કેટલાક લોકો એમ માને છે કે જગત બહુ ઝડપથી બગડી રહ્યું છે. જગત જો આ જ ઝડપે બગડતું રહેશે અને એને સુધારવા માટે યોગ્ય પગલાં લેવામાં નહિ આવે તો માનવસંસ્કૃતિ જોખમમાં આવી પડશે. કેટલાક એમ માને છે કે જગત ઓલરેડી એટલે કે ક્યારનુંય બગડી ચૂક્યું છે; હવે વધારે બગડવાનો જગત માટે કોઈ સ્કોપ નથી. જગત ઝડપથી બગડી રહ્યું છે કે ઓલરેડી બગડી ચૂક્યું છે તે અંગે મતભેદ છે, પણ જગતને સમયસર સુધારવું જોઈએ એ વિશે સૌ એકમત છે. જોકે જગત હવે સુધરી શકે એમ છે કે નહિ તે અંગે પાછો મતભેદ છે! કેટલાક એમ માને છે કે જગત હવે સુધરી ન શકે એટલી હદે બગડી ચૂક્યું છે. કેટલાક એમ માને છે કે જગત બગડ્યું છે, વધુ ને વધુ બગડતું જાય છે, પણ એને સુધારી શકાય એમ છે. એકંદરે જગત સુધરી શકે એમ હોય કે નહિ, પણ જગતને સુધારવાનો પ્રયત્ન તો અવશ્ય કરવો જોઈએ એમ મોટા ભાગના માને છે. એટલે આજે જગતને સુધારવાના પ્રયત્નો જગતભરમાં ચાલી રહ્યા છે; તેમ છતાં, જગત સુધરતું હોય એવી આશા બંધાતી નથી. કારણ કે શું રાષ્ટ્ર કે શું રાષ્ટ્રના નાગરિકો બીજાંને સુધારવામાં એટલા બધા રોકાયેલા રહે છે કે પોતાની જાતને સુધારવાનો એમને સમય મળતો નથી. ‘અમે અણુધડાકા કરીએ, પણ તમે શેના કરો? અણુધડાકા કરવા એ ભારત જેવા શાંતિપ્રિય દેશને શોભતું નથી.’ એમ અમેરિકા ભારતને સમજાવે છે. ‘ડાહી સાસરે જાય નહિ ને ગાંડીને શિખામણ આપે’ એવી કહેવત ગુજરાતીમાં છે, પણ ખરેખર અમેરિકન ઇંગ્લિશમાં હોવી જોઈએ! નાની ઉંમરથી બીડી પીવાનું શરૂ કરનાર અમારા સિત્તેર વરસના સ્નેહી એમના સત્તર વરસના પૌત્રને અનેક વાર ધમકાવે છે કે ‘હું બીડી પીઉં છું. પણ ખબરદાર જો તેં પીધી છે તો!’ આમ સૌ બીજાને સુધારવામાં પડ્યા હોવાને કારણે જગત જેવું છે તેવું રહે છે અથવા જેવું છે તેવું પણ રહેતું નથી. દિનપ્રતિદિન બગડતું જાય છે.
આવા જગતમાં હજી અનેક સદ્ગુણીઓ વસે છે. ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ પદના લિસ્ટમાં જે જે સદ્ગુણો ગણાવાયા છે તે બધા સદ્ગુણો ધરાવનારા મનુષ્યો આ જગતમાં આજેય વસે છે એ ખરેખર આશ્ચર્યની વાત છે. આવા સદ્ગુણીઓ પણ ચક્રમમાં ખપે છે એ એથી મોટા આશ્ચર્યની વાત છે. ઈશ્વર પણ ગૂંચવાઈ જાય એવો આ ગોટાળો છે!
હું એવા થોડા સદ્ગુણીઓને ઓળખું છું. આ મનુષ્યોને લગભગ બધા તરફથી (કેટલીક વાર તો મારા તરફથી પણ) ચક્રમનું સર્ટિફિકેટ મળ્યું છે.
