કુમારપાળ દેસાઈના નેતૃત્વ હેઠળ ઓનલાઇન ગુજરાતી વિશ્વકોશ ઉપલબ્ધ થશે

 

અમદાવાદઃ ગુજરાતી ભાષામાં સર્વપ્રથમ વિશ્વકોશ (એન્સાઇક્લોપીડિયા) પ્રગટ કરનાર ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે ૧૯૮૭થી ૨૦૦૯ સુધીના બાવીસ વર્ષમાં ગુજરાતી વિશ્વકોશના ૨૫ ગ્રંથોનું પ્રકાશન કર્યું. ૧૭૦ જેટલાં વિષયો સમાવતાં ૨૪,૦૮૩ લખાણોવાળો ગુજરાતી વિશ્વકોશ ગુજરાતનો સૌથી મોટો જ્ઞાનસાગર બની રહ્યો. એ પછી વર્તમાન સમયને અનુલક્ષીને છેલ્લાં સાતેક વર્ષથી ગુજરાતી વિશ્વકોશના ૨૪,૦૦૦થી વધુ લખાણો ઑનલાઇન મુકવાનો પ્રકલ્પ ચાલતો હતો. જેને પરિણામે સવા કરોડની શબ્દસંખ્યા ધરાવતો આ વિશ્વકોશ હવે ઑનલાઇન ઉપલબ્ધ થયો છે. કુમારપાળ દેસાઈના નેતૃત્વ હેઠળ અને ઈન્ફર્મેશન ટેક્નોલોજીના અનુભવી પૂર્વીન દેસાઈના કાર્ય સાથે વિશ્વકોશે આ યોજના સાકાર કરવા માટે એક અલાયદી ટીમ બનાવી અને એ દ્વારા ગુજરાતી ભાષામાં ૮,૩૬૦ માનવવિદ્યાના, ૮,૦૮૩ વિજ્ઞાનના, ૭,૬૪૦ સમાજવિદ્યાના, ૭,૬૪૭ લઘુચરિત્રો તેમજ ૫,૦૬૩ વિસ્તૃત વ્યાપ્તિ લેખો અને ૨,૦૪૬ અનુદિત લેખો હવે ગુજરાતની પ્રજાને ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. 

આ ઑનલાઇન વિશ્વકોશના દરેક વોલ્યુમમાં એ ગ્રંથ જે વર્ષે પ્રકાશિત થયો હોય તેનું વર્ષ મળશે, જેથી એનો ખ્યાલ આવશે કે કયા સમય સુધીની માહિતી આ અધિકરણમાંથી ઉપલબ્ધ થશે. આ ગ્રંથો વિશ્વકોશના અધિકરણના શીર્ષકથી, લેખકના નામથી કે એના વિષયથી સર્ચ કરીને એમ ત્રણ રીતે એની માહિતી મેળવી શકાશે. જ્યારે લેખકના નામથી સર્ચ થાય, તે વખતે એ નામ જે જે લેખમાં આવતું હશે, એ લેખ પણ તમને સાથે દેખાશે. આ સામગ્રી મોબાઇલમાં પણ ગુજરાતી કી-બોર્ડ ઇન્સ્ટોલ કર્યા પછી ઑનલાઇન જોઈ શકાશે. આમ કમ્પ્યૂટર, લેપટોપ કે મોબાઈલમાં આ ચોવીસ હજારથી વધુ લખાણો પ્રાપ્ત થશે. ગુજરાતની અસ્મિતાને ઉપસાવી આપતો ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ, વિશિષ્ટ વ્યક્તિઓ, સંસ્થાઓ અને ગુજરાતી પ્રજાની તમામ ક્ષેત્રની પ્રવૃત્તિઓનો વિગત સમૃદ્ધ રસપૂર્ણ અધિકૃત પરિચય આમાંથી પ્રાપ્ત થશે તેમજ નિષ્ણાતો દ્વારા લખાયેલાં સ્વતંત્ર લેખોથી વિશ્વ વિશે અને ભારત વિશે અદ્યતન અને પ્રમાણભૂત માહિતી પ્રાપ્ત થશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સંત સ્વામીશ્રી માધવપ્રિયદાસજી તથા જાણીતા વિજ્ઞાની પંકજ જોશીએ ગુજરાતી ભાષામાં વર્તમાન યુગને અનુસરીને વિશ્વકોશને ઑનલાઇન મુકવાના વિરાટ કાર્ય સિદ્ધ થવા માટે વિશ્વકોશ ટ્રસ્ટને અભિનંદન આપ્યા હતા અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિશ્વકોશના કાર્યવાહકો કુમારપાળ દેસાઈ, પી. કે. લહેરી, પ્રકાશ ભગવતી, પ્રીતિ શાહ, મનુભાઈ શાહ, પૂર્વીન દેસાઈ અને નલિની દેસાઈ સાથેની મુલાકાતમાં પોતાનો આનંદ પ્રગટ કર્યો હતો.