કેદારકંઠ શિખર સાથે સાક્ષાત્કાર

0
909

(ગતાંકથી ચાલુ)
અહીં એક વસ્તુ અમને બધાને આશ્ચર્યમાં મૂકી રહી હતી, મંદિરના ગર્ભદ્વારની ચારે તરફ ઘણાં બધાં શિલ્ડ, ટ્રોફી અને મેડલ લગાવેલાં હતાં. ઇન્સ્ટ્રક્ટરના જણાવ્યા પ્રમાણે કેદારકંઠ શિખર પર દર વર્ષે મેળો ભરાય છે, જેમાં આસપાસનાં દરેક ગામના લોકો ઉત્સાહથી ભાગ લે છે અને ત્યાં ઘણી બધી રમતોનું પણ આયોજન થાય છે. અહીં દરેક ગામના યુવાનો આ રમતોમાં પોતપોતાના ગામનું પ્રતિનિધિત્વ કરે છે. અને જો એમની જીત થાય તો આખું ગામ એ જીતનું સહભાગી બને છે. અને જે રીતે આપણે જીતીને આવ્યા પછી આપણી ટ્રોફી સૌથી પહેલાં આપણાં માતા-પિતાને આપીએ છીએ, એમ આ લોકો ગામના મુખ્ય દેવતાને જ પોતાનાં માતા-પિતા માનીને જીતીને લાવેલી દરેક ટ્રોફી, શિલ્ડ અને મેડલ અર્પણ કરે છે. મંદિરના ચોગાનમાં અમને ટીમ બિલ્ડિંગ ગેમ્સ રમાડવામાં આવી, જેથી અમે એકબીજાને ઓળખી શકીએ.

અમે બેઝ કેમ્પ પાસે પહોંચ્યાં જ હોઈશું ત્યારે જ અમારી આગળનું ગ્રુપ શિખર માટે રવાના થઈ રહ્યું હતું. આથી અમારે એ લોકોને ઉત્સાહ, જોશ અને વિનિંગ સ્પિરિટ સાથે વિદાય કરવાના હતા. તાળીઓનો ગડગડાટ અને ‘ઓલ ધ બેસ્ટ’ની ચિચિયારીઓ એક અલગ જ પ્રકારનો રોમાંચ જગાવી રહી હતી. કદાચ આવી જ રોમાંચક લાગણીને વાચા આપવા જ ‘ઐન્ડ્રાલાઇન રશ’ શબ્દ બન્યો હશે.