તત્ત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી એવા અમારા એક સ્નેહી છે. એક વાર કોઈ કામસર એમની સાથે મારે બીજા સ્નેહીને ત્યાં જવાનું થયું. ચર્ચા-વિચારણા, વાદ-વિવાદમાં રાતના ત્રણ વાગી ગયા. રાત્રે ત્રણ વાગ્યે અમે ઘેર જવા નીકળ્યા. પાછા ફરતી વખતે ત્યાં સીધા આવેલા એક ત્રીજા સ્નેહી પણ સાથે થયા. જ્ઞાનનું વજન વધારવામાં વધારે ધ્યાન આપવાને કારણે અમારા સ્નેહીના શરીરનું વજન ઘણું ઓછું છે. પેલા ત્રીજા સ્નેહી પણ પ્રમાણમાં પાતળા ગણી શકાય એવા. એટલે મેં એ બન્નેને કહ્યું, ‘તમે બન્ને મારા સ્કૂટર પર બેસી જાવ, અત્યારે રિક્ષા મળશે નહિ, હું તમને બન્નેને ઘેર પહોંચાડી દઉં’. બન્ને બેસી ગયા ને બન્નેને એમના પોતપોતાના ઘેર ઉતારી હું મારે ઘેર આવ્યો. મારે માટે વાત પૂરી થઈ હતી, પણ અમારા તત્ત્વજ્ઞાની સ્નેહી માટે વાત પૂરી નહોતી થઈ; ખરેખર તો શરૂ થઈ હતી એની ખબર મને પાંચમા દિવસે સવારે પડી. પાંચમા દિવસે સવારે સ્નેહી રિક્ષામાં બેસી મારે ઘેર આવ્યા, પરિણામે મારે એક કલાક વહેલાં ઊઠવું પડ્યું. તે દિવસે મારે ત્યાં મહેમાન હતા એય જાગી ગયા. ઊંઘ-ભરેલી આંખે મેં તત્ત્વજ્ઞાન-ભરેલા સ્નેહીને આવકાર્યા. તેઓ કહે, ‘તે રાત્રે તમે મને સ્કૂટર પર પાછા ઘેર મૂકવા આવેલા ત્યારે અમને બે જણને તમે બેસાડેલા. ઘેર ગયા પછી તરત તો મને ઉંઘ આવી ગઈ, પણ બીજા દિવસે જાગ્યો ત્યારે મને પ્રશ્ન થયો કે સ્કૂટર પર બે વ્યક્તિઓ પાછળ બેસે એવું માન્ય હશે? ત્રણ દિવસ તો હું કામમાં બહુ રોકાયેલો રહ્યો એટલે આ પ્રશ્નનું નિરાકરણ થયું નહિ, પણ ગઈ કાલે હું રિક્ષા કરીને ટ્રાફિક ઇન્સ્પેક્ટરને મળી આવ્યો. એમણે કહ્યું, ‘ત્રણ વ્યક્તિ સ્કૂટર પર બેસે તો એ ગુનો જ થયો કહેવાય, પણ હવે ધ્યાન રાખજો.’ પણ મેં એમને કહ્યું, ‘કાયદાના ભંગની સજા તો ભોગવવી જ જોઈએ. તમે મારું નામ લખી લો.’ એ કહે, ‘સ્કૂટર પર બે વ્યક્તિને બેસાડે એણે ગુનો કર્યો કહેવાય. તમે તમને બે જણને સ્કૂટર પર બેસાડ્યા હોય એમનું નામ અને એમના સ્કૂટરનો નંબર લખાવો. મેં તમારું નામ લખાવ્યું છે, પણ સ્કૂટર-નંબરની મને ખબર નહોતી એટલે પૂછવા આવ્યો છું. તમારે એક વાર કોર્ટમાં જવું પડશે. દંડની રકમ તો જોકે હું જ આપીશ, પણ મારે કારણે તમારો થોડો સમય બગડશે, પણ કાયદાનું પાલન કરવું એ આપણો ધર્મ છે. અજાણતાં પણ કાયદાનો ભંગ થાય તો એની સજા સ્વીકારી લેવી એ પણ આપણો ધર્મ છે.’ એ મારા સ્કૂટરનો નંબર લઈને ગયા, પણ અમારા મહેમાને પહેલો પ્રશ્ન પૂછયો, ‘કોણ હતા આ ચક્રમ?’
અમારા બીજા એક મિત્ર છે, ઉત્તમ વક્તા છે. સમયપાલનના ચુસ્ત આગ્રહી છે. બીજાઓ પણ સમયપાલનમાં ચુસ્ત બને, એના પણ એ આગ્રહી છે. એમનાં લગ્નમાં અન્ય વિધિઓમાં વિલંબ થવાને કારણે હસ્તમેળાપ માટે મુકરર કરેલો સમય જતો રહ્યો તો એમણે હસ્તમેળાપનો વિધિ જ નહોતો કરવા દીધો! કોઈ એમને મળવા માટે ફોન પર એપોઇન્ટમેન્ટ માગે તો આખા દિવસનું સમયપત્રક જોઈને સમય આપે. એમણે આપેલો સમય મોટા ભાગે રેલવેના ટાઇમટેબલ જેવો હોય. નવ ને સાડત્રીસ મિનિટે, અગિયાર ને ચોપન મિનિટે, દસ ને ઓગણસાઠ મિનિટે – એ રીતે. ટ્રેનોનું સમયપત્રક તો ટ્રેન કેટલી મોડી છે તે નક્કી કરવા સિવાય ખાસ કામ આવતું નથી, પણ અમારા આ મિત્રનું સમયપત્રક તો અત્યંત ચુસ્ત.
કોઈને સવારે દસ અને બાર મિનિટે મળવાનું કહ્યું હોય અને બાવીસ મિનિટે એમનો દોડવા જવા માટે બૂટની વાધરી બાંધવાનો તથા અને સાડાબાવીસ મિનિટે દોડવાનું સ્ટાર્ટ કરવાનો એમનો કાર્યક્રમ હોઈ શકે. એટલે અને બારવાળા મુલાકાતી જો મોડા પડે – અને નવ્વાણું ટકા મોડા પડે જ – તો એમણે સ્કૂટર કે રિક્ષા લઈને એમના દોડવાના સ્થળે જવું પડે. હવે જો દોડવાનું પૂરું થયા પછી બીજા કોઈને એપોઇન્ટમેન્ટ આપી હોય તો પહેલી એપોઇન્ટવાળાને ફરી એપોઇન્ટમેન્ટ મેળવવી પડે. એપોઇન્ટમેન્ટ માટે ફોન કરવાનો દરરોજનો એક નિશ્ચિત સમય. આ સમય જાણવા માટે પેલાએ એમની સાથે દોડતાં-દોડતાં જ વાત કરવી પડે. એમાં જો પેલો ઓછું સાંભળવાને કારણે કે ખોટું સાંભળવાને કારણે ખોટા સમયે ફોન કરે તો એમને રેકોર્ડ કરેલી વિગત સાંભળવા મળેઃ ‘માફ કરજો. આ સમય એપોઇન્ટમેન્ટ મેળવવા માટેનો સમય નથી. કૃપા કરી આપ આવતી કાલે આટલાથી આટલામાં ફોન કરો. ધન્યવાદ!’ આ ધન્યવાદ સાંભળી પેલો ધન્ય થવાને બદલે અધન્ય થઈ જાય, પણ નિયમ એટલે નિયમ! એવું કહેવાય છે કે પોતાના મૃત્યુ માટે યમરાજાને પણ એમણે ચોક્કસ સમય – તારીખ આપી રાખેલાં છે. યમરાજા આ અંગે કેવું સ્ટેન્ડ લેશે એ અંગે બીજાઓને તો ખબર નહિ પડે, પણ યમરાજા જો તારીખ – સમય નહિ સાચવી શકે તો એમનું – એમનું એટલે યમરાજાનું – શું થશે એની ઘણાને ચિંતા થાય છે. યમલોક પહોંચતાં સુધીમાં યમરાજાને ‘સમયપાલનઃ એક મહામૂલ્યવાન જીવનમૂલ્ય’ એ વિશે પ્રવચન તો સાંભળવું જ પડશે. જોકે એમનાં પ્રવચનો સુંદર હોય છે એટલે યમરાજાને મજા પડશે. તેઓ ખૂબ સુંદર વક્તા છે. એટલે જ આયોજકો અગવડો ભોગવીનેય એમની તારીખો મેળવે છે. શ્રોતાઓ પણ હોંશે-હોંશે એમનાં પ્રવચનોમાં જાય છે. પણ ‘આજે પેલા ચક્રમના પ્રવચનમાં મારે જવાનું છે એટલે સાંજે હું ઘેર નથી.’ અથવા ‘આજે સાંજે પેલા ચક્રમનું પ્રવચન છે, આવવું છે?’ લોકો આવી રીતે વાત કરે.
જગતનું આવું છેઃ સદગુણની એને ઝંખના છે, પણ સદ્ગુણીને એ ચક્રમ તરીકે ઓળખે છે. એટલે જ તત્ત્વજ્ઞાનીઓએ જગતને મિથ્યા કહ્યું હશે?
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા પ્રકાશિત લેખકના પુસ્તક ‘ૐ હાસ્યમ’માંથી સાભાર.