિખર પર ચડી રહ્યાં હોઈએ. પણ અમારી મંજિલ થોડી દૂર હતી, ખરેખર તો થોડી નહિ, ઘણી દૂર હતી – અમદાવાદથી સાંકરી 1396 કિ.મી.

કહે છે ને કે હસતે-હસતે કટ જાયે રાસ્તે એમ અમે અમદાવાદથી દિલ્હી, દિલ્હીથી દહેરાદૂન સુધીની સફર ટ્રેનના સેકન્ડ સ્લીપર ક્લાસમાં પૂરી કરી, અહીં હું સેકન્ડ ક્લાસનો ઉલ્લેખ ખાસ એટલા માટે કરું છું, કેમ કે અમે ટુરિસ્ટ નહિ, ટ્રાવેલર હતા અને ટ્રાવેલરને અનુકૂળ વાતાવરણ સેકન્ડ ક્લાસ સિવાય ક્યાંય ન મળે, અંતાક્ષરી, ડમ્બ-શેરાડ્સ, ઘણો બધો નાસ્તો અને હા, ફોટોગ્રાફ્સ તો ખરા જ, લગભગ 20 કલાકની સફરમાં અમે ઘણી બધી ટ્રેન મુસાફરીની યાદો એકઠી કરી લીધી, પણ અમારી ખરી સફર તો હવે શરૂ થવાની હતી, જે હતી દહેરાદૂનથી સાંકરીની. અમારે ઉત્તરાખંડ ટ્રાન્સર્પોટેશનની બસ દ્વારા સાંકરી પહોંચવાનું હતું. જેવી અમારી બસ મસૂરી વટાવી વધુ ઊંચાઈ પર જવા લાગી એટલે ગ્રુપના કેટલાક લોકોને ચક્કર આવવાં, ઊબકા આવવા, ઊલટીઓ થવી… આવા પ્રોબ્લેમ શરૂ થઈ ગયા. આવું થવાનું કારણ (એએમએસ) જેને એક્યુટ માઉન્ટેન સિકનેસ કહે છે, જે હવાનુ દબાણ ઘટવાથી અને ઓક્સિજન લેવલ ઘટવાથી થાય છે અને ખાસ તો આપણું શરીર આ વાતાવરણને અનુકૂળ કે ટેવાયેલું ન હોવાથી આપણને વધુ અસર કરે છે. સાંકરી જવાનો રસ્તો ખૂબ જ સાંકડો હતો કે જ્યાં મુશ્કેલીથી ફ્ક્ત એક સમયે એક વાહન પસાર થઈ શકે અને વધુમાં એક તરફ ખાઈ અને બીજી તરફ ભેખડોથી ઘેરાયેલો હતો. એક્યુટ માઉન્ટેન સિકનેસની અસરના લીધે લોકોને ઊલટીઓ થવા લાગી હતી, પણ બસની બહાર મોં કાઢવું શક્ય ન હતું. ગ્રુપના અનુભવી ટ્રેકરની સૂચના પ્રમાણે અમે વોમિટિંગ માટે પોલિથીન બેગનો ઉપયોગ કર્યો. અમારી પરિસ્થિતિ ખૂબ જ દયનીય બની ગઈ હતી, પણ અમારી પાસે બીજો કોઈ વિકલ્પ પણ ન હતો. ખરાબથી અતિ ખરાબ તબિયત અને એમાં પણ ઇચ્છા અને શક્તિ બન્નેનો સંપૂર્ણ અભાવ હોવા છતાં અમે અંતાક્ષરી રમ્યાં. અને અહીંથી જ અમારા ચિત્ર-વિચિત્ર અનુભવોની હારમાળા શરૂ થઈ ગઈ. 20 કલાકની આરામદાયક અને આઠ કલાકની કપરી મુસાફરીના અંતે અમારા જીવમાં જીવ ત્યારે આવ્યો જ્યારે કંડક્ટરે ‘સાંકરી’ના નામની બૂમ પાડી.

પહેલો દિવસ – સાંકરી બેઝ કેમ્પ 26.12.2015

અમારા બેઝ કેમ્પ પાસે બસ-સ્ટોપ ન હોવા છતાં અમારી બસના ડ્રાઇવર અમને ખાસ જ્યાં બેઝ કેમ્પ બનેલો હતો ત્યાં સુધી મૂકી ગયા. શહેરમાં રહીને મટીરિયાલિસ્ટિક અને મતલબી બની ગયેલી આપણી લાઇફસ્ટાઇલની સામે અહીં નિઃસ્વાર્થ ભાવે, કોઈ પણ જાતના બદલાની અપેક્ષા રાખ્યા વગર કોઈ મદદ કરે એ અમારા માટે સુખદ આંચકા જેવું હતું.

બસમાંથી ઊતરતાં જ અમને અમારો બેઝ કેમ્પ દેખાયો, પહાડના ઢોળાવ પર બાંધેલા ઘણા બધા મોટા-મોટા ટેન્ટ અને એક સૌથી મોટો અને બધી બાજુથી ખુલ્લો ટેન્ટ. પાકું બાંધકામ કરેલી ફક્ત ત્રણ જ જગ્યા, રસોડું અને લેડીઝ-જેન્ટ્સ ટોઇલેટ-બાથરૂમ. પહાડના એક લેયરથી બીજા લેયર સુધી ચડવા માટે કામચલાઉ રીતે ચૂનાથી રંગેલા નાના-મોટા પથ્થરોને ગોઠવીને બનાવેલાં પગથિયાં. બેઝ કેમ્પનો દેખાવ પોલીસ કે મિલિટરી કેમ્પ જેવો લાગી રહ્યો હતો, પણ આગળ જતાં ખબર પડી કે અહીંના નીતિ-નિયમો પણ મિલિટરી જેવા જ હતા. સૌથી પહેલાં અમારી એટેન્ડેન્સ રજિસ્ટર કરાવી અમને અમારા ટેન્ટ ફાળવવામાં આવ્યા. એક ટેન્ટની કેપેસિટી 10 લોકોની અને બોય્ઝ/ગર્લ્સના ટેન્ટ અલગ-અલગ. કેમ્પ લીડર દ્વારા અમને સૌથી પહેલી સૂચના એ મળી કે સામાન મૂકીને ફટાફટ એક્ટિવિટી એરિયામાં ગરમ-ગરમ ચા-નાસ્તો કરવા આવી જવું. ત્યાર પછી અમને અમારા બ્લેન્કેટ, સ્લીપિંગ બેગ અને રકસક આપવામાં આવ્યા. રકસક એટલે ટ્રાવેલિંગ અને ટ્રેકિંગમાં ઉપયોગમાં લઈ શકાય એવી ખાસ પ્રકારની બનાવટની શોલ્ડરબેગ, જેમાં ઘણાં બધાં નાનાં-મોટાં ખાનાં હોય છે, જે ટ્રેકિંગ માટે વધારે અનુકૂળ ગણાય છે. લગભગ સાંજે 7 વાગ્યે અમારું ડિનર રેડી હતું. આમ પણ હિમાલય પ્રદેશમાં દિવસ વહેલો ઊગે છે અને રાત પણ વહેલી પડે છે, અને ટ્રેકિંગના નિયમોનુસાર બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર માટે ચોક્કસ સમય ફાળવેલો હોય છે અને એ સમય પ્રમાણે જ આપણે અનુસરવું પડે છે. ખાવા-પીવાની દરેક વસ્તુ અમને કેમ્પ તરફથી મળી રહેતી હતી, પણ જમવાનાં વાસણ અમારે અમારા જ વાપરવાનાં હતાં અને સાફ પણ અમારે જ કરવાનાં હતાં, આવી ખબર પડતાં જ બધાના હાંજા ગગડી ગયા, કારણ કે પાણી અતિશય ઠંડું હતું, એટલું કે જો પાણી હાથ પર પડે તો હાથ સુન્ન પડી જાય. સદ્​ભાગ્યે અમને વાસણ સાફ કરવા માટે ગરમ પાણી આપવામાં આવ્યું અને જાણે અમને ભગવાન મળી ગયા.

ડિનર પતાવ્યા પછી અમારે એક્ટિવિટી એરિયામાં એકઠા થવાનું હતું. નિયમ પ્રમાણે શિખર માટે નીકળનારા ગ્રુપે આગલી રાત્રે બેઝ કેમ્પ પર કેમ્પ-ફાયરનું આયોજન અને સંચાલન કરવાનું, આથી આજે અમારે પ્રેક્ષક બનવાનું હતું અને સાથે-સાથે એ પણ ખબર પડી કે આવતી કાલે અમારે હોસ્ટ બનવાનું હતું. આથી ગ્રુપમાં શું કરીશું, કોણ કરશે એવો બધો ગણગણાટ શરૂ થઈ ગયો. કેમ્પ ફાયર માટે સામાન્ય રીતે આપણે સાંભળ્યું હોય કે પિક્ચરમાં જોયું હોય એ રીતે એક જગ્યાએ લાકડાને શંકુ આકારમાં ગોઠવી એમાં અગ્નિ પ્રકટાવવામાં આવે છે અને એની ફરતે બધાં બેસીને જુદા-જુદા કાર્યક્રમ રજૂ કરે, પણ એક્ટિવિટી એરિયામાં આવતાં જ અમને આશ્ચર્ય થયું, કેમ કે કેમ્પ ફાયરના કાર્યક્રમ માટે બધા એકઠા તો થયેલા, પણ આજુબાજુ ક્યાંય પણ ફાયરનું નામોનિશાન નહોતું. કેમ્પ ફાયરનો કાર્યક્રમ શરૂ થતાં પહેલાં જ અમારા કેમ્પ ઇન્સ્ટ્રક્ટરે અમારી દ્વિધાનો અંત આણ્યો. અહીં પર્યાવરણનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે, જેમ કે ગમે ત્યાં કચરો ન ફેંકવો, કુદરતી દરેક વસ્તુની જાળવણી કરવી, પછી એ સુકાયેલાં લાકડાં પણ કેમ ન હોય. પહેલાં તો અમને કેમ્પ ફાયર નહિ હોય એવું સાંભળીને ખૂબ જ દુખ થયું, કારણ કે જ્યારે પણ આપણે કેમ્પની કલ્પના કરી હોય ત્યારે કેમ્પિંગના પ્રતીકરૂપે ટેન્ટ અને કેમ્પ ફાયર જ તાદશ થતા હોય છે. છતાં કેમ્પ ઇન્સ્ટ્રક્ટરની વાત સાંભળ્યા પછી લાગ્યું કે એમની વાત તદ્દન વાજબી છે, આપણે જરૂર સિવાય કોઈ પણ વસ્તુનો બગાડ ન કરવો જોઈએ. કેમ્પ ફાયરના સ્થાને એક ત્રિકોણાકાર વાંસનો ટોપલો ઊંધો મૂકેલો હતો અને એની ફરતે ફેયરીલાઇટ્સ લગાવેલી હતી, આ પ્રકારનાં સેટિંગથી ફાયર જેવો ભ્રામક દેખાવ ઊભો કરેલો હતો. ખૂબ જ મજાકમસ્તી સાથે અમે કેમ્પ ફાયરનો આનંદ માણી અને ગરમ-ગરમ બોર્નવિટાને ન્યાય આપી અમે અમારા ટેન્ટ તરફ પ્રસ્થાન કર્યું. આ બધાની વચ્ચે અમને એક વસ્તુ વારે-વારે ટ્રેકિંગ પર આવવાના અમારા નિર્ણયને ઢંઢોળીને પૂછી રહી હતી – એ હતી અહીંની કાતિલ ઠંડી. વાર્તાઓમાં જેમ રાજકુમારી દિવસે ન વધે એટલી રાત્રે વધે એમ અહીં ઠંડી પણ એ રાજકુમારીની જેમ ક્ષણે ક્ષણે વધી રહી હતી. રાત્રે ટેન્ટમાં ઠંડી ન આવે એ માટે અમે અમારા લગેજથી ટેન્ટની દરેક સાઇડ કવર કરી દીધી, સાથે-સાથે સ્લીપિંગ બેગમાં કઈ રીતે ગોઠવાવું એ પણ શીખી લીધં, ક્યારે ઊંઘ આવી ગઈ એની ખબર જ ન રહી. અને હ્યુમન સાયકોલોજી પ્રમાણે આપણા જેવી તકલીફ જો બીજાને પણ થાય તો માનસિક શાંતિ થાય છે કે તકલીફ સહન કરવાવાળા આપણે એકલા નથી.

બીજો દિવસ

 

એક્લાઇમટાઇઝેશન. એટલે કે શરીરને નવી જગ્યાનાં હવા-પાણી કે પરિસ્થિતિને અનુકૂળ બનાવવું. કોઈ પણ ટ્રેકર પહાડી વિસ્તારના વાતાવરણથી ટેવાયેલા હોતા નથી, અને આગળના પ્રવાસમાં કોઈ તકલીફ ન પડે એની તકેદારી રૂપે એક્લાઇમટાઇઝેશન વોક કરાવવામાં આવે છે. હોસ્ટેલ અને સ્કૂલ છોડ્યાનાં ઘણાં વર્ષો પછી અમે ફરી એ જ બાળપણ જીવી રહ્યાં હતાં અને વ્હીસલ એન્ડ બેલના ઇશારે દરેક પ્રવૃતિ કરી રહ્યાં હતાં. જાણે શૈશવનાં સંસ્મરણો યુવાનીની પાંખ લગાવી દરેક ક્ષણ ફરી જીવી રહ્યાં હતા. ચા/કોફી પતાવી અમારે જોગિંગ અને એક્સરસાઇઝ કરવા જવાનું હતું. લગભગ બે કિમી જેટલંુ જોગિંગ કર્યા પછી અમને એક ખુલ્લી જગ્યાએ એક્સરસાઇઝ કરાવવમાં આવી. અગાઉ ટ્રેકિંગ કરી ચૂકેલા મિત્રોએ અમને મહિનાઓ પહેલાં જ જણાવી દીધેલું કે રેગ્યુલર વોક અને એક્સરસાઇઝ કરવી, જેથી ટ્રેકિંગમાં એકસાથે વોક કરવાનું આવે ત્યારે તકલીફ ન પડે. અહીં કુદરતી સૌંદર્યનો તો જાણે કે ખજાનો હતો. જ્યાં જ્યાં નજર પડે ત્યાં ત્યાં લીલાછમ પર્વતોએ સફેદ રંગની ચાદર ઓઢી હોય એમ દરેક પર્વતની ટોચ પર બરફ પથરાયેલો હતો. ત્યાંથી દેખાતા ત્રણ પહાડ સ્વર્ગારોહિણી, બંદરપૂંછ અને કાલાનાગ વિશે ઇન્સ્ટ્રક્ટરે અમને જણાવ્યું, જેમાંનું સ્વર્ગારોહિણી શિખર પાર કરવું ખૂબ જ મુશ્કેલ છે, જે ચારે તરફથી બીજા પહાડો, ગ્લેશિયર અને મોટા-મોટા ખડકોથી ઘેરાયેલું હોવાના લીધે એને સીધું પાર કરી શકાય એવી કોઈ શક્યતા જ નથી. મહાભારતની કથા પ્રમાણે પાંચ પાંડવોમાંથી ફક્ત યુધિષ્ઠિર જ સદેહે સ્વર્ગની સીડી ચડી શક્યા હતા અને જે પર્વત પરથી ચડ્યા હતા એ પર્વત એટલે આ સ્વર્ગારોહિણી. ત્યાર પછી પરત આવતાં અમે સાંકરી ગામની અંદરથી પસાર થયા, જેથી અમે ત્યાંના લોકોને, એમની રહેણીકરણીને નજીકથી નિહાળી શકીએ. થોડું જ ચાલ્યા હોઈશું કે ખુલ્લી જગ્યા નજર પડી ખુલ્લા મેદાનની બરાબર વચ્ચે ખૂબ જ જૂનું લાકડાનું એક મકાન અને એની ચારે તરફ રાખોડી રંગના પથ્થરોથી બનાવવામાં આવેલો કઠેડો અને એ જ પથ્થરોનું ફ્લોરિંગ પર. આ પશુપતિનાથનું મંદિર હતું. મંદિરની બાંધણી સામાન્યતઃ મંદિર કરતાં અલગ જ હતી આથી જ અમારામાંથી કોઈ પણ પહેલાં સમજી ન શક્યું. પશુપતિનાથ એટલે પશુના નાથ, જે શિવનું જ એક સ્વરૂપ છે. મંદિરની બાંધણી તથા તેની આસપાસની જગ્યા ખૂબ જ પુરાણી હતી. અંગ્રેજો જે અમુક વિસ્તારોમાં પહોંચી શક્યા નહોતા તેમાં આ ગામડાંઓનો પણ સમાવેશ થાય છે. કદાચ આ જ કારણે દાયકાઓ પછી પણ આ વિસ્તારોનું સૌંદર્ય અક્ષુણ્ણ રહ્યું છે અને કાળની થપાટોની તેના પર કોઈ અસર થઈ નથી. મંદિર બંધ હોવાના લીધે અમે દર્શન ન કરી શક્યા. આ મંદિર વર્ષમાં અમુક દિવસો જ દર્શનાર્થીઓ માટે ખૂલે છે અને રોજ ફક્ત પૂજારી જ પૂજાઅર્ચના કરી શકે છે. આ વિસ્તારમાં દરેક ગામના મુખ્ય દેવતા હોય છે.    (ક્રમશઃઃ)(સૌજન્ય‘કુમાર’ સામાયિક)