આવનાર દિવસોમાં રકસક ઊંચકીને ચાલી શકીએ અને પરિસ્થિતિને અનુકૂળ થઈ શકીએ એ માટે અમારે અમે ઊંચકી શકીએ એટલું વજન રકસકમાં ભરી અમુક કિલોમીટર સુધી ચાલવાનું હતું આથી રકસક સાથે અમે લગભગ 2-3 કિલોમીટર સુધી ટ્રેકિંગ કર્યું. થોડો સમય રેસ્ટ કરવા માટે અમે એક સમતળ જગ્યાએ રોકાયાં અને આ સમયનો પણ સદુપયોગ કર્યો. સૌએ પોતાના પરિચય સાથે કેટલામું ટ્રેક કરી રહ્યા છે એની જાણકારી આપી. ત્યાર પછી ગ્રુપ લીડર, કો-ગ્રુપ લીડર, એન્વાયર્નમેન્ટ લીડર અને કેમ્પ ફાયર હોસ્ટ કરવા માટે બે માસ્ટર ઓફ સેરેમની ચૂંટવાની પ્રક્રિયા આગળ વધારી. ગ્રુપ લીડર અને એન્વાયર્નમેન્ટ લીડર શોધવામાં બહુ મહેનત ન કરવી પડી, કારણ કે ગ્રુપમાં અનુભવ અને ઉંમર બન્નેમાં સિનિયર એવા બે ટ્રેકર પહેલેથી જ હતા. બન્ને લગભગ 45-50ની ઉંમરના હોવા છતાં ટ્રેકિંગ પર આવેલા. અહીંથી માસ્ટર ઓફ સેરેમનીએ કારોબાર સંભાળી લીધો અને કેમ્પ ફાયર કઈ રીતે વધુમાં વધુ રોચક અને મજેદાર બની શકે એની ચર્ચા-વિચારણા શરૂ કરી દીધી. ડાન્સ, કપલ ડાન્સ, ગ્રુપ ડાન્સ, સ્કિટ, માઇમ, સોલો સોન્ગ, ગ્રુપ સોન્ગ, રિજનલ સોન્ગસ, ગુજરાતી ગરબા અને માસ્ટર ઓફ સેરેમનીના રૂપમાં સ્ટેન્ડ અપ કોમેડિયન તો ખરા જ. વિવિધતાસભર કાર્યક્રમ જોઈને હેડ કેમ્પ લીડર ખૂબ જ ખુશ થઈ ગયા કે હજી સુધી અમારા જેટલો સરસ કાર્યક્રમ કદાચ જ કોઈએ કર્યો હશે. અમારી સાથે-સાથે ત્યાંના રહેવાસીઓમાં પણ એટલો જ ઉત્સાહ હતો. તેઓએ ગઢવાલી લોકનૃત્ય રજૂ કર્યું અને અમારામાંના કેટલાક ઉત્સાહી લોકો પણ એમાં જોડાયા. શરૂઆતમાં અમારો ગઢવાલી ડાન્સ કોમેડી ડાન્સ બની ગયો, પણ થોડી વારમાં અમે પણ શીખી ગયા. જેમ ગુજરાતી ગુજરાત છોડે, પણ ગરબા ન છોડે, એમ હિપહોપ કે રેપ સોન્ગ પર જે ગરબા કરી બતાવે એ જ ખરો ગુજરાતી. આ જ પ્રણાલીને જીવંત રાખવા અમે પણ ગઢવાલી લોકગીત પર ગરબા રમ્યાં અને અધૂરામાં પૂરું ગઢવાલી લોકોને પણ ગરબા રમતાં કરી દીધા. અમારા આશ્ચર્ય વચ્ચે જ્યારે ત્યાંના સ્થાનિક ગઢવાલી ગાયકે ‘પંખીડા તું ઊડી જાજે પાવાગઢ રે….’ ઉપાડ્યું, ત્યારે તો દરેકના આનંદનો પાર ન રહ્યો. અને ગ્રુપના દરેક ગુજરાતી ટ્રેકરની આંખો ગુજરાતી હોવાના ગર્વથી જ ચમકી ઊઠી. જેમ બિનગુજરાતી લોકો કહે છે એમ એક કિલોમીટર ચાલતાં થાકી જાય, પણ આખી રાત ગરબા રમતાં ન થાકે એને કહેવાય ગુજરાતી. છતાં મન મનાવી અમે કાર્યક્રમને વિરામ આપ્યો અને ત્યાર પછી વહેલી પડે સવારના રાગ સાથે નિદ્રાદેવીને ન્યાય આપ્યો.

ત્રીજો દિવસ – સાંકરી બેઝ કેમ્પથી જુડા તલાવ – 8700 ફૂટ. 28.12.2015
સવારે બ્રેકફાસ્ટ પતાવી, સ્લીપિંગ બેગ અને બ્લેન્કેટ જમા કરાવીને અમારે એક્ટિવિટી એરિયામાં એકઠા થવાનું હતું. અમારે બને એટલો ઓછો સામાન લેવાનો હતો અને એમાં સૌથી વધારે ગરમ કપડાં, અને વધુમાં વધુ પગનાં મોજાં જરૂરી હતાં. અમને આપવામાં આવેલાં બ્રેકફાસ્ટ, લંચ, ડિનર ખૂબ જ સારાં હતાં, છતાં ગ્રુપના બધા જ ગુજરાતીઓએ નાસ્તો ભરેલો જે આગળ જતા અમને ભારે પડેલો. ચઢાણમાં સપોર્ટ મળે એ માટે અમે લાકડી ખરીદ કરેલી. અમને બે ગાઇડ આપવામાં આવ્યા જે પૂરા ટ્રેકિંગ દરમિયાન અમારી સાથે રહેવાના હતા. ટ્રેકિંગ કેમ્પ લીડર, કેમ્પ ઇન્સ્ટ્રક્ટર, ગાઇડ દરેક વ્યક્તિ ઓફિશિયલ સર્ટિફાઇડ માઉન્ટેનિયર્સ હતા. કવિ ઉમાશંકર જોશીની રચનાની જેમ ‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા…’, પણ અહીં એ શક્ય નહોતું, અમારે પણ અર્જુનની જેમ સારથિની જરૂર હતી. અમારા પછી આવેલા ગ્રુપે અમને તાળીઓના ગડગડાટ અને ચિચિયારીઓથી પ્રોત્સાહિત કર્યા. જાણે અમે કોઈ શિખર પર નહિ, યુદ્ધ કરવા જઈ રહ્યા હોઈએ, પણ એ અજાણી આંખોમાં એક વિશ્વાસ ઝળકાઈ રહ્યો હતો, એ વિશ્વાસ હતો જંગ જીતવાનો.

પંખીઓની કિલકારીઓ, પાઇન-દેવાદારનાં આભને અડતાં ઊંચાં ઊંચાં વૃક્ષો અને પાશ્ચાદભૂમાં હિમાલયની ગિરિમાળાઓ વચ્ચે નાની-નાની કેડીઓ, અને એમાં સુસવાટા મારતા ઠંડા પવનની સામે ઝીંક ઝીલતાં અમે આગળ વધ્યાં. હવેનું ચઢાણ ચાલવા કરતાં ઘણું જ અઘરું હતું આથી મુશ્કેલી પડી રહી હતી અને થાક પણ લાગ્યો હતો. બપોર સુધી ચાલ્યા પછી એક જગ્યાએ અમે વિરામ લીધો અને બેઝ કેમ્પથી સાથે લાવેલું લંચ કર્ર્યું. અમારે ચોક્કસ સમય સુધીમાં પહેલા કેમ્પ જુડા કા તલાવ પહોંચવાનું હોવાથી આરામ કરવો શક્ય જ નહોતો. રસ્તામાં થોડા-થોડા અંતરે દેખાતો બરફ થાક ભુલાવી શકતો હતો. લગભગ 2-3 કલાકના ચઢાણ પછી અમે જુડા કા તલાવ પહોંચી ગયાં અને પહોંચતાં જ અમારો થાક દૂર થઈ ગયો, પહાડોની વચ્ચે આવેલાં ખુલ્લાં મેદાન, જ્યાં નજર કરો ત્યાં બરફ જ બરફ અને એની વચ્ચે લગાવેલા ટેન્ટ, આ બધું ખૂબ જ રોમાંચક હતું. અમને ગરમ ગરમ ટોમેટો સૂપ સાથે ઉષ્માભર્ર્યું સ્વાગત મળ્યું. બરફને જોઈને જે ઇચ્છાઓ અમે આખા રસ્તે દબાવી રાખી હતી એ પૂરી કરવાનો અમને પૂરતો સમય મળી ગયો. વોટરપ્રૂફ જેકેટ, ટ્રેક-પેન્ટ અને ગ્લવ્ઝ પહેરીને સેના તૈયાર હતી. બરફ એવી વસ્તુ છે કે જે ભલભલાને બાળક બનાવી દે એમ બધા પણ બરફમાં ખૂબ જ રમ્યાં, જેમ કે બરફના ગોળા બનાવી એક-બીજાને મારવા, સ્નો-મેન બનાવવા, બરફમાં આળોટવું, કૂદકા ને ભૂસકા મારવા વગેરે વગેરે. આ દરેક મસ્તી, મજાક અને તોફાનોને અમે કચકડે કંડારી લીધાં, આ એ જ યાદો હતી કે જેને જોઈને અમે આ એક-એક ક્ષણ ફરી જીવવાનાં હતાં. સાંકરી છોડતાં જ અમે ઇલેક્ટ્રિસિટીને આવજો કહી દીધું હતું એટલે કુદરતી પ્રકાશમાં જ કામ ચલાવવાનું હતું, આથી અંધારું થાય એ પહેલાં લગભગ 6.30 વાગ્યે અમે ડિનર કરી લીધું, સાત વાગ્યા સુધીમાં તો જાણે રાતના 10 વાગ્યા હોય એવું લાગવા લાગ્યું. તાપમાન -12 સુધી પહોંચી ગયું હતું અને અમને કેમ્પ લીડરે કહ્યું કે જેમ-જેમ રાત વધતી જશે એમ ઠંડી પણ વધશે. આટલા વહેલા ડિનર તો કરી લીધું, પણ આટલી વહેલી ઊંઘ તો કઈ રીતે આવે? આથી કેમ્પ લીડરની પરમિશન લઈ ગ્રુપના દરેક સભ્યો અમારા ટેન્ટમાં એકઠા થયા. અને વાતોનો દોર શરૂ થયો, કોઈએ પોતાના અનુભવનો પટારો ખોલ્યો, તો કોઈએ અલક-મલકની વાતો જણાવી અને હા, ટાઢા પહોરનાં ગપ્પાં મારવાવાળાઓની પણ કમી નહોતી. અમારી વાતો અને અવાજમાં વધુ જોર ત્યારે આવ્યું જ્યારે રાતની કડકડતી ઠંડીમાં અમને ગરમ-ગરમ બોર્નવિટા મળ્યું. દૂધ ન ભાવે, બોર્નવિટા ન ભાવે એવાં નખરાં કરનારાઓ પણ ચૂપચાપ ગટગટાવી ગયા. આ જ બધી મસ્તી, મજાક વચ્ચે જ ગ્રુપમાંથી એક વ્યક્તિ ટેન્ટ બહાર ગઈ અને કહ્યું કે બધાં જલદી બહાર આવો. અમે ચોંક્યા, શું થયું હશે? બહાર નીકળતાં જ કંપારી છૂટી ગઈ, હાડ થિજાવી દે એટલી ઠંડી હતી. કંઈ સમજીએ એ પહેલાં જ એમણે અમને ઉપર જોવા કહ્યું. ઉપર જોતાં જ જાણે ઠંડી પણ એક ધબકારો ચૂકી ગઈ. આખું આકાશ હજારો ને લાખો તારલાઓથી ઝગમગી રહ્યું હતું. એવું લાગી રહ્યું કે પૃથ્વીથી અંતરિક્ષનું અંતર જાણે ઘટી ગયું હોય અને અમે એનાં સાક્ષી બન્યાં હોઈએ. આંખો પૂરા આકાશને મન ભરીને પીવા માગતી હતી અને હાથ લાંબો કરી તારાઓને મુઠ્ઠીમાં ભરી પોતાના કરી લેવાની સ્વાર્થી ઇચ્છાઓ પણ જાગૃત થઈ રહી હતી. પોલ્યુશન અને કોન્ક્રીટનાં જંગલો સાથે અબોલા લીધેલા તારલાઓ અહીં મન મૂકીને હાસ્ય વેરી રહ્યા હતા.
(ક્રમશઃઃ)(સૌજન્ય‘કુમાર’ સામયિક)

લેખિકા પ્રવાસશોખીન છે અને સાહિત્યપ્રેમી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here