કૃષ્ણકથા વ્યક્તિને શાંતિ અને સમાજને ક્રાંતિ પ્રદાન કરે છેઃ પૂ. રમેશભાઈ ઓઝા

અંજાર: કૃષ્ણકથાએ વ્યક્તિને શાંતિ અને સમાજને ક્રાંતિ પ્રદાન કરનાર દિવ્ય પ્રકાશ છે. આપણા શાત્રો અને ગ્રંથો જીવનમાં પ્રકાશ છે. ગ્રંથો એ આદર્શ જીવનનો માર્ગ ચીંધનારા શ્રેષ્ઠ તત્ત્વો છે. માતા-પિતા, સત્સંગ અને સદગુરુએ સદવિચારોનું ઉદભવ સ્થાન છે, તે પૂજનીય છે. પુષ્ટિ માર્ગીય સંપ્રદાયમાં મર્યાદાઓનું પણ અનુકરણ કરવું જોઈએ. મનુષ્યમાં આહાર, વિહાર અને વિચારોમાંથી શુદ્ધતા આવે તો ધર્મની મર્યાદા કેળવાય છે, તેવું અંજારમાં જહાન્વીબહેન પંકજભાઈ કોઠારી અને સાવિત્રીબહેન કાંતિલાલ કોઠારી પરિવાર દ્વારા શારદાબહેન નરેન્દ્રભાઈ ઉદવાણીના મનોરથ સાથે યોજાયેલા શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં પૂ. રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું.
કથાના અંતિમ દિવસે યજમાન પરિવારના સભ્યો દ્વારા પોથીપૂજન અને ભાગવત સ્તુતિ અને મંગલાચરણ કરાયા હતા. ભાગવતનું રસપાન કરાવતા પૂ. ઓઝાએ કહ્યંુ કે, વૈષ્ણવોની અંદર દિવ્ય આનંદને પ્રગટાવવા પ્રભુ પ્રગટ થાય છે. શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ પાસે કાંઈ મગાય નહીં અને રડાય પણ નહીં. ભક્તિના મહિમામાં જ્ઞાનબાધક રૂપ છે. વાત્સલ્ય, શૃંગાર, દાસ્ય, શાંતિ એ ભક્તિમાર્ગનો પ્રકાર છે. જેનું રામચરિત માનસમાં તુલસીદાસજીએ વર્ણન કર્યું છે. ધર્મમાં મર્યાદા અનિવાર્ય છે. આદર્શ સનાતની માટે મર્યાદાના પાઠો અનિવાર્ય છે. સુદામાજીએ વિરક્ત વિદ્વાન બ્રાહ્મણ સ્વરૂપ હતા. એટલે જ તો શ્રીકૃષ્ણએ સ્વંય તેમના આસન ઉપર બેસાડીને પોતાના અશ્રુમોતીથી તેમના ચરણ ધોયા હતા, જે સખ્યભક્તિનો ઉત્તમ ઉદાહરણ છે.
વ્યાસપીઠ ઉપર પૂ. રમેશભાઈએ નિયમિત શ્રીમદ્ ભાગવતના પઠન કરવાની વાત ઉપર વિશેષ ભાર મૂક્યો હતો. વધુમાં તેમણે કહ્યંુ હતું કે, હનુમાજીએ દાસ્ય ભક્તિને દિપાવ્યું છે. જીવનમાંથી અહંકારને નાથવા ભગવાન શિવને ભજવા અનિવાર્ય છે. જીવ નિરાનંદ, જગત જગતાનંદ, પરમાનંદ પૂર્ણાનંદ સ્વરૂપ છે. આકાશી વીજળીની જેમ દુષ્ટોની પ્રીતિ અસ્થિર હોય છે, પરંતુ સજ્જન મનુષ્યનો ભાવ હંમેશાં સ્થિર રહે છે. જીવનમાં માયાનું કાર્ય બાંધવાનું અને પરમબ્રહ્મનું કાર્ય મુક્તિ પ્રદાન કરવાનું હોય છે. ધર્મનો સંબંધ કરુણા સાથે હોય છે, તેથી જ પરમાત્માને હંમેશાં નવનીત પ્રિય છે. ભૂતકાળની ચિંતાથી મુક્ત થઈ પરમબ્રહ્મને ભજવા જોઈએ. જીવમાત્રના સગા પરમાત્મા છે. ઐશ્વર્યનું જ્ઞાનવાત્સલ્ય ભક્તિમાં બાધક છે, તેથી ઐશ્વર્ય નહીં નિર્દોષ, નિર્મળ ભક્તિ જ પ્રભુને પ્રિય છે. રાધા-કૃષ્ણનો આલૌકિક પ્રેમ વર્ણવતા તેમણે ઉમેર્યું હતું કે, ધારાનો વિપરિત પ્રવાહ એટલે રાધા. સમાજમાં ભાગવતનું કમળ ખીલવવા તેની ટીકા અને અર્થોનો અભ્યાસ કરવા પૂ. ઓઝાએ કહ્યું હતું.
અંતમાં પૂ. ભાઈશ્રીએ ભવ્ય ભાગવત સપ્તાહ બદલ યજમાન પરિવારને અભિનંદન સાથે આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે માનવસેવા ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે કથા મંડળ સ્થળે નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો, જેનો મોટી સંખ્યામાં આસ્થાળુઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે ગોંડલના ગોપાલાદાસ બાપુ, ચંદિયાના કેવલદાસ બાપુ, નારણગિરિ બાપુ, નલિયાના હિરાનાથ બાપુ, નયનદાસજી મહારાજ, શાત્રી આશિષ મહારાજ, કૃષ્ણ મહારાજ, શાત્રી જયદીપભાઈ વ્યાસ હાજર રહ્યા હતા